મહાભારતના શાંતિપર્વમાં શરશય્યા પર પડેલા પિતામહ ભીષ્મ જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિરને લીડરશિપ અને મેનેજમેન્ટના ગૂઢ સિદ્ધાંતો સમજાવે છે, ત્યારે તેઓ જીવન અને સત્તાની એક અત્યંત કડવી પણ સર્વકાલીન વાસ્તવિકતાને પણ યુધિષ્ઠિર સામે મૂકે છે. પિતામહ ભીષ્મ કહે છે કે હે યુધિષ્ઠિર, લીલીછમ ઝાડીઓમાં નિશ્ચિંત થઈને ઘાસ ચરી રહેલા હરણને જેમ અચાનક આવીને વાઘ ઝાપટ મારી લે છે અને તેનો શિકાર કરી લે છે, ઠીક તે જ રીતે માનવ જીવન પર અને ખાસ કરીને એક લીડર પર મૃત્યુ, ગંભીર બીમારી કે કોઈ પહાડ જેવું અણધાર્યું સંકટ ગમે ત્યારે ત્રાટકી શકે છે, જેથી એક લીડરે હંમેશાં ઉદ્યોગશીલ રહેવું અને સતત સતર્ક રહીને પોતાની જવાબદારીઓનું વહન કરવું.
આમ જોવા જઈએ તો ભીષ્મનું આ રૂપક માત્ર પ્રાચીન સમયના રાજાઓ માટે નહોતું, પરંતુ આજના કોર્પોરેટ અને સામાજિક ક્ષેત્રના લીડર્સ માટે પણ એટલું જ સચોટ છે. કોઈ પણ સંસ્થા કે કંપનીનો લીડર જ્યારે સફળતાના શિખરે હોય છે, ત્યારે તેની આસપાસ એક પ્રકારનું કમ્ફર્ટ ઝોન ઊભું થઈ જાય છે. તેમને એમ જ થઈ જાય છે કે હવે સિસ્ટમ જ કામ કરશે અને આપણે ઝાઝા ઉદ્યોગશીલ રહેવાની જરૂર નથી, પરંતુ શાંતિપર્વનો આ ઉપદેશ ચેતવે છે કે લીડરે ક્યારેય આ ભ્રમમાં ન રહેવું કે પરિસ્થિતિઓ હંમેશાં તેના નિયંત્રણમાં જ રહેશે. જેમ જંગલમાં હરણ માટે દરેક ક્ષણ અજાણ્યા ભયથી ભરેલી હોય છે, તેમ જ વ્યાવસાયિક જગતમાં પણ માર્કેટનો અચાનક બદલાવ, આર્થિક મંદી, નવી ટેક્નોલોજીનું આગમન, આંતરિક અસંતોષ કે પછી લીડરનું પોતાનું નબળું સ્વાસ્થ્ય આ બધું જ વાઘની જેમ અચાનક ત્રાટકી શકે છે. જો લીડર અસાવધ હોય, તો એક નાનકડું સંકટ પણ આખી સંસ્થાને તબાહ કરવા માટે પૂરતું હોય છે, તેથી જ પિતામહ ભીષ્મ લીડરને ક્યારેય નિશ્ચિંત ન રહેવાની, પરંતુ સતત એલર્ટ રહેવાની સલાહ આપે છે.
આવા અણધાર્યા ભય અને જોખમો સામે રક્ષણ મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે લીડરે અત્યંત ઉદ્યોગશીલ અને કાર્યરત બનવું પડે. માત્ર ભયના ઓછાયા હેઠળ ડરીને બેસી રહેવાથી સંકટો ટળતા નથી, પરંતુ સતત પુરુષાર્થ કરવાથી તેના પર વિજય મેળવી શકાય છે. લીડરશિપની સાચી કસોટી જ એ છે કે સંકટ આવ્યા પછી જાગવાને બદલે, સંકટ આવે તે પહેલાં જ તમામ તૈયારીઓ પૂર્ણ રાખવામાં આવે. એક સાચો લીડર પોતાનાં દૈનિક કામો, સંસ્થાનાં લક્ષ્યો અને કરવા જેવા નિર્ણાયક ટાસ્ક્સને કાલ પર ઠેલવાને બદલે આજે જ પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી પૂર્ણ કરે છે.
જ્યારે કોઈ લીડર પોતાના કર્તવ્ય પ્રત્યે સંપૂર્ણ ઈમાનદાર હોય છે અને પોતાના ટાસ્ક્સ સમયસર પૂર્ણ કરે છે, ત્યારે તેના મનમાંથી અજ્ઞાત ભયનો ઓછાયો આપોઆપ ઓછો થઈ જાય છે. ભય હંમેશાં આળસ, અજ્ઞાનતા અને કામમાં વિલંબ કરવાની ટેવમાંથી જન્મ લે છે. જો લીડરે પોતાની રણનીતિ સ્પષ્ટ રાખી હોય, ટીમ યોગ્ય રીતે તૈયાર કરી હોય અને સંસ્થાના મૂળભૂત પાયા મજબૂત કર્યા હોય, તો ગમે તેટલું મોટું સંકટ આવે તો પણ સંસ્થા ડગમગતી નથી. ઈમાનદારીથી કરેલું કામ લીડરને એક પ્રકારનો આંતરિક આત્મવિશ્વાસ અને સંતોષ આપે છે. જો કોઈ શારીરિક બીમારી કે વ્યક્તિગત કટોકટી અચાનક આવી પણ પડે, તો પણ તેણે ઊભી કરેલી મજબૂત સિસ્ટમ અને પ્રોસેસના કારણે સંસ્થાનું કામ અટકતું નથી. શાંતિપર્વના આ પ્રસંગમાંથી આજની લીડરશિપ માટે એ શીખવાનું છે કે સફળતાના સમયે પણ ક્યારેય અતિ-આત્મવિશ્વાસમાં ન રહેવું અને બજારના સૂક્ષ્મ ફેરફારો પર સતત નજર રાખવી. આજના દિવસને જ અંતિમ માનીને પોતાના વિઝન સંબંધિત અગત્યના નિર્ણયોને ક્યારેય પેન્ડિંગ ન રાખવા અને દરેક અગત્યનું કામ પૂર્ણ નિષ્ઠાથી પૂરું કરી લેવું. આ ઉપરાંત અણધારી આફત સમયે જો લીડર સ્વયં ઉપસ્થિત ન રહી શકે, તો પણ સંસ્થા સક્ષમ રીતે ચાલી શકે તેવી સેકન્ડ લાઈન ઓફ લીડરશિપ તૈયાર કરવી જોઈએ.
પિતામહ ભીષ્મનો આ ઉપદેશ આપણને એ જ સત્ય સમજાવે છે કે અનિશ્ચિતતા એ જીવન, કરિયર કે પછી કોઈ પણ વ્યાપારનો શાશ્વત નિયમ છે. સમયાંતરે અવનવાં સંકટો અને કટોકટી અવિનાશી સત્ય છે, પણ તેની સામે વિજેતા એ જ બને છે જે હરણની જેમ અસાવધ રહેવાને બદલે સિંહની જેમ સતર્ક રહે છે અને ઈમાનદારીપૂર્વક પોતાના પુરુષાર્થમાં રત રહે છે. યોગ્ય સમયે અને પૂરી ઈમાનદારીથી કરેલું કામ જ કટોકટીના સમયે લીડર માટે સૌથી મોટી ઢાલ સાબિત થાય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો