એક ખાલી ઓરડો. સામે એક કેમેરો ગોઠવેલો છે. કેમેરાની પાછળ એક કે બે અજાણ્યા ચહેરાઓ બેઠા છે, જેમના હાથમાં તમારો પોર્ટફોલિયો છે. તમે એક ચોક્કસ માર્ક પર જઈને ઊભા રહો છો. લાઇટ્સ તમારી આંખો આંજી રહી છે. તમને કહેવામાં આવે છે, `એક્શન' અને તમે તમારી અંદર રહેલી તમામ આવડત, તમારી કળા, તમારા અસ્તિત્વનો નિચોડ એ ત્રણ મિનિટમાં રેડી દો છો. એ ત્રણ મિનિટ પૂરી થાય એટલે પેલો અજાણ્યો ચહેરો ફાઈલ બંધ કરીને નિર્લેપ ભાવે કહે છે, `ઓકે, વી વિલ લેટ યુ નો.' એ ક્ષણે જે ભયંકર લાચારી અને નિર્વસ્ત્ર કરી દેતી નિઃસહાયતા અનુભવાય છે, તે ઓડિશનની પ્રક્રિયામાંથી પસાર થયેલો કોઈ અભિનેતા જ સમજી શકે. તમારી લાયકાત, તમારું મૂલ્ય, તમારી જિંદગીનાં વર્ષોની તપસ્યાનું જજમેન્ટ એ અજાણ્યો માણસ ગણતરીની મિનિટોમાં કરી નાખે છે. પરીક્ષાનું એવું જ છે, પણ હવે પરીક્ષાનો જમાનો ગયો. હવેની લાઈફ ઓડિશન બની ગઈ છે.

પણ જરા ધ્યાનથી જુઓ, શું આ નિર્દય ઓડિશન ફક્ત એક્ટર લોકો જ આપે છે? ના. આપણે બધા જ, આખી દુનિયા એક અંતહીન અને સનાતન ઓડિશન આપી રહી છે. વિશ્વ નામનો આ ગોળો એક જાયન્ટ વેઇટિંગ રૂમ બની ગયો છે અને આપણે સૌ પોતપોતાનો નંબર આવવાની રાહ જોતા, હાથમાં પ્રોફાઈલ પકડીને ઊભેલા લાચાર ઉમેદવારો છીએ. ફેર માત્ર એટલો છે કે અહીં કેમેરાનું સ્વરૂપ બદલાતું રહે છે અને કાસ્ટિંગ ડિરેક્ટરની ખુરશી પર બેઠેલા લોકો બદલાતા રહે છે.

મેરેજ બ્યૂરોમાં નોંધાવેલો બાયોડેટા હોય, અરેન્જ મેરેજ માટે છોકરી જોવા જવાની પ્રથા હોય કે ટિન્ડર પર રાઈટ સ્વાઈપની અપેક્ષાએ મૂકેલો ફોટો હોય, આખરે તો આ બધું એક પ્રકારનું કાસ્ટિંગ કોલ જ છેને? `હું સારો છું, હું કમાઉં છું, મારો દેખાવ સારો છે, પ્લીઝ મને પસંદ કરી લો.' આ પસંદગી પામવાની છૂપી ભીખ જ છે. ઇન્સ્ટાગ્રામ પર ફિલ્ટર લગાવીને મૂકેલી સ્ટોરી કે લિંક્ડ ઇન પર પોતાનાં વખાણ કરતી લાંબી પોસ્ટ, આ બધું જ એક અદૃશ્ય દર્શક સમક્ષ પોતાને સાબિત કરવા માટે અપાઈ રહેલું 24 કલાકનું ઓડિશન છે. આપણને કોઈએ પસંદ કરવા જ જોઈએ, આપણને કોઈએ `લાઇક' કરવા જ જોઈએ, નહીંતર આપણું હોવું વ્યર્થ છે આવો ભયંકર માનસિક રોગ એક આખી પેઢીને ભરખી ગયો છે.

ઓફિસની મીટિંગમાં બોસની સામે પ્રેઝન્ટેશન આપતી વખતે કે કોઈ પ્રોજેક્ટ માટે ક્લાયન્ટને મનાવતી વખતે માણસ જે રીતે પોતાની જાતને `વેચે' છે, તે એક અભિનેતાની લાચારી કરતાં જરાય કમ નથી હોતી. ગજબની વાત તો એ છે કે જંગલના કાયદાઓ ભલે માણસે પાછળ છોડી દીધા હોય, પણ ડાર્વિનનો સિદ્ધાંત અહીં નવું અને વિકૃત સ્વરૂપ ધારણ કરીને બેઠો છે. હવે `સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ' નથી રહ્યું, હવે `સર્વાઇવલ ઓફ ધ ચુઝન'(જે પસંદ પામે તે જ ટકે)નો ક્રૂર ખેલ ચાલી રહ્યો છે. આ ખેલમાં ટકી રહેવા માટે માણસે રોજ પોતાના અહંકારની, પોતાની ખુદ્દારીની હત્યા કરવી પડે છે. કોઈની નજરમાં ખરા ઊતરવા માટે આપણે આપણી જાતને એટલી હદે એડિટ કરી નાખીએ છીએ કે મૂળ દસ્તાવેજ ક્યાંક ખોવાઈ જાય છે.

ટ્રેજેડી એ નથી કે આપણે સતત પરીક્ષા આપીએ છીએ; ટ્રેજેડી એ છે કે આપણે આપણી લાયકાત નક્કી કરવાનો હક સાવ અજાણ્યા અને ક્યારેક આપણાથી પણ ઊતરતી કક્ષાના લોકોના હાથમાં સોંપી દીધો છે. આપણે આપણી ખુદની નજરમાં તો ક્યારના પાસ થઈ ગયા છીએ, પણ જ્યાં સુધી પેલી ખુરશી પર બેઠેલો અજાણ્યો માણસ આપણા માથા પર `સિલેક્ટેડ'નો સિક્કો ન મારે, ત્યાં સુધી આપણને આપણું અસ્તિત્વ અધૂરું જ લાગે છે. આ આજીવન ઓડિશન માણસને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે એક સમય એવો આવે છે જ્યારે તે પોતાની અસલી ઓળખ જ ભૂલી જાય છે અને માત્ર એવો જ દેખાવાનો પ્રયત્ન કરે છે જેવો પેલો કાસ્ટિંગ ડિરેક્ટર, એટલે કે આ સમાજ ઈચ્છે છે.

પોતાની જાતને રોજ નવાં મુખોટાં પહેરાવીને દુનિયાની સામે સતત પસંદગી પામવાની લાઈનમાં ઊભા રહેવાનો આ થાક હવે કાયમી બની ગયો છે. એક ભયંકર ઈગો-ડેથ વિના આ દુનિયાના તખ્તા પર ટકી રહેવું અશક્ય છે. સવાલ એ છે કે, જિંદગીના આ સનાતન ઓડિશનમાં કદાચ તમે દુનિયાની નજરમાં `સિલેક્ટ' થઈ પણ જશો, પણ એ પસંદગી પામવા માટે તમે તમારા અસલી `સ્વ'ને જે કાયમી રિજેક્શન આપ્યું છે, તેનો હિસાબ કયા તખ્તા પર ચૂકવશો?

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો