આમ તો દરેક વ્યક્તિ ખુદને જ સૌથી મહત્ત્વની માને છે, પરંતુ આ માન્યતા જીવનના દરેક રંગ-ઢંગમાં છવાઈ જાય ત્યારે મેઇન કેરેક્ટર સિન્ડ્રોમનો જન્મ થાય.

લાઈફ નામના પિક્ચરમાં હું જ મહત્ત્વની ભૂમિકામાં છું અને આગળ પણ રહીશ. ખાસ કરીને આજની ડિજિટલ દુનિયામાં ખુદને મહત્ત્વની, સમર્થ અને લોકપ્રિય ગણવાનો નશો અન્યને નગણ્ય બનાવે છે. આ માનસિક બીમારી તો ન ગણી શકાય, પરંતુ માણસનાં વ્યવહાર-વર્તનનો નવો ટ્રેન્ડ અવશ્ય ગણી શકાય. એમાં વ્યક્તિને લાગે છે કે આખી દુનિયા એની આજુબાજુ ફરી રહી છે અને મધ્યબિંદુ એ પોતે છે. આજુબાજુના લોકો એની વાર્તાના સાઈડ કેરેક્ટર યાનિ જુનિયર આર્ટિસ્ટ છે. એના જીવનની દરેક નાની-મોટી ઘટનાઓ સિનેમેટિક છે. યાનિ રમણીય, દર્શનીય અને શ્રવણીય છે. તેઓ આત્મમુગ્ધ નાર્સિસ્ટ કે મહત્ત્વાકાંક્ષી લીડર કરતાં અલગ છે. તેઓ ખુદને હીરો સમજે છે અને ખુદને ગ્લોરિફાય કરવામાં જ મજા લે છે. બીજાને નુકસાન કરવાની કે નીચા પાડવાની માનસિકતા એમનામાં નહીંવત્ જોવા મળશે.

આ વાત 1-2 ઉદાહરણ દ્વારા સમજીએ. કલ્પના કરો કે એક છોકરી કાફેમાં બેઠી છે. એ પુસ્તક વાંચી રહી છે, પરંતુ એનું ધ્યાન પુસ્તકોમાં ઓછું અને પોતે વાંચતાં-વાંચતાં કેવી દેખાઈ રહી છે એના પર વધુ છે. એ પોતાના વાળ વારંવાર સરખા કરશે અને આજુબાજુના લોકો એને કોઇ મહાન વ્યક્તિ સમજીને નોટિસ કરે એવું ઇચ્છશે એના માટે કાફે એક સેટ છે અને ગ્રાહક એની ફિલ્મની ભીડ છે.

ઓફિસમાં એક કર્મચારી પર બોસ કોઈ ભૂલ માટે ગુસ્સે થાય છે. કર્મચારી પોતાની ભૂલ સુધારવાને બદલે એને એક ડ્રામા બનાવી દેશે. એ ડેસ્ક પર માથું નાંખીને બેસશે. ઉદાસ સંગીત સાંભળશે અને પોતાના સહકર્મચારીઓ તરફ એવી રીતે જોશે કે જાણે એ કોઇ અન્યાયનો શિકાર બનેલી ફિલ્મનો હીરો છે અને એ ઇચ્છે છે કે ઓફિસનાં લોકો બધું કામ છોડીને એને મનાવે.

સ્મિતાની ફ્રેન્ડ મીરાંનાં લગ્ન છે. હવે જેનાં લગ્ન હોય એ વ્યક્તિનું ડ્રેસિંગ, ઇચ્છા-અનિચ્છા એ દિવસો મહત્ત્વના રહેવાના. લોકો એના તરફ જ ધ્યાન કેન્દ્રિત કરવાના, પરંતુ સ્મિતા મીરાં કરતાં વધુ હેવી ડ્રેસિંગ કરશે, જરૂર ન હોવા છતાં મીરાંની સાથે સ્ટેજ પર જશે અને એવું કંઇ કરશે કે જેથી એ દિવસની મેઇન હિરોઈન મીરાં સાઇડ પર થઇ જશે. બધાનું ધ્યાન સ્મિતા પર કેન્દ્રિત થશે. આવી માનસિકતા સોશિયલ મીડિયા આવ્યું એ પહેલાં પણ હતી, પરંતુ સોશિયલ મીડિયાએ આ માનસિકતાને હવા આપી. સોશિયલ મીડિયા આમ પણ નાયક માનસિકતાને પ્રોત્સાહન આપે છે. લોકો પોતાના જીવનની નાની-નાની ઘટનાઓને રેકોર્ડ કરીને જાહેરમાં મૂકે છે. એ માટે એડિટિંગ-ફિલ્ટરિંગનો ઉપયોગ કરી પોતે જે અને જેવા છે એના કરતાં અલગ જ બતાવાય છે.

ડિજિટલ પ્લેટફોર્મ એક સામાન્ય અસ્તિત્વને મહાન બનાવી પ્રદર્શિત કરે છે અને ત્યારબાદ વ્યક્તિ લાઇક, કમેન્ટ અને શેરિંગની માયાજાળમાં ફસાઈને ખુદને ગ્લોરિફાય કરતો રહે છે. પોતે જે નથી તે અને અન્ય કરતાં વધારે પ્રભાવી સાબિત કરવાની આ કળા `મેઈન કેરેક્ટર સિન્ડ્રોમ'ને વધારે બળવાન બનાવે છે. આવા લોકો સાર્વજનિક કાર્યક્રમથી લઇને અંગત ક્ષણોમાં પણ ખુદને જ પ્રમોટ કરે છે. વિશેષ સગવડની અપેક્ષા રાખે છે. કેમેરાની સામે મહાન બને છે. બીજાની મુશ્કેલી કરતાં ખુદનો દેખાવ એમના માટે વધારે અગત્યનો રહે છે. વાસ્તવમાં સોશિયલ મીડિયામાં અલ્ગોરિધમ ક્યૂરેશન વૈશ્વિક દૃષ્ટિનું સમર્થન કરે છે. ફિલ્ટર્ડ સંપૂર્ણ તસવીર બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે અને લાઇક્સ વગેરે બહારના અનુમોદન માટે ઝનૂન ઊભું કરે છે. આ બધું મહાન સફળતા માટે જ નહીં, પરંતુ નાના-નાના કાર્ય માટે પણ થાય છે.

જેને કારણે સંબંધોની ગુણવત્તા પર અસર પડે છે. જ્યારે એક વ્યક્તિ સતત `લીડ' ભૂમિકામાં હોય તો બીજી વ્યક્તિ હાંસિયામાં ધકેલાય છે. એના મનમાં ફાયદો ઉઠાવ્યાની ભાવના જન્મે છે. આ અસમાનતા આક્રોશ જન્માવે છે. જેનાથી વાતચીત તૂટે છે અને ભાવનાત્મક અંતર વધે છે.

બીજું, સતત પર્ફોર્મન્સ મોડમાં રહેવું મનોવૈજ્ઞાનિક રૂપથી થકવી નાખે છે. પોતાના વાસ્તવિક જીવનને એક કાલ્પનિક સ્ક્રિપ્ટ સાથે રજૂ કરવાની લગાતાર કોશિશ કરવાથી ચિંતા અને અસંતોષ ઊભાં થાય અને વાસ્તવિક પ્લોટની અપેક્ષાએ કાલ્પનિક પ્લોટનો મેળ ન પડે ત્યારે હતાશા આવે. અગર વ્યક્તિ ખુદને મહત્ત્વની વ્યક્તિ સાબિત કરવામાં સફળ થાય તો આ પ્રવૃત્તિ ધીરે-ધીરે આત્મમોહ યાનિ સેલ્ફ-ઓબ્સેસન તરફ વળે છે, જે વ્યક્તિનો વિકાસ રૂંધશે. પોતાની ભૂલ તરફ આંખમીંચામણાં કરાવશે. મહત્ત્વ ન મળે તો આક્રમક બને છે. મેઇન કેરેક્ટરમાં રહેવા એ બીજાની ભૂમિકા પણ છીનવશે. જૂઠ-પ્રપંચ અને શોબાજી એના વ્યક્તિત્વનાં પાસાં બનતાં એની વાસ્તવિક શક્તિ અને ગુણો પર પણ પાણી ફરી વળશે. નાનકડી હાર પણ સહન કરવી મુશ્કેલ બની શકે. ખુદના સ્વજનોને પણ એ આગળ નહીં કરી શકે.

આવી વ્યક્તિઓએ એક વાત સમજવી જોઈએ કે દરેક વ્યક્તિની પોતાની કથા હોય છે અને એમાં તેઓ જ મુખ્ય પાત્ર હોય છે. દરેકની લાઇફને પોતાનાથી ઊતરતી ગણવી મૂર્ખામી છે. સંબંધો-સ્વાસ્થ્ય અને સંતોષને મહત્ત્વ આપી ખોટા ડ્રામાથી બચાય તો પોતાની લાયકાત પ્રમાણે સમય આપે જ છે. એ માટે વ્યર્થ હવાતિયાં મારવાની જરૂર નથી.

આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો