મહાભારતના શાંતિપર્વમાં પિતામહ ભીષ્મે યુધિષ્ઠિરને રાજધર્મ અને લીડરશિપનાં જે સૂક્ષ્મ પાસાં સમજાવ્યાં છે, તેમાં એક અત્યંત મહત્ત્વનો ગુણ `અક્રોધ' એટલે કે ક્રોધનો અભાવ છે.
આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે લીડરે ક્યારેક તો કડક થવું પડે, પોતાનો રોષ વ્યક્ત કરવો પડે, પણ ભીષ્મ આ ધારણાને પડકારે છે. આ એ જ ભીષ્મ છે, જેમણે એક સમયે એમ પણ કહ્યું હતું કે લોકો હંમેશાં તમારી સારપને તમારી મૂર્ખામી માને છે. એટલે કંઈ દરેક કિસ્સામાં સારા રહેવું નહીં. જોકે, સારા ન રહેવું એનો અર્થ એ નથી થતો કે તમે દરેક કિસ્સામાં ક્રોધ કરો કે દરેક કિસ્સામાં દૃષ્ટતા આચરો. ભીષ્મ અનુસાર, અક્રોધ એ માત્ર એક નૈતિક ગુણ નથી, પરંતુ તે એક આવશ્યક લીડરશિપ સ્કિલ છે, જે આધુનિક મેનેજમેન્ટ સ્કિલ માટે પણ પાયાની છે.
ભીષ્મ સમજાવે છે કે ક્રોધ એ એક એવી આંતરિક આગ છે, જે લીડરની વિચારવાની ક્ષમતા અને નિર્ણયશક્તિને બાળી નાખે છે. જ્યારે કોઈ લીડર ક્રોધિત થાય છે, ત્યારે તેની બુદ્ધિ, કૌશલ્ય અને સામર્થ્ય જેને આપણે સફળતા માટે પૂરતા માન્યા છે, તે ક્ષણભર માટે નિષ્ક્રિય થઈ જાય છે. ક્રોધના આવેગમાં લેવાયેલા નિર્ણયો મોટાભાગે તર્કહીન, પશ્ચાત્તાપપૂર્ણ અને વિનાશક હોય છે. ભીષ્મ તો એમ પણ કહે છે કે ક્રોધ એટલે કે તમારી આંતરિક આગ તમારા ચહેરાના પ્રભાવ કે તમારી પર્સનાલિટીના અપિરિયન્સ પર પણ પ્રભાવ પાડતી હોય છે.
આજના સંદર્ભમાં જો આ વાતને જોઈએ તો જો કોઈ સીઈઓ કે મેનેજર પોતાની ટીમના સભ્યોની ભૂલો પર તરત જ આવેશમાં આવીને પ્રતિક્રિયા આપે, તો તે માત્ર સંબંધો બગાડતો નથી, પણ તે તેની વિશ્વસનીયતાને પણ નુકસાન પહોંચાડે છે. ટીમના સભ્યો સતત ડરના માહોલમાં કામ કરશે, જેનાથી તેમની ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવિટી ઘટી જશે. વળી, ક્રોધ ધરાવનાર માણસ પ્રત્યે કોઈને આદર પણ નથી હોતો. લોકો તેને અત્યંત લાઈટલી લેતા હોય છે. કેટલાક કિસ્સામાં તો અત્યંત તુચ્છપણે જોતા હોય છે.
જોકે, લીડરશિપના સંદર્ભે આપણે ક્રોધ ન કરવો જોઈએ એવું વિધાન કરીને જય શ્રી કૃષ્ણ ન કરી શકીએ. આપણે એ પણ જોવું જોઈએ કે એવાં તે શું કારણો છે કે ભીષ્મ ભારપૂર્વક અક્રોધને મહત્ત્વ આપે છે. આ માટે ભીષ્મ લીડરને બે મહત્ત્વના લાભ સમજાવે છે. પ્રથમ, સ્થિરતા અને સંતુલન. ભીષ્મ શીરાની જેમ ગળે ઊતરી જાય એવો તર્ક આપે છે કે ક્રોધના અભાવથી લીડર ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ પોતાનું માનસિક સંતુલન જાળવી રાખે છે. યુદ્ધ જેવી કે સંસ્થાકીય કટોકટી (ઓર્ગેનાઈઝેશનલ ક્રાઈસિસ યુ સી?) જેવી પરિસ્થિતિમાં જ્યારે સૌ કોઈ ગભરાઈ જાય છે, ત્યારે લીડરની શાંતિ અને અડગતા જ સમૂહને સાચી દિશા તરફ દોરી જાય છે. એક શાંત મન જ સમસ્યાના મૂળ સુધી પહોંચી શકે છે અને લાંબા ગાળાના હિતમાં હોય તેવો નિર્ણય લઈ શકે છે. આ આધુનિક સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ક્રાઈસિસ મેનેજમેન્ટની પાયાની વાત છે.
તો બીજો લાભ છે દૂરંદેશી એટલે કે વિઝન. ક્રોધ માનસિક રીતે ટનલ વિઝન પેદા કરે છે, જે માત્ર વર્તમાન તકલીફ પર જ ધ્યાન કેન્દ્રિત કરાવે છે, પરંતુ જ્યારે લીડર ક્રોધથી મુક્ત હોય છે, ત્યારે તે ભવિષ્યની યોજનાઓ, લાંબા ગાળાનાં લક્ષ્યો અને નીતિગત સુધારાઓ પર શાંતિથી વિચાર કરી શકે છે. તે માત્ર પ્રતિક્રિયા આપવાને બદલે કે બબાલો કરીને સંબંધો બગાડવા કરતાં સકારાત્મક પ્રો-એક્શન લેવા સક્ષમ બને છે.
આજના ઝડપથી બદલાતા બિઝનેસ જગતમાં, જ્યાં દરેક લીડર પાસેથી સતત ઈનોવેશન અને સ્ટ્રેટેજિક થિંન્કિંગની અપેક્ષા રખાય છે, ત્યાં અક્રોધની શક્તિ જ તેને સ્પષ્ટ માર્ગ પર રાખે છે, કારણ કે હવે સોશિયલ મીડિયાને કારણે મોટાભાગનાં સંચાલનો પર ગ્લોબલ પ્રેક્ટિસનો પ્રભાવ આવ્યો છે અને ગ્લોબલ પ્રેક્ટિસ હંમેશાં પરિવર્તન પામતી રહેતી હોય છે. એવા સમયે લીડર માટે પણ સતત નવું વિચારતા રહેવું કે સતત નવું અપનાવતા રહેવું એ અત્યંત જરૂરી બની જાય છે. નહીંતર તમારી જે ડિગ્રી પર તમારા જે અનુભવ પર તમારું મેનેજમેન્ટ તમને થાળ ભરી સગ મોતીડે વધાવીને લઈ આવ્યું હોય, એ જ મેનેજમેન્ટ તમને એમ પણ કહી દેશે કે આવતી કાલથી સંસ્થાને તમારી સેવાઓની જરૂર નથી, પરંતુ ત્યારે તમને તાળો નહીં મળે કે આ પછડાટના મૂળમાં વિઝનનો અભાવ છે અને વિઝન તમારું કરપ્ટ થયું છે તમારા તામસી સ્વભાવને લીધે.
ઈનશોર્ટ, સફળ લીડર એ છે જે બહારના વિજયોની સાથે પોતાના આંતરિક આવેગો પર પણ વિજય મેળવે છે. અક્રોધ એ લીડરની સૌથી મોટી તાકાત છે, જે તેને ઉતાવળા, ભાવાત્મક અને અવિશ્વસનીય નિર્ણયો લેવાથી બચાવે છે. ક્રોધને કાબૂમાં રાખવો એ માત્ર સંયમ નથી, એ માત્ર અધ્યાત્મિક સલાહ નથી, પરંતુ તે એક એવી શક્તિશાળી મેનેજમેન્ટ સ્ટ્રેટેજી છે, જે લીડરશિપની પવિત્રતા, તેની સફળતા અને કાર્યક્ષમતાને અકબંધ રાખે છે.