આપણે ત્યાં પહેલાંના સમયમાં કેટલાક રોગો, જે સ્ત્રીઓમાં અધિક પ્રમાણમાં જોવા મળતા તે અત્યારે પુરુષોમાં પણ સમાન સંખ્યામાં જોવા મળે છે. ગરદન કે ડોકનો દુખાવો (સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ) આમાંથી એક ગણાવી શકાય છે.

લક્ષણો

લક્ષણોમાં જોઈએ તો છ મહિના કરતાં જૂનો ગરદનનો દુખાવો જેમાં પીડા ધીરે ધીરે વધતી જવી, ડોકને સહેજ પણ વાળતાં જ પીડાની અનુભૂતિ થવી. ઘણીવાર ગરદનથી એક તરફ ખભા સુધી દુખાવો થવો કે ચક્કર આવવાં, કોઈ કોઈ વખત એક બાજુનાં જડબાં, દાંત અને કાન સુધી દુખાવો થવો. આ પ્રકારના દુખાવાની શરૂઆત જમણા કે ડાબા હાથમાં ઝણઝણાટી સાથે થતી હોય છે એટલે કે શરૂઆતમાં ઝણઝાણાટી સાથે ધીમો દુખાવો થઇ આ દુખાવો પછી ગરદનમાં સ્થાન જમાવી લે છે.

કારણો

સામાન્ય કારણો જોઈએ તો સૂવાની ખામીયુક્ત સ્થિતિ-મુદ્રા, આવશ્યકતાથી વધારે ઊંચા તકિયા-ઓશીકાનો ઉપયોગ, દોરી-પાટીવાળા ખાટલામાં સૂવાથી, સ્ત્રીઓ જ્યારે લાંબા સમય સુધી બેસીને ભરતગૂંથણ, ચિત્રકારી, સીવણ, કપડાં-વાસણ ધોવા જેવી ક્રિયાઓ કરે, સૂતાં સૂતાં ટીવી, લેપટોપ કે મોબાઈલનો અધિક ઉપયોગ કરવાથી, લાંબા સમય સુધી સતત લેખન કે વાંચનથી, ચિંતા, તણાવ (સ્ટ્રેસ), ક્રોધ, અનિદ્રા, કબજિયાત વગેરે કારણોથી ખાસ કરીને મહિલાઓમાં આ રોગ વધારે પ્રમાણમાં થાય છે. પુરુષોમાં કમ્પ્યૂટર ઓપરેટર, લેખક, ચિત્રકાર વગેરે ગરદન ઝુકાવીને કે એક જ સ્થિતિમાં બેસીને કામ કરનારા વ્યક્તિઓમાં આ રોગ થઇ શકે છે.

આયુર્વેદ પ્રમાણે આ દુખાવાનું મૂળ કારણ વાયુ પ્રકોપથી થયેલ અસ્થી વિકૃતિ જ છે. અસ્થિ એ વાયુનું આશ્રયસ્થાન છે. ઉંમર વધવાની સાથે અસ્થિઓમાં પરિવર્તન આવવા લાગે છે અને આ પરિવર્તન સર્વાઇકલ સ્પાઇનમાં પણ થાય છે. પરિણામ સ્વરૂપ ગરદનમાં દુખાવો અથવા જડતા અનુભવાય છે. આ સિવાય ગરદનમાં આઘાત-ઘા વાગવાથી, કોઈ દુર્ઘટનામાં ડોકના મણકા ખસી જવાથી, ગરદનની માંસપેશીઓમાં ખેંચથી, જન્મજાત ખામીઓના કારણે, ગ્રીવાની અસ્થીઓમાં કોઈ પણ પ્રકારના ટ્યુમર કે ટીબીના ચેપથી ગરદનનો દુખાવો થઇ શકે છે.

ઉપચાર

આ વિકૃતિ વાયુના પ્રકોપના લીધે જ થતી હોવાથી વાયુની વૃદ્ધિ કરે તેવા તમામ આહાર-વિહારનો ત્યાગ કરવો તથા ઔષધોપચાર પણ વાયુની શુદ્ધિ અને શમન કરે એવો જ હોવો જોઈએ. એ માટે બે મહિના આ પ્રમાણે ઉપચાર કરવાથી દુખાવો ધીમે ધીમે શાંત થાય.

મહાયોગરાજ ગૂગળ : બે-બે ગોળીઓ સવારે, બપોરે અને રાત્રે ભૂકો કરીને લેવી.

મહારાસ્નાદિ કવાથ : નાના અડધા કપ જેટલો સવારે અને રાત્રે પીવો.

એરંડિયું-દિવેલ : ત્રણેક ચમચી રાત્રે એક ગ્લાસ જેટલા દૂધમાં નાખીને પીવું.

મહાનારાયણ તેલ : સમગ્ર શરીરે માલિશ કરી ગરમ પાણીએ સ્નાન કરવું.

કડવા, તીખા, તૂરા રસવાળા તથા રૂક્ષ, લઘુ અને સૂક્ષ્મ ગુણધર્મોવાળા આહાર લેવા નહીં. ઉપવાસ, ઉજાગરા અને એકટાણાં વાયુવર્ધક હોવાથી ત્યાજ્ય ગણાય.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો