એવી ઘણી ચીજો છે કે જેનો આપણે રોજિંદા આહારમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. જો થોડું વિશેષ ધ્યાન આપીને તેમના રોગોપચારિક ગુણો પણ જાણી લઇએ તો આપણાં સામાન્ય શારીરિક દુઃખ અને કષ્ટ મટાડવાં ઘણાં સહેલાં થઇ જાય. તો આજે આપણાં આ રોજિંદાં ઘરગથ્થું ઔષધો વિશે થોડું જાણીએ.

મેથી : તેમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે અને લગભગ દરેક ઘરમાં તેનો આયુર્વેદીય ઉપયોગ થાય છે. મેથી વાતશામક અને કફહર છે. પેટનો દુખાવો, પાની-એડીનો દુખાવો, વાયુના વિકારો, ડાયાબિટીસ, સાંધાના દુખાવા, મરડો, ગેસ વગેરે પેટસંબંધી વિકારોની અસરકારક દવા છે. સ્ત્રીઓને પ્રસૂતિ પછી આપવાથી ઘણી લાભદાયક રહે છે. મેથીના લાડુ બનાવીને રોજ ખાવાથી કમરનો દુખાવો મટે છે. અધકચરા ખાંડેલા મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળીને સવારે મુખશુદ્ધિ કર્યા પછી લેવાથી વાયુના વિકારો અને ડાયાબિટીસમાં લાભ થાય છે.

સૂંઠ : આ સૂંઠનું એક નામ છે, `વિશ્વભૈષજ'. સમગ્ર વિશ્વના બધા જ રોગોનું નિવારણ કરવાની ક્ષમતા તેનામાં હોવાથી તેને આયુર્વેદમાં આ નામ આપવામાં આવ્યું છે. અપચો, મંદાગ્નિ, ગેસ, આફરો, અરુચિ વગેરે પાચનતંત્રની વિકૃતિઓ તો તે દૂર કરે છે, પરંતુ એ સાથે તે દમ-શ્વાસ, ઉધરસ, શરદી, શિર:શૂળ, આળસ વગેરેને પણ મટાડે છે. સૂંઠ રોગાનુસાર દૂધ, પાણી, મધ, ઘી, તેલ, દિવેલ, વનસ્પતિઓના રસ વગેરે સાથે તે વિભિન્ન રીતે પ્રયોજાય છે. નાનાં બાળકોને તે ઘસીને દૂધ સાથે અપાય છે. વયસ્કોમાં પણ જેમને દૂધ પચતું ન હોય, તેમણે દૂધમાં ચપટી સૂંઠ નાખીને પીવું જોઈએ. તેનાથી દૂધ સરળતાથી પચે છે અને ગેસ થતો નથી. ગર્ભાશયને સંકોચાવનાર અને પાચક હોવાથી તે પ્રસૂતા સ્ત્રીઓ માટે હિતકારી છે. એટલે જ આપણે ત્યાં પ્રસૂતા સ્ત્રીઓને સૂંઠનો પાક આપવાની પરિપાટી હજારો વર્ષોથી ચાલી આવે છે.

અજમો : પેટનો ગેસ, ગડગડાટ, ઊલટી જેવી વિકૃતિઓમાં રામબાણ છે. દુખાવો, ઓડકાર, આફરો વગેરેમાં તે અકસીર છે. થોડો અજમો ચાવીને કે ચૂર્ણ બનાવીને લેવામાં આવે અને ઉપર થોડું ગરમ પાણી પીવામાં આવે તો જલદી આરામ થાય છે. ઘણી સ્ત્રીઓમાં પ્રસૂતિ પછી પેટ ફૂલી ગયેલું રહી જાય તો એ માટે પ્રસૂતિ પછીના સવાથી દોઢ મહિનો તેનો ઉચિત માત્રામાં ઉપયોગ કરાવવામાં આવે છે.

કપૂર : કોઈ પણ પ્રકારની પીડા કે દર્દ હોય, ઊલટીઓ થતી હોય, દાંતનો દુખાવો હોય તેમાં કપૂરનો ઉચિત માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો તે અસરકારક પરિણામ આપે છે અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત તો એ છે કે તેની આધુનિક દવાઓની જેમ કોઈ વિપરીત અસર થતી નથી.

હળદર : આયુર્વેદ હળદરને ગરમ, કફનાશક, સોજા ઉતારનાર, વાયુનાશક, ત્વચા રોગનાશક અને તેનો વર્ણ સુધારનાર માને છે. તે ઉધરસ, અવાજ બેસી જવો, દમ-શ્વાસ, કાકડા, મોઢાનાં ચાંદાં, ખીલ, ગૂમડાં, જખમ વગેરે મટાડવામાં અકસીર છે. (લીલી અને સૂકી હળદરના ગુણ સરખા છે.) એક ગ્લાસ ગરમ દૂધમાં હળદર નાખીને પીવાથી કફના રોગોમાં ફાયદો થાય છે. મચકોડ કે સોજા પર હળદરનો લેપ કરવાથી તે મટી જાય છે.