પુસ્તકનો ઉપયોગ કરનારને સાચી રીતે જ ટકોરવામાં આવે છે કે એક વૃક્ષની કતલથી બનેલા કાગળ પર છપાયેલું આ પુસ્તક છે. આજકાલ એઆઈનો ઉપયોગ વધ્યો છે ત્યારે ચેટબોટને સવાલ પૂછનારને કહેવાય છે કે તેના આ કૃત્યથી ઝરણું સુકાઈ જાય એટલું પાણી વપરાય છે! કૃત્રિમ બુદ્ધિમત્તા કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માનવ સભ્યતાની સૌથી મોટી અને સૌથી વધુ શક્તિશાળી તકનીકી ક્રાંતિઓમાંની એક છે. એઆઈનો વપરાશ ઘણા માનવીના રોજબરોજના જીવનનો એક હિસ્સો બની ગયો છે. વિશ્વની સૌથી ઝડપથી વિકસતી આ ટેક્નિકનો ઉપયોગ શિક્ષણ, સંચાર, સંરક્ષણ, આરોગ્ય, ખેતી અને વ્યાપાર-ઉદ્યોગમાં થાય છે. ફોટા, વીડિયો, એઆઈ સર્ચ, ચેટબોટ જેવી બાબતોથી માણસ હેવાયો થઈ રહ્યો છે. એઆઈ જનરેટેડ ફોટો કે સવાલ પૂછવાથી એક ઝરણું સુકાઈ જાય તેટલું પાણી વપરાય જાય છે એમ કહેવામાં કદાચ અતિશયોક્તિ હોઈ શકે છે, પરંતુ એઆઈના ઉપયોગથી જળ, જમીન અને પર્યાવરણ પર માઠી અસરો પડી રહી છે તે બાબત બેબુનિયાદ નથી જ.
એઝ સચ એઆઈને ખુદને કોઈ પાણીની જરૂરિયાત નથી, પરંતુ એઆઈનાં ડેટા સેન્ટરોને છે. ડેટા સેન્ટર એઆઈને શક્તિ પ્રદાન કરતું એક પાયાનું વૈશ્વિક માળખું છે. એઆઈ મોડલને ટ્રેનિંગ આપવા અને ઉપયોગકર્તાઓના સવાલોના જવાબ આપવા કમ્પ્યૂટિંગની તાકાત જરૂરી છે. ડેટા સેન્ટરોના સર્વર તેના કારણે ગરમ થાય છે. તેને ઠંડા રાખવા વિવિધ કૂલિંગ પ્રણાલી અપનાવવામાં આવે છે. તે માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે.
જેમ જેમ એઆઈનો ઉપયોગ વધશે, તે વધુ વિકસિત થશે તેમ તેમ ડેટા સેન્ટરોનું પ્રમાણ પણ વધારવું પડશે અને તે માટે વધુ પાણી અને વીજળીની જરૂર પડશે. જ્યારે માનવજાત અનિયમિત વરસાદ, જળવાયુ પરિવર્તન, અંધાધૂંધ શહેરીકરણ અને વસ્તી વૃદ્ધિની સમસ્યાઓથી પીડિત છે અને પાણી તથા વીજળી જરૂરિયાત કરતાં ઓછાં ઉપલબ્ધ છે ત્યારે એઆઈને કારણે પાણી અને વીજળીનો વપરાશ વધતાં તેની અછત અને સરવાળે સંકટ વધવાનું છે. એટલે એઆઈના વિકાસ સાથે જ પર્યાવરણ પર પડનારી તેની અસરોથી સચિંત થવાની અને તેના ઉપાયો શોધવાની જરૂર છે.
જાપાનના ટોકિયોસ્થિત યુનાઈટેડ નેશન્સ યુનિવર્સિટીના અભ્યાસ પ્રમાણે કૃત્રિમ બુદ્ધિમત્તાથી સંબંધિત પાણીનો જે વપરાશ થવાનો છે તે આ દાયકાના (ઈ.સ. 2030) અંત સુધીમાં 1.3 અબજ લોકોની ઘરેલુ જરૂરિયાત જેટલો હશે. એઆઈ 2030 સુધીમાં 9.3 લાખ કરોડ લિટર પાણી પી જશે તેવો અંદાજ છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના જણાવ્યા પ્રમાણે 2030 સુધીમાં ડેટા સેન્ટરો લગભગ વાર્ષિક 945 ટેરાવોટ અવર વીજળીનો વપરાશ કરી શકે છે, જે જાપાનની વાર્ષિક વીજળી વપરાશ બરાબર હશે. ભારતનાં ડેટા સેન્ટરોમાં 2025માં 150 બિલિયન લિટર પાણી વપરાયું હતું. એકલા અમેરિકાનાં ડેટા સેન્ટરોમાં 2023માં 66 અબજ લિટર પાણી વપરાયું હતુ. દુનિયાનાં ડેટા સેન્ટરોમાં 2025 સુધીમાં 44,800 કરોડ યુનિટ વીજળી વપરાઈ હતી. આ વીજળી વપરાશ વિશ્વના દેશોમાં અગિયારમા ક્રમે આવે તેટલી મોટી છે. એક એઆઈ જનરેટેડ ફોટો બનાવવામાં સાધારણ ફોટા કરતાં એક હજાર ગણી વધુ વીજળી વપરાય છે. એક વીડિયો બનાવવામાં એઆઈ 4.1 લિટર પાણી વાપરે છે અને ઘરનો એલઈડી બલ્બ 42 કલાક ચાલે તેટલી વીજળી વાપરે છે. એઆઈનાં મોટાં ભાષા મોડલોની તાલીમમાં કોઈ મોટી કાર તેના સમગ્ર જીવનકાળ દરમિયાન ઉત્સર્જિત કરે છે તેટલો કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જિત કરે છે. દરરોજ ચેટજીપીએસ 250 કરોડ સવાલોના જવાબો આપે છે એટલે તે કેટલું પાણી અને વીજળી વાપરતું હશે તેની કલ્પના કરી શકાય છે.
જોકે, કેટલાક નિષ્ણાતો એઆઈને કારણે પર્યાવરણને હાનિને બદલે લાભ થશે તેવા મતના પણ છે. દુનિયાના એક અબજ લોકો જેનો ઉપયોગ કરે છે તે એક આઈફોન બનાવવા માટે એઆઈ કરતાં વધુ વીજળી વપરાય છે. જ્યારે એઆઈ તેના કરતાં વધુ લોકોના વપરાશમાં છે. એટલે એઆઈ વધુ લોકો સુધી પહોંચે છે અને વધુ પ્રાસંગિક પણ છે. ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન કહે છે કે ચેટજીપીટીની પાસેથી પ્રશ્નનો ઉત્તર મેળવવામાં એક ચમચી પાણીના પંદરમા ભાગ જેટલું જ પાણી વપરાય છે. જોકે `મેકિંગ એઆઈ લેસ થસ્ટી'ના અભ્યાસમાં કહેવાયું છે કે જીપીટી-3 મોડલમાં એક જવાબ મેળવવા 2 થી 10 ચમચી પાણી વપરાય છે. વળી, સવાલ અને જવાબ કેટલા લાંબા ટૂંકા છે તેના પર પાણીના વપરાશનો આધાર છે. અન્ય ઉદ્યોગો જેટલું જ પાણી કૃત્રિમ બુદ્ધિમત્તા પણ વાપરે છે તેવી પણ દલીલ છે.
એઆઈને કારણે સર્જાતી અસમાનતા પણ વિચારણીય મુદ્દો છે. એઆઈનો વિસ્તાર, તેની અસર અને પહોંચે નવી અસમાનતા સર્જી છે. એક અંદાજ પ્રમાણે એઆઈ નિષ્ણાત કમ્પ્યૂટિંગ ક્ષમતાનો 90 ટકાથી વધુ હિસ્સો અમેરિકા અને ચીન એ બે દેશોમાં જ કેન્દ્રિત છે. વિશ્વના દોઢસો કરતાં વધુ દેશોમાં પર્યાપ્ત ઘરેલુ એઆઈનો અભાવ છે. જે દેશોને એઆઈનો સીધો કશો લાભ નથી તેના પર પર્યાવરણીય અસરો થાય છે. ડેટા સેન્ટરો ઘણા દુર્લભ જળ સંસાધનોનો ઉપભોગ કરે છે. ઠંડા પ્રદેશો કરતાં ગરમ પ્રદેશોનાં ડેટા સેન્ટરોમાં પાણીનો ઉપયોગ વધુ થાય છે. વિશ્વના 45 ટકા ડેટા સેન્ટરો જ્યાં પાણીની ઉપલબ્ધતાનું જોખમ વધુ છે તેવા નદીના ખીણ પ્રદેશોમાં આવેલા છે, જ્યારે દુકાળની શક્યતા ધરાવતા વિસ્તારોમાં 47 ટકા ડેટા સેન્ટરો આવેલાં છે. એઆઈનો લાભ વૈશ્વિક છે, પરંતુ તેની પર્યાવરણી અસરો વિશિષ્ટ ક્ષેત્રોમાં જ થતી જોવા મળે છે. એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો કચરો પણ અસમાનતા જન્માવે છે. 2030 સુધીમાં એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર 25 લાખ ટન કચરો ઉત્પન્ન કરશે તેનો મોટો બોજ આર્થિક રીતે નબળા દેશો પર પડશે.
જળ, જમીન અને પર્યાવરણ પર થનારી એઆઈની પ્રતિકૂળ અસરો માટે અત્યારથી જ સાવચેત થવાની જરૂર છે.. એઆઈના વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણનું સંતુલન જરૂરી છે. ઓછી વીજળી અને ઓછા પાણીની જરૂર પડે તેવાં ડેટા સેન્ટરો વિકસાવવવાં જોઈએ. વરસાદી પાણીનો સંઘરો, એક વાર વપરાયેલા પાણીનું શુદ્ધીકરણ કરી તેને ફરી ઉપયોગમાં લેવું અને અધિક કુશળ કૂલિંગ ટેક્નિક બાબતે વિચાર કરવો રહ્યો. ડેટા સેન્ટરોમાં વપરાતા પાણી અને ઊર્જા અંગે પારદર્શી સરકારી નીતિ ઘડાવી જોઈએ અને કંપનીઓને તેની વિગતો આપવાની ફરજ પાડવી જોઈએ. એઆઈનો વિવેકપૂર્વક અને સમજદારીભર્યો ઉપયોગ થાય અને બિનજરૂરી ઉપયોગ ન કરવા માટે લોકોએ પણ જાગ્રત થવાની જરૂર છે. કામની ગુણવત્તા અને દક્ષતામાં વૃદ્ધિની ખાતરી હોય, તો જ એઆઈનો ઉપયોગ કરવો જોઈએ. પૃથ્વી પરનાં મર્યાદિત સંસાધનોનો વિવેકસભર ઉપયોગ અને તેનું સંરક્ષણ થાય તથા માનવજીવન પણ વધુ ઉન્નત બને તો જ ડિજિટલ વિકાસ સાર્થક બન્યો કહેવાય.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો