આશરે 2000થી પણ અધિક વર્ષો પહેલાં માનવજાતિના કલ્યાણ માટે આપણા ઋષિ-મુનિઓએ આયુર્વેદના ગ્રંથો-સંહિતાઓની રચના કરી હતી.
આ સંહિતાઓમાં દર્શાવાયેલા આહાર-ઔષધ, ચિકિત્સા તથા જીવનને નીરોગી રાખીને કઈ રીતે વ્યતીત કરી શકાય તે માટેના નિયમો-પદ્ધતિઓ આજે પણ એટલા જ સચોટ અને અકસીર છે.
આ નિયમો કે ચિકિત્સા પદ્ધતિઓને એમની કુશાગ્ર બુદ્ધિની એરણ પર ટીપીને એટલી શુદ્ધ અને દૃઢ કરવામાં આવી હતી કે આજના આધુનિક યુગમાં પણ એના માટે કોઈ પણ પ્રકારના પરીક્ષણની આવશ્યકતા કે હ્યુમન ટ્રાયલ્સની જરૂરિયાત જણાતી નથી.
કોઈ પણ મહામારીના સમયમાં કઈ રીતે વર્તવું અને કઈ રીતે તેનાથી બચવું તે માટેના નિર્દેશો પણ આયુર્વેદમાં દર્શાવાયા છે. અત્યારે વિદ્યમાન વિશ્વની કોઈ ચિકિત્સા પદ્ધતિ નીરોગી જીવન જીવવા અને દીર્ઘાયુષી બનવા માટે આ પ્રકારના નિર્દેશો સૂચવતી નથી. માત્ર રોગ કે વિકૃતિ થયા પછી એ રોગના નિવારણના ઉપાયોનું સૂચન માત્ર કરે છે.
તેનાથી તદ્દન વિપરીત આયુર્વેદની શરૂઆત જ નીરોગી કઈ રીતે રહી શકાય તે વિશેની ચર્ચાથી થાય છે. એટલે કે આયુર્વેદમાં મનુષ્ય શરીર રોગમુક્ત રહે તે માટેના આહારવિહારના ઉચિત નિયમો, દિવસ અને રાત્રિ સમયે જરૂરી આચરણ (દિનચર્યા) તથા બદલાતી ઋતુઓ અનુસાર જરૂરી આચરણ (ઋતુચર્યા) વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નિયમોના પાલનથી મનુષ્ય શરીર બાહ્ય આઘાતો (એક્સિડેન્ટલ ઇન્જરી) વગેરે તેમજ બાહ્ય કીટાણુઓના ચેપ અથવા આંતરિક અવયવોની વિકૃતિથી ઉદ્ભવતા રોગો સામે સુરક્ષિત રહે છે.
આ નિયમો કે આચરણોના અજ્ઞાનને કારણે ભૂલો ક્યાં થાય છે તે જોઈએ. આપણા ભારત દેશમાં ત્રણ ઋતુઓ છે. આ ત્રણેય ઋતુમાં તડકો-છાયો, હવા-પાણી, ગરમી-ઠંડી વગેરે બદલાય છે. ઋતુ પ્રમાણે ફળફળાદિ અને શાકભાજી પણ બદલાય છે. ઔષધ-વનસ્પતિઓ અને તેના ગુણો પણ બદલાય છે. એ ઋતુઓ પ્રમાણે કઈ રીતે આચરણ કરવું અને કેવો આહાર લેવો તેનો નિર્દેશ 2000 વર્ષ પહેલાં આયુર્વેદમાં કરવામાં આવ્યો છે.
અત્યારની પરિસ્થિતિઓમાં પણ આ નિયમો-સૂચનો એટલાં જ સત્ય છે. છતાં આપણી આસપાસની તથા આધુનિક વિશ્વની હાલની પરિસ્થિતિનું એક ઉદાહરણ જોઈએ. તરબૂચ અને કેરી એ ઉનાળુ ફળ છે. હવે તે શિયાળામાં પણ મળી રહે છે અથવા તેના ફ્રોઝન પલ્પ કે જ્યૂસ મળી રહે છે. કેરીના કેટલાક ચાહકો તો ઉનાળામાં બાર મહિના ચાલે તેટલો પલ્પ કે ટુકડા ઘરના ડીપ ફ્રીઝરમાં સંગ્રહી રાખી તેનો ઉપયોગ કરે છે. આયુર્વેદ પ્રમાણે આ યોગ્ય નથી. આવા અનેક નિયમો સાથે રોગોની ચિકિત્સા અને ઔષધોનું પણ આયુર્વેદમાં વિસ્તારથી વર્ણન કરાયું છે. આધુનિક યુગમાં પણ તે એટલા જ ઉપયોગી અને ફળદાયી છે. આયુર્વેદના આ નિયમોને યુગ પ્રમાણે પરિવર્તિત કરવાની પણ સલાહ અપાયેલી છે. એટલે કે આ જ નિયમોને આધુનિકતા સાથે પણ અપનાવી શકાય છે.
