અશોક ઓર્ગેનાઇઝર' ગરબાના કાર્યક્રમના આયોજનના કામનો રીઢો ખેલાડી હતો. મોટાં મોટાં ગ્રાઉન્ડ ભાડે લઈ, સારા સારા ગાયકો અને ઓર્કેસ્ટ્રા બોલાવી એ ગરબાનું ભવ્ય આયોજન કરતો. એની સાથે સાથે એ મોટી કંપનીઓની સ્પોન્સરશિપ પણ લઈ આવતો અને એમની મદદથી એ ઢગલાબંધ ઇનામો પણ આપતો. મોંઘાંદાટ ઇનામો મળવાની લાલચે અશોકના ગરબામાં ખેલૈયાઓનું `કીડિયારું' ઊભરાતું. જેને લીધે અશોક મબલખ રૂપિયા રળી લેતો. નવ રાતમાં આખા વર્ષની કમાણી કરી લેતો.

પરંતુ એની સાથે એ `અવળચંડાઈ' પણ કરતો હતો.

નવરાત્રિ દરમિયાન અશોક જે મોટાં મોટાં ઇનામો જાહેર કરી પબ્લિકને આકર્ષિત કરતો હતો, એમાં એ જોરદાર `ઘપલો' પણ કરતો હતો. એ જે `મોટાંમસ' ઇનામો આપતો એમાં એ જબરજસ્ત `મિલીભગત' કરતો. એ પોતાના ઓળખીતાઓને જ નિર્ણાયક-જજ તરીકે બોલાવતો અને એવા ફૂટેલા જજ દ્વારા એ પોતાના સાગરિતોને જ ઇનામો અપાવી દેતો. પછી એ સાગરિતોને થોડા ઘણા `રોકડા પકડાવી' એમનાં મોઢાં બંધ કરી દેતો અને ઇનામની વસ્તુઓ બારોબાર વેચી દઈ એમાંથી પણ કમાણી કરી લેતો. અબુધ ખેલૈયાઓ અશોકના આવા ષડ્યંત્રથી અજાણ રહેતા અને ઇનામની લાલચે એના ગરબામાં ઊમટી પડતા. આ રીતે અશોકના ગોટાળાનું ગેબી ગાડું ગબડ્યા કરતું હતું.

આ વર્ષે પણ અશોકે કૌભાંડી ખેલ ખેલ્યો હતો. એણે એક છાપામાં આખું પાનું ભરીને જાહેરાત આપી હતી. જેમાં મોટા અક્ષરે લખ્યું હતું, `અશોક ઓર્ગેનાઇઝરનો નવરાત્રિ ધમાકો.' એની નીચે બે `લક્ઝુરિયસ' કારના ફોટા મૂક્યા હતા અને સાથે લખ્યું હતું, `આ નવરાત્રિએ શ્રેષ્ઠ પુરુષ અને મહિલા ખેલૈયાને એક-એક લક્ઝુરિયસ કાર ઇનામમાં મળશે.' આવી જાહેરાત જોઈ ખૈલેયા ગેલમાં આવી ગયા અને અશોકના ગરબાની ટિકિટો લેવા પડાપડી થવા માંડી. ટિકિટો વેચાવા માંડી, અશોક રૂપિયા ગણવા માંડ્યો. પછી `વો રાત આ ગઈ.' જે રાત્રે `બેસ્ટ મેલ' અને `બેસ્ટ ફિમેલ' ગરબા ડાન્સર્સને કાર ઇનામમાં મળવાની હતી.

રાબેતા મુજબ `અશોક ઓર્ગેનાઇઝરે' પોતાના ફોડેલા જજને બોલાવી લીધા. એણે એના ઇનામ જીતનારા સાગરીત `ખેલૈયા'ની ઓળખાણ પણ જજીસ સાથે કરાવી દીધી. દુબઈ- શારજાહમાં રમાતી પાકિસ્તાનની મેચની જેમ શરૂઆતથી જ બધું ફિક્સ થઈ ગયું. ત્યાં જ એક `ઘેનભરી ઘનઘોર ઘટના' ઘટી. અશોકે જેમને જજ તરીકે બોલાવ્યા હતા એ શોખીન પ્રાણીઓ હતાં. એ લોકો પોતાની સાથે કોઈ `ઘેનભર્યું પીણું' લેતા આવ્યા હતા. એમણે કોલ્ડ્રિંકમાં મિક્સ કરી ગુપચુપ રીતે પેલા ભેદી પીણાનું આચમન કર્યું. `ઘેનના ઘૂંટડા' પીધા પછી નિર્ણાયકો નિદ્રામાં સરી પડ્યા. એ લોકો `જિંદા લાશ' જેવા થઈ ગયા અને સ્વાગત કક્ષના સોફામાં ગરબા જજીસના ઢીમ ઢળી ગયા. બાજી સંભાળી લેવા અશોકે ફટાફટ બીજા જજીસની વ્યવસ્થા ગોઠવી નાખી, પણ ઉતાવળમાં ને ઉતાવળમાં આ નવા જજ સાથે `ઇનામોના સેટિંગ'વાળી વાત સરખી રીતે ન થઈ શકી.

પછી તો રાસ-ગરબાની રમઝટ ચાલી. ખેલૈયા અવનવી વેશભૂષા સાથે ચિત્રવિચિત્ર સ્ટેપ લઈ `કચ્ચી-કચ્ચી'ને નાચ્યા-કૂઘા અને છેલ્લે છેલ્લે એપોઇન્ટ થયેલા' જજીસે નિર્ણય જાહેર કર્યો. નિર્ણય જાહેર થતાં જ `અશોક એન્ડ કંપની'માં સન્નાટો વ્યાપી ગયો. અશોકિયાએ નક્કી કરેલા ફિક્સ કરેલા ખેલૈયાની જગ્યાએ બીજા જ કોઈક મેલ-ફિમેલ ડાન્સર્સને કારના ઇનામની જાહેરાત થઈ. લોકોએ એ જાહેરાત વધાવી લીધી, તાળીઓનો ગડગડાટ થયો અને પછી એકદમ સોલિડ રીતે નાચતાં-કૂદતાં એક પુરુષ અને એક મહિલા ઇનામ લેવા ધસી આવ્યાં. અશોકે કમને પણ એમની સાથે ખોટું ખોટું હસી હાથ મિલાવ્યા. જીતેલા બંને ખેલૈયા ઇનામ મેળવવા કૂદાકૂદ કરવા માંડ્યાં. અશોકની ખતરનાક ખોપડીમાં અવળચંડો વિચાર આવ્યો. એણે બંને વિજેતા ખેલીઓને `સ્વાગત કક્ષ'માં કારના કાગળિયાની ફોર્માલિટી પૂરી કરવા બોલાવ્યાં. વિજેતા સ્ત્રી-પુરુષ ખેલૈયા ઉત્સાહમાં ત્યાં ધસી ગયાં.

પેલા રૂમમાં અશોક અને એના સાગરીતોએ એમનું પોત પ્રકાશ્યું. બંને ખેલીઓને ઘેરી લઈ ગાડીની જગ્યાએ અમુક રૂપિયા આપી `તોડબાજી' કરવાનું શરૂ કર્યું. બંને ખેલીએ આનાકાની કરી તો અશોકની ગેંગે દાદાગીરી સાથે ધમકી આપવાની શરૂ કરી. ત્યાં જ પેલા મહિલા અને ભઈલા ખેલૈયાએ ઊભાં થઈ મોટેથી રાડ પાડી. એમના આવા વર્તનથી અશોક અને એના `ફોલ્ડરિયા' ચોંક્યા. પેલી મહિલા વિજેતા ડાન્સરે માથેથી ઓઢણી વગેરે હટાવ્યાં. પેલા પુરુષ વિજેતા ડાન્સરે માથેથી પાઘડી હટાવી. ત્યાં ઊભેલા બધા જ હવેનું દૃશ્ય જોઈ હબક ખાઈ ગયા. પેલી મહિલા ડાન્સર એક પુરુષ હતો અને પેલો પુરુષ ડાન્સર એક સ્ત્રી હતી. એ બંને જણા પોલીસ ડિપાર્ટમેન્ટના ઇન્સ્પેક્ટર હતાં. અશોક ઓર્ગેનાઇઝરના ઘપલાનો પર્દાફાશ કરવા, એને રંગે હાથ પકડવા આ બંને ઇન્સ્પેક્ટર `ખેલૈયા' બની ત્યાં આવ્યાં હતાં. `વેશપલટો' કરીને આવેલાં બંને ઇન્સ્પેક્ટરોએ `અશોક આણી કંપની'ની ધરપકડ કરી અને બધાયને જેલભેગા કર્યા.