પરિવારમાં મોટા બાળકને સમજદારી અને નાના બાળકને લાડ મળે છે. મોટું બાળક પહેલું બાળક હોવાથી મા-બાપને વધારે વહાલું હોઈ શકે, પરંતુ બીજા બાળકના આવતાં જ આ વહાલના દરિયા પર અપેક્ષાઓનાં મોજાં સવાર થવા માંડે છે. પહેલા બાળકને અચાનક એવી રીતે મોટો બનાવી દેવાય કે જાણે એ સમજદાર પરિપક્વ વ્યક્તિ છે. બાળક એ બાળક છે. પરિવારનું મોટું સંતાન હોવાથી એનું બાળપણ જતું નથી રહેતું, પણ અનેક પેરેન્ટ્સ બાળકને મોટુ બનાવી એના બાળપણનો ભોગ લે છે. એને ઓલ્ડેસ્ટ ચાઇલ્ડ સિન્ડ્રોમ કહેવાય છે, જે બાળકને સતત મોટું હોવાનું ફીલ કરાવે છે.

સૌથી પહેલાં તો મોટા બાળકને માથે જવાબદારીનો બોજ નાંખવામાં આવશે. કોઇ પણ કામમાં તું મોટો છે કે તું મોટી છે એવું કહી દરેક કામની - ઘટનાની જવાબદારી તારી છે એવો વણલખ્યો નિયમ અજાણ્યા જ ઘરમાં બની જાય છે. ઘણાં બાળકોનાં માથે નાના ભાઇ-બહેનના હોમવર્કની, ખવડાવવાની, સાચવવાની, બહાર લઇ જવાની એવી એટલી જવાબદારી નંખાય છે કે તેઓ ભાઇ-બહેનનાં માતા-પિતાની ભૂમિકામાં આવી જાય છે. ઘરના કામમાં હેલ્પ કરવાની જવાબદારી પણ મોટા બાળકના માથે જ મરાય છે.

બીજા ક્રમે મોટા બાળકમાં લીડરશિપના ગુણોની અપેક્ષા રખાય છે. ઘરમાં મા-બાપના ઝઘડાથી લઇને નાનાં ભાઇ-બહેનના તોફાનનું સોલ્યુશન એને શોધવાનું રહે છે અને આ અનુભવને કારણે એ ખુદને લીડર સમજવા માંડે છે. પહેલાં પેરેન્ટ્સ અજાણતાં એને લીડરની ભૂમિકા સોંપે છે, પરંતુ બાદમાં મોટું બાળક ક્ષમતા ન હોય તો પણ ખુદને લીડર માનવા માંડે છે અને અન્યની વાત સાંભળવાની અને સ્વીકારવાની ટાળે છે.

ત્રીજા ક્રમે મોટા બાળક પર આવે છે પરફેક્ટ બનવાનું પ્રેશર. તું મોટો છે તને આટલી નથી ખબર પડતી? મોટી થઇને તું ભૂલ કરશે તો નાનાં ભાઇ-બહેન પણ એવું જ શીખશે. આવાં વાક્યો દરેક ઘરમાં મોટાં બાળકો માટે બોલાતાં હોય છે. આ પરફેક્શનની અપેક્ષા બાળકની આવડત તથા સર્જનાત્મકતા બંને ખરાબ કરી દે છે. જ્યારે બાળક પેરેન્ટ્સની પરફેક્શનની અપેક્ષાએ ખરું નથી ઊતરતું ત્યારે લઘુતાગ્રંથિ જ નહીં, સ્ટ્રેસ પણ અનુભવે છે. માત્ર કામમાં જ નહીં, પરંતુ નિયમના પાલન માટે પણ મોટા બાળક પાસે જ અપેક્ષા રહે છે. નાનાનાં તોફાન લગભગ દરેક ઘરમાં હસી કઢાય, પરંતુ એનાથી માત્ર બે વર્ષ મોટા બાળકનાં નાનાં તોફાન પણ ભાગ્યે જ ચલાવાય. મોટા બાળક પર લગાવાયેલાં તમામ નિયંત્રણોનું નાના બાળક માટે સુરસુરિયું થઇ જાય છે. જવાબદારી, નેતૃત્ત્વ, સંપૂર્ણતા અને શિસ્તના અતિ આગ્રહને કારણે એ સતત સ્ટ્રેસ અનુભવે છે અને પોતાની શક્તિનો વિકાસ કરવામાં નિષ્ફળતા અનુભવે છે અને સંઘર્ષ કરવામાં પીછેહઠ કરે છે.

મોટા બાળક પાસે નાના બાળકની સરખામણીએ કરિયર અને એજ્યુકેશન બંને બાબતે અવલ્લ રહેવાનું પ્રેશર રહે છે. એક તો પેરેન્ટ્સ પ્રથમ સંતાન માટે પાગલ હોવાનાં. એના માટે એટલાં બધાં સપનાંઓ જુએ છે કે જાણે એમનું બાળક કોઇ દૈવી શક્તિ લઇને જન્મ્યું હોય અને મોટા બાળકને પેરેન્ટ્સ પહેલેથી જ એમની અપેક્ષાઓનું લિસ્ટ પકડાવી એની નિજતા છીનવી લે છે અને બાળક એ માટે પ્રયત્ન પણ કરશે, પણ સતત બાળકનું મન પેરેન્ટ્સની પ્રસંશા અને માન માટે વ્યાકુળ રહેશે. એનામાં બાળપણથી જ પોતાની જવાબદારી અને કામ માટે પ્રસંશાની ભૂખ જાગે છે, કારણ કે એનું મન સમજે છે કે એ એનાં નાનાં ભાઇ-બહેન કરતાં વધુ જવાબદારી લે છે તો વધુ રિવોર્ડ પણ એને જ મળવો જોઇએ અને જ્યારે આમ ન બને ત્યારે એ હતાશ બને છે. વળી, જ્યાં મમ્મી-પપ્પા બંને વર્કિંગ હોય ત્યાં તો મોટા બાળકને માથે ઘણી જવાબદારી આવે છે.

નાનાં ભાઇ-બહેન રમતાં હોય ત્યારે મોટા બાળકે એમનું ધ્યાન રાખવું પડે છે, તેથી તેઓ નચિંત થઇને રમી શકતા નથી. નાનાં ભાઇ-બહેન પડી જાય, નીચે પડેલી વસ્તુ ખાઇ લે કે કોઇ વસ્તુ તોડી નાંખે તો મોટાં ભાઇ-બહેનને જ કહેવાય છે કે તારાથી ધ્યાન નથી રખાતું? અરે! નાનાં ભાઇ-બહેન મોટાં થાય ત્યારે પણ નાનાં જ રહે છે. અગર પરિવારમાં કોઇ સમસ્યા જન્મે તો એનો ઉકેલ મોટાએ જ લાવવો પડે. ઘણાં મોટાં સંતાનો નાના ભાઇની જવાબદારી અને પેરેન્ટ્સની અપેક્ષાને કારણે આખી જિંદગી સમાધાનો કરતાં રહે છે અને જ્યારે એ પોતાની ઇચ્છા માટે જીવવાનું શરૂ કરે ત્યારે એને બેજવાબદાર અને સ્વાર્થી કહીને વગોવાય છે અને તેમાંય જો નાનાં ભાઇ-બહેનો વધુ સ્માર્ટ હોય તો પેરેન્ટ્સ સરખામણી કરીને એની ખુશીઓ પર ગ્રહણ લગાવતાં રહે છે. મતલબ કે તેઓ જે સંઘર્ષ કરે છે એ પ્રમાણમાં એમને ખુશી મળતી નથી.

આ બધાં કારણસર તેઓ મૂંઝાયેલા અને મૂરઝાયેલા રહી શકે. પરિવર્તનને સ્વીકારતા રહે. નાના બાળકની બદમાશીની મજા મનાય. જ્યારે મોટું બાળક ટીકાનો ભોગ બને. મોટા હોવાને પરિણામે આ કરી ન શકે, હારી ન શકે, રડી ન શકે. એને તો હંમેશાં કેપ્ટન બનવાનું. મોટું બાળક લીડરશિપ અને જવાબદારીને કારણે પેરેન્ટ્સ અને ભાઇ-બહેન માટે ઓવર પ્રોટેક્ટિવ બને છે.

ટૂંકમાં, મોટું બાળક સામાજિક રીતે વધુ પરિપક્વ, પારિવારિક રીતે વધુ જવાબદાર અને વ્યક્તિગત રીતે ક્યારેક કોન્ફિડન્ટ તો ક્યારેક કન્ફ્યૂઝ હોય છે. સમાધાન અને સહનશીલતા એને પરાણે શીખવાય છે, તેથી મોટા થતાં અન્ય ભાઇ-બહેનના સંબંધમાં એ ઉદાસીન પણ રહી શકે. કદાચ મોટા હોવું એ રિવોર્ડ બને કે પનિશમેન્ટ એ પેરેન્ટ્સની સાઇકોલોજી અને બાળકની ક્ષમતા પર આધાર રાખે છે.