લીડરશિપના ક્ષેત્રમાં એવું માનવામાં આવે છે કે બુદ્ધિ, કૌશલ્ય અને સામર્થ્ય સફળતા માટે પૂરતા છે, પરંતુ મહાભારતના શાંતિપર્વમાં પિતામહ ભીષ્મે જે સૂક્ષ્મ નિયમો સમજાવ્યા છે.
તે આ ધારણાને પડકારે છે એવું આપણે અનેક વખત જુદા જુદા મુદ્દાઓ સાથે જોઈ ગયા છીએ. ભીષ્મ એવી અનેક બાબતો કે સ્કિલ્સ કે અભિગમ સંદર્ભે સમયાંતરે ઉપદેશો આપતા રહ્યા છે, જે બાબતો વિશે કોઈએ ક્યારેય વિચાર પણ નહીં કર્યો હોય કે આ પણ લીડરશિપ સ્કિલ હોઈ શકે! આ ઉપદેશોમાં એક અત્યંત મહત્ત્વની વાત ભીષ્મે એ પણ કરી છે કે લીડરે બે પ્રકારની મુશ્કેલીઓથી હંમેશાં દૂર રહેવું જોઈએ : લપ અને લપસણી બાબતો. આ બંને નેતૃત્વની કાર્યક્ષમતા અને પ્રતિષ્ઠાને અંદરથી પોલાણ કરી નાખે છે.
જોકે, અહીં આપણે આ લપ અને લપસણી બાબતો એટલે શું એ વિશે જાણવું પણ જરૂરી થઈ જાય છે. `લપ'નો અર્થ લીડરશિપના સંદર્ભમાં થાય છે બિનજરૂરી ચર્ચાઓ, નકામી વાતો, ગપસપ, જૂથબંધી અને સત્યથી દૂર લઈ જતી અફવાઓ. શાંતિપર્વમાં ભીષ્મ સ્પષ્ટપણે સમજાવે છે કે લીડરનો સમય સમૂહના કલ્યાણ માટે હોય છે. જો લીડર પોતાનો કીમતી સમય દરબારમાં કે સંસ્થામાં ચાલતી નિરર્થક વાતો સાંભળવામાં વેડફે, તો તેનું ધ્યાન મુખ્ય કર્તવ્ય પરથી હટી જાય છે. આજના લીડર માટે આ `લપ' એટલે પોતાની ટીમના સભ્યોની વ્યક્તિગત ફરિયાદોમાં વધુ પડતો સમય આપવો, ઓફિસની પોલિટિક્સમાં સામેલ થવું કે પછી પોતાનાં વખાણ સાંભળીને ખુશ થવું.
ભીષ્મ કહે છે કે જે લીડર આવી વાતોમાં ફસાય છે, તે ધીમે ધીમે નિર્ણયશક્તિ ગુમાવી દે છે, કારણ કે તેના નિર્ણયો તર્કને બદલે ભાવનાઓ અને અન્ય લોકોના વ્યક્તિગત દબાણ પર આધારિત બની જાય છે. સત્ય અને તથ્યોને જાણવા માટે લીડરે મૌન અને ધ્યાનનો આશરો લેવો જોઈએ, ન કે વાદવિવાદનો. લપમાં ફસાવું એ સમયનો વ્યય જ નથી, તે સત્તાની પ્રતિષ્ઠા અને ગંભીરતાને પણ નુકસાન પહોંચાડે છે. એક કાર્યક્ષમ લીડરશિપ માટે લપ એક બ્રેક સમાન છે, જે ગતિને અવરોધે છે.
બીજી બાબત છે `લપસણી', જે લીડરશિપ માટે સૌથી મોટો ખતરો છે. આ `લપસણી' શબ્દ બે મુખ્ય પાસાંઓ પર ભાર મૂકે છે. પહેલું પાસું છે ચારિત્ર્યની લપસણી. આનો અર્થ છે એવા માર્ગો કે નિર્ણયો, જે લીડરને નૈતિક પતન તરફ દોરી જાય છે. ભીષ્મની રાજનીતિ મુજબ લીડરે ભ્રષ્ટાચાર, લોભ, વિષય-વાસના અને સત્તાના દુરુપયોગથી સંપૂર્ણપણે દૂર રહેવું આવશ્યક છે. લીડરનું આચરણ પ્રજા અને તેના અનુયાયીઓ માટે માર્ગદર્શક હોય છે. જો લીડર પોતે `લપસણી' માર્ગે ચાલે, તો તે સમગ્ર સંગઠનનાં નૈતિક ધોરણોને નીચે લઈ જાય છે. આજના સંદર્ભમાં આ લપસણીનો અર્થ ટૂંકા ગાળાના આર્થિક ફાયદા માટે અનૈતિક સોદા કરવા, નિયમોનું ઉલ્લંઘન કરવું કે પછી સત્તાનો ઉપયોગ અંગત સ્વાર્થ માટે કરવો થાય છે.
ભીષ્મ ભારપૂર્વક કહે છે કે લીડરની પ્રતિષ્ઠા તેના ચારિત્ર્ય પર ટકેલી છે. જો ચારિત્ર્ય લપસે, તો ગમે તેટલો બુદ્ધિશાળી લીડર પણ લાંબું ટકી શકતો નથી. લીડરશિપની પવિત્રતા જ તેનું સૌથી મોટું બળ છે. `લપસણી'નું બીજું પાસું છે નિર્ણયોની અસ્થિરતા. જે લીડર આજે એક નિયમ બનાવે અને કાલે તેને બદલી નાખે, તે પોતાની સ્થિરતા ગુમાવે છે. શાંતિપર્વ શીખવે છે કે લીડરે તેનાં વચનો અને નિર્ણયો પ્રત્યે અડગ રહેવું જોઈએ. સતત બદલાતા અને અસ્પષ્ટ નિર્ણયો લીડરશિપની વિશ્વસનીયતા ઘટાડે છે. આના કારણે લોકોમાં મૂંઝવણ અને અવિશ્વાસ પેદા થાય છે. લીડરની વાણીમાં, નીતિમાં અને વ્યવહારમાં અચૂકતા અને સુસંગતતા હોવી જોઈએ, જે `લપસણી' પરિસ્થિતિને ટાળે છે.
ભીષ્મ યુધિષ્ઠિરને સલાહ આપે છે કે સત્તા એક અરીસો છે, જે લીડરના આંતરિક સ્વરૂપને પ્રગટ કરે છે. જો લીડરનું આંતરિક મન લપ અને લપસણી વાતોથી ભરેલું હશે, તો તે સત્તામાં પણ તે જ અંધાધૂંધી અને અરાજકતા ફેલાવશે. સફળ લીડરે પોતાની આસપાસ સત્ય અને ધર્મની મજબૂત વાડ બાંધવી જોઈએ, જેથી અફવાઓ અને અનૈતિકતાની `લપસણી' જમીન પર પગ મૂકવાનો અવકાશ જ ન રહે. લીડરશિપ એ નિરંતર જાગૃતિનો વિષય છે. લપ અને લપસણી બંને બાબતો અજાણતાં જ લીડરને પોતાના માર્ગ પરથી ભ્રષ્ટ કરી શકે છે. આજના લીડરોએ પણ જ્ઞાન, બુદ્ધિ અને કૌશલ્યની સાથે સાથે આત્મ-નિયંત્રણની શક્તિ અને સત્ય પ્રત્યેની અટલ નિષ્ઠા દ્વારા લપ અને લપસણી બાબતોથી પોતાનું સંરક્ષણ કરવું જોઈએ.
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો