આયુર્વેદ પ્રેમીઓએ `ચરક સંહિતા'ના `સૂત્રસ્થાન'નો 25મો અધ્યાય વાંચવો જોઈએ. આ અધ્યાયમાં મહર્ષિ આત્રેયે `સર્વશ્રેષ્ઠ'નો સંગ્રહ કર્યો છે. જેમાં મહર્ષિ આત્રેયે તમામ ભાજીઓમાં `જીવંતી'ને સર્વશ્રેષ્ઠ ભાજી કહી છે. આ જીવંતી એટલે ડોડી અથવા દોડી, જેને સૌરાષ્ટ્રમાં ખરખોડી પણ કહે છે.


ગામડાંઓમાં સર્વત્ર સુલભ એવી અને ખેતરોના શેઢે કે વાડે ઊગી નીકળતી આ જીવંતીની ભાજી (ડોડી કે દોડી)નાં ફળોને `ખરખોડા' કહે છે. તેનાં શ્વેત ફૂલોનું શાક પણ ખૂબ જ સ્વાદિષ્ટ થાય છે. ડોડીની ભાજી, ફૂલોનું શાક અને તેના લાંબાં મરચાં જેવાં લીલાં ફળો ખરખોડાનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ થાય છે. ડોડીના આ ફળને કે પાંદડાને તોડવાથી તેમાંથી તરત જ સફેદ દૂધ જેવું ક્ષીર નીકળે છે. દોડીનું આ શાક-ભાજી, ફૂલ કે ખરખોડા ફળને પાણી નાખ્યા વગર શુદ્ધ ઘીમાં જ શેકીને ખાવું જોઈએ.

આ ડોડી કડવી અને મીઠી એમ બે જાતની થાય છે. શાકમાં મીઠી ડોડીનો જ ઉપયોગ કરવો, કડવી ડોડીના મૂળનું ચૂર્ણ બનાવી વૈદ્યો બાળકોની વરાધ-સસણીમાં વાપરે છે, પણ શાકમાં તો મીઠી ડોડીનાં જ પાન, ફૂલ અને ફળો વાપરવાં. તેનાં તાજાં પર્ણો અને ફળો કાચેકાચાં ચાવીને ખાવાથી તે ખૂબ જ સારાં-સ્વાદિષ્ટ, મીઠાં લાગે છે.

જીવંતી-ડોડીને આયુર્વેદમાં શીતળ, `ચક્ષુષ્ય' એટલે કે આંખો માટે ખૂબ જ હિતકારી, બળપ્રદ, વૃષ્ય એટલે મૈથુનશક્તિ વધારનાર, વીર્યવર્ધક, રસાયન એટલે જીવનશક્તિ વધારનાર તથા વાયુ, પિત્ત અને કફ આ ત્રણે દોષોને શાંત કરનાર કહેવાય છે. રતાંધણામાં અને જેમની આંખોનું તેજ ઓછું હોય તેમણે ડોડીનાં પાન ઘીમાં શેકીને ખાવાં જોઈએ. તેનાં ફળ ખરખોડાના નાના ટુકડા કરી ઘીમાં શેકીને ખાવાં જોઈએ.

આ ડોડીનો એક મહાન ગુણ છે કોઠાનો રતવા મટાડવાનો. રતવા શબ્દમાં `રક્ત' અને `વા' અથવા `વાયુ' એ બે શબ્દો છે. રક્તનો અર્થ થાય લોહી અથવા આર્તવ (માસિક વખતે પ્રવૃત્ત થતું રક્ત.) આ આર્તવમાં `પિત્ત' દોષ રહેલો છે. એટલે કે જ્યારે પિત્ત દોષ અને વાયુ દોષવાળું આર્તવ ગર્ભાશયમાં રહેલું હોય છે ત્યારે તેને `રતવા' થયો છે એમ કહેવામાં આવે છે. આવી રતવાવાળી સ્ત્રીઓને બાળક થતું નથી અને થાય તો ટકતું નથી. એટલે કે કસુવાવડ થઈ જાય છે. આવી સ્ત્રીઓને માટે ડોડી વરદાન સમાન છે.

બાળક થતું ન હોય, ગર્ભ રહે તો ટકતો ન હોય, ત્રીજે, ચોથે, પાંચમે કે સાતમે મહિને `હેબિચ્યુઅલ અબોર્શન' થઈ જતું હોય એવા અનેક કેસોમાં અમને આ ડોડીએ યશ અને ધન અપાવ્યાં છે. મહર્ષિ સુશ્રુત એ આયુર્વેદના મહાન સર્જન હતા. તેમણે પોતાના મહાન ગ્રંથ `સુશ્રુત સંહિતા'માં જીવંતીને `સર્વદોષ હરા' અને `ચક્ષુષ્યા' કહી છે. ચક્ષુષ્યા એટલે આંખો માટે હિતકારી અને તેને `કાકોલ્યાદિ' ગ્રૂપની વનસ્પતિઓમાં મૂકી છે. આ કાકોલ્યાદિ ગ્રૂપની વનસ્પતિઓ વજન વધારનાર, કામશક્તિ વધારનાર, બાળક આપનાર, ધાવણ વધારનાર, કસુવાવડ ટાળનાર અને બળપ્રદ છે.


  • Follow us on: