અમેરિકાના `ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ - 1952' હેઠળ અમેરિકામાં પ્રવેશવા માટે બે પ્રકારના વિઝા ઘડવામાં આવ્યા છે.

 જેઓ ત્યાં કાયમ રહેવા ઈચ્છતા હોય એમના માટે `ઈમિગ્રન્ટ વિઝા' ઘડવામાં આવ્યા છે. આ ઈમિગ્રન્ટ વિઝા જુદા જુદા સંબંધોના આધારે મેળવી શકાય છે.

જો તમે અમેરિકન વ્યક્તિની પત્ની યા પતિ હોવ અથવા તમારાં સંતાનો અમેરિકન સિટીઝન હોય તો તમે `ઈમિજિએટ રિલેટિવ કેટેગરી' હેઠળ ઈમિગ્રન્ટ વિઝા મેળવી શકો છો. ચાર જુદી જુદી `ફેમિલી પ્રેફરન્સ કેટેગરી' હેઠળ જો તમારાં માતા-પિતા કે ભાઈ-બહેન અમેરિકન સિટીઝન હોય, તમે ગ્રીનકાર્ડધારક સાથે લગ્ન કર્યાં હોય તો તમને ઈમિગ્રન્ટ વિઝા મળી શકે છે.

ચાર જુદી જુદી `એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી' હેઠળ જો તમને અમેરિકન માલિક નોકરીમાં રાખવા ઈચ્છતા હોય અને તેઓ લેબર સર્ટિફિકેશન કરાવીને તમારા માટે આ ચારમાંથી કોઈ પણ એક પ્રકારની લાયકાતવાળી ઈમિગ્રન્ટ વિઝાની જે પિટિશન હોય એ દાખલ કરવા તૈયાર હોય, તો તમને ઈમિગ્રન્ટ વિઝા મળી શકે છે.

વર્ષ 1990માં અમેરિકાએ એક પાંચમી કેટેગરી `ઈબી-5' પ્રોગ્રામ દાખલ કર્યો. એની હેઠળ અમેરિકાના નવા બિઝનેસમાં રોકાણ કરો. એ બિઝનેસમાં દસ અમેરિકનોને ફુલટાઇમ નોકરીમાં રાખો અને જાતે એ બિઝનેસ ચલાવો, તો તમને ઈમિગ્રન્ટ વિઝા મળી શકે છે. આ જ `ઈબી-5' પ્રોગ્રામને થોડોક વધારે લંબાવવામાં આવ્યો અને 1993માં `ઈબી-5 પાઇલટ પ્રોગ્રામ' જેને આપણે `ઈબી-5 રિજનલ સેન્ટર પ્રોગ્રામ' કહીએ છીએ એ ઘડવામાં આવ્યો. એની હેઠળ તમે અમેરિકાની સરકારે માન્ય કરેલ રિજનલ સેન્ટરમાં રોકાણ કરો અને એ રિજનલ સેન્ટર તમારા વતીથી દસ અમેરિકનોને નવા બિઝનેસમાં સીધી અથવા આડકતરી રીતે નોકરીમાં રાખે તો ઈમિગ્રન્ટ વિઝા મળી શકે છે.

તમે રાજકીય આશરો મેળવીને અસાયલમ મેળવીને રેફ્યૂઝી સ્ટેટ્સ મેળવીને ઈમિગ્રન્ટ વિઝા મેળવી શકો છો. અમેરિકાની સરકાર દર વર્ષે 55,000 ગ્રીનકાર્ડ `વિઝા લોટરી' દ્વારા આપે છે, પણ ભારતીયો આમાં ભાગ લઈ નથી શકતા, કારણ કે એમણે છેલ્લા થોડા વર્ષોમાં ખૂબ મોટા પ્રમાણમાં ગ્રીનકાર્ડ મેળવ્યાં હોય છે. આ `વિઝા લોટરી' અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે બંધ કરવાનું વિચારી રહ્યા છે. અમેરિકાની મિલિટરીમાં જોડાઓ તો પણ તમને ઈમિગ્રન્ટ વિઝા મળી શકે છે.

જો તમારે અમેરિકામાં કાયમ રહેવું ન હોય, પણ ત્યાં બિઝનેસના કામ માટે જવું હોય, ફરવા જવું હોય, ભણવા જવું હોય, થોડા વર્ષો નોકરી કરવા જવું હોય, તમારા ધંધાની ત્યાં શાખા ખોલીને તમારા મેનેજર, એક્ઝિક્યૂટિવ કે ખાસ જાણકારીવાળી વ્યક્તિને ત્યાં કામ કરવા માટે મોકલવી હોય, તમે ધર્મગુરુ હોવ અને ધર્મના ફેલાવા માટે અમેરિકા જવા ઈચ્છતા હોવ, સાંસ્કૃતિક કાર્યક્રમો ભજવવા, નાટકો ભજવવા અમેરિકા જવા ઈચ્છતા હોવ, અખબારના રિપોર્ટર હોવ અને એ કારણસર અમેરિકા જવા ઈચ્છતા હોવ અથવા અમેરિકન સિટીઝનને છેલ્લા બે વર્ષમાં પર્સનલી મળ્યા હોવ અને એની સાથે અમેરિકામાં લગ્ન કરવા ઈચ્છતા હોવ તો એના માટે જે `નોન ઈમિગ્રન્ટ' ક્ષેણીના `કે' વિઝા ઘડવામાં આવ્યા છે. એ મેળવીને તમે અમેરિકામાં લગ્ન કરવા જઈ શકો.

આમ જુદાં જુદાં કારણોસર, જુઆ જુદા પ્રકારના `નોન ઈમિગ્રન્ટ વિઝા' ઘડવામાં આવ્યા છે, જેના ઉપર તમે અમેરિકામાં થોડો સમય સુધી કામ કરવા જઈ શકો. આ `નોન ઈમિગ્રન્ટ' શ્રેણીના જે વિઝાઓ ઘડવામાં આવ્યા છે એમાં વર્ષ 1990માં `એચ-1બી' વિઝા દાખલ કરવામાં આવ્યા.

અનેક અમેરિકન માલિકોને એમને ત્યાં કામ કરવા માટે અમુક ખાસ જાણકારીવાળા ભણેલાગણેલા કાર્યકરોની જરૂર હોય છે, જે અમેરિકામાં એમને પ્રાપ્ત નથી થતા. આ લોકો સ્પેશિયાલિટી ઓક્યુપેશન વર્કરોને, જેઓ ગ્રેજ્યુએટ હોય અથવા ગ્રેજ્યુએટ થતા જેટલો સમય લાગે એનાથી ત્રણ ગણો વ્યવસાયમાં અનુભવ હોય, એમને `એચ-1બી' વિઝા ઉપર અમેરિકામાં બોલાવી શકે છે. `એચ-1બી' વિઝા ઉપર શરૂઆતમાં તમને અમેરિકામાં ત્રણ વર્ષ રહેવાની પરવાનગી આપવામાં આવે છે. પછી જરૂર જણાય તો અરજી કરીને બીજાં ત્રણ વર્ષ લંબાવી શકાય છે.

`એચ-1બી' વિઝા માટે અમેરિકામાં પિટિશન દાખલ કરવાની રહે છે. એ એપ્રૂવ થાય પછી જેના લાભ માટે એ દાખલ કરવામાં આવ્યું હોય એણે પોતાના દેશમાં આવેલી અમેરિકન કોન્સ્યુલેટમાં જઈને લાયકાત દેખાડીને `એચ-1બી' વિઝા મેળવવાના રહે છે. `એચ-1બી' વિઝા વાર્ષિક કોટાની સંખ્યાથી મર્યાદિત છે. હાલમાં કુલે 85,000 `એચ-1બી' વિઝા એક વર્ષની અંદર આપવામાં આવે છે. આ 85,000માંથી લગભગ 65થી 70,000 જેટલા `એચ-1બી' વિઝા ભારતીયો પ્રાપ્ત કરે છે. ભારતીય ભણેલાગણેલા, અનુભવી, કમ્પ્યૂટર સાયન્સના જાણકારોની અમેરિકાને ખૂબ જ જરૂર છે.

અમેરિકાના બીજી વાર પ્રેસિડેન્ટ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પને એવું લાગે છે કે આ `એચ-1બી' વિઝા ઉપર જે ભારતીયો અમેરિકામાં કામ કરવા આવે છે એ લોકો ખૂબ સસ્તા દરે કામ કરે છે. આથી અમેરિકન સિટીઝનોની નોકરી તેઓ છીનવી લે છે. આ અટકાવવા એમણે હાલમાં જ `એચ-1બી' વિઝાની જે ફી છે એ એક લાખ ડોલરની કરી નાખી છે! જો અમેરિકન માલિકને પરદેશથી કોઈ પણ વ્યક્તિને પોતાને ત્યાં `એચ-1બી' વિઝા ઉપર કામ કરવા બોલાવવો હોય તો એને એ માટે એક લાખ ડોલરની ફી આપવાની રહેશે.

આવી કોઈ પરિસ્થિતિનો લાભ શોધતા ચાઈનાએ આ `એચ-1બી' વિઝાની જે ફીમાં અધધ વધારો કરવામાં આવ્યો છે એની સામે પોતાના `કે' વિઝા શરૂ કર્યા છે. એટલે કે કોઈ પણ પરદેશીને ચાઈનામાં કામ કરવા જવું હોય તો એ લોકો `કે' વિઝા મેળવીને ચાઈના જઈ શકે છે. ચાઈનીઝ કંપનીઓએ એમને નોકરી આપી હોવી જોઈએ

એવી કોઈ જરૂરિયાત નથી. એટલે કોઈ પણ વ્યક્તિ ભણેલીગણેલી હોય અને એ ચાઈના જઈને જોબ શોધીને ત્યાં કામ કરવા ઇચ્છતી હોય તો એ `કે' વિઝા મેળવીને ચાઈના જઈ શકે છે. ત્યાં જોબ શોધે, જોબ મળે એટલે ત્યાં રહી કામ કરી શકે છે.

આ કારણસર ભણેલાગણેલા, અનુભવી, સ્પેશિયાલિટી વર્કરો, ગ્રેજ્યુએટો ચાઈનામાં કામ કરવા જશે. આથી ફાયદો ચાઈનાને થશે. આમ, અમેરિકાએ જે ભારતીય કમ્પ્યૂટર પ્રોફેશનલો માટે કઠણ પરિસ્થિતિ ઊભી કરી છે એનો લાભ લઈને ચાઈનાએ ભારતીય કમ્પ્યૂટર પ્રોફેશનલો અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ, ગ્રેજ્યુએટો માટે `કે' વિઝા દાખલ કરીને સવલત ઊભી કરી છે.

હવે જોવાનું છે કે `એચ-1બી' વિઝાની જે ફી વધારવામાં આવી છે એની કેવી અને કેટલી માઠી અસર ભારતીય કમ્પ્યૂટર પ્રોફેશનલો અને અન્ય ગ્રેજ્યુએટો ઉપર પડે છે. ચાઈનાએ જે `કે' વિઝા દાખલ કર્યા છે એનો લાભ કેટલા ભારતીયો લે અને એ કારણસર ચાઈનાને કેટલો ફાયદો થાય છે.