આપણી આસપાસના વાતાવરણનું પ્રદૂષણ વધવાની સાથે શ્વસનતંત્રના રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. છેલ્લા દશકામાં એકલા દમ(asthma)ના દર્દીઓની સંખ્યા બમણી કે ત્રણ ગણી થઇ ગઈ હોય એવું જણાય છે.
આ દમ અથવા શ્વાસની આ બીમારી બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધીમાં કોઈ પણ ઉંમરે થઇ શકે છે. જેમાં ફેફસાંની ખરાબીથી થતા દમને નવાં સંશોધનો પ્રમાણે `ફેફસાંનો દમ' કહેવામાં આવે છે. આ પ્રકારના દમમાં દર્દીને એક નિશ્ચિત સમયે તકલીફ થાય છે અને તેની પુનરાવૃત્તિ એ સમયની આસપાસ જ થાય છે. તેને ઋતુજન્ય અથવા મોસમનો દમ કહેવામાં આવે છે. જ્યારે જે દર્દીને આખું વર્ષ તકલીફ ભોગવવી પડે ત્યારે તેને બારમાસી દમ કહેવામાં આવે છે. આ સિવાય આ રોગને હૃદયના રોગ સાથે પણ સંબંધ રહેલો છે.
દમના મુખ્ય ત્રણ કારણો ગણાવાય છે. (1) રજકણો (2)પરાગકણો (3) ખાદ્ય પદાર્થોની એલર્જી. રજકણોની અંદર ધૂળના કણો, કેમિકલ્સનાં દ્રવ્યો, વાળ, ઊન, ચામડાની રજ વગેરે અનેક દ્રવ્યોનો સમાવેશ થઇ જાય છે. 80 ટકા દર્દીઓને આ ત્રણ મુખ્ય કારણોથી જ દમની વિકૃતિ થતી હોય છે. આ સિવાય આયુર્વેદ મુજબ જે કારણોથી આ રોગ થાય છે તે વિશે આપણે અગાઉ જોઈ ગયા છીએ.
લક્ષણો
જ્યારે દમનો એટેક આવે છે, ત્યારે દર્દી સૂતો હોય તો ઊભો થઈને બેસી જાય છે. આગળ તકિયા પર કે ટેબલ પર માથું ટેકવીને બેસવાથી થોડી રાહત અનુભવે છે. છૂટથી બોલી પણ શકાતું નથી, શરીર ઠંડું પડી જાય છે, પરસેવો વધી જાય છે. શ્વાસ લેતી અને કાઢતી વખતે છાતીમાં ઝીણી ઘરઘરાટી સાથે સીટી વાગતી હોય એવો અવાજ આવે છે અને ઉધરસ આવે ત્યારે એમ લાગે છે કે કફ બહાર આવશે, પરંતુ કફ બહાર આવતો નથી. દર્દીને એવી અનુભૂતિ થાય છે કે એની છાતીમાં ઘણો જ કફ છે અને એ કફને બહાર કાઢવા માટે બળપૂર્વક ઉધરસ ખાવા છતાં કફના માત્ર નાના નાના ટુકડાઓ બહાર પડે છે, જે સફેદ અને ખૂબ ચીકણા હોય છે.
ઉપચાર
આયુર્વેદિક પદ્ધતિથી દમની ચિકિત્સા કરવાથી તે લાંબા ગાળે ખૂબ જ ફાયદાકારક-હિતાવહ બને છે. જેમાં સામાન્ય રીતે આ પ્રમાણે ઉપચાર ગોઠવી શકાય.
સૂંઠ, મરી અને પીપરનું સમભાગે બનાવેલું ચૂર્ણ (ત્રિકટુ ચૂર્ણ), અડધી ચમચી જેટલું અડધી ચમચી મધ સાથે મિશ્ર કરી સવારે, બપોરે અને રાત્રે લેવું.
કફકેતુ રસ અથવા શ્વાસકુઠાર રસ - એક-એક ગોળી સવારે, બપોરે અને રાત્રે જમ્યા પછી લેવી.
લવંગાદિવટીની બે-બે ગોળી સવારે, બપોરે અને રાત્રે મોઢામાં રાખીને ચૂસવી.
કનકાસવ અથવા વાસાસવ - ત્રણ-ત્રણ ચમચી સવારે અને રાત્રે પીવો.
ભારંગ્યાદિ કવાથ - અડધા કપ જેટલો સવાર-સાંજ લેવો.
લાંબા શ્વાસ લેવા અને મૂકવાની કસરત કરવી અથવા પ્રાણાયામ શીખવા.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો