આયુર્વેદમાં મનને સત્ત્વ, રજસ અને તમોમય કહ્યું છે. સત્ત્વને લીધે તેમાં પ્રકાશ (સમજનો ભાવ), પ્રસાદ (પ્રસન્નતાનો ભાવ), ધૃતિ (એકાગ્રતા), શાંતિ અને નિર્મળતાનો ભાવ રહે છે. રજોગુણને કારણે તેમાં ઉચિત પ્રવૃત્તિ (કર્મણ્યતાનો ભાવ) તથા તમોગુણને કારણે તેમાં ઉચિત બળપ્રવૃત્તિ કે સ્થિતિનો ભાવ રહે છે. આ ત્રણે ગુણોની સમ અવસ્થા રહેવાથી જ મન પણ સમ અવસ્થામાં રહે છે. કોઈ કોઈ વખત તીવ્ર માનસિક આઘાત લાગવાથી મનનો સત્ત્વગુણ અથવા બીજા શબ્દોમાં મગજનું બુદ્ધિસ્થાન નિર્બળ થઇ જાય છે, જેથી રજોગુણ તથા તમોગુણ અથવા બીજા શબ્દોમાં પ્રવૃત્તિ અથવા અપ્રવૃત્તિનાં લક્ષણો તીવ્રતર થઇ જાય છે. ચિંતા, ભય, શોક, અતિ કાર્યભારને લીધે તથા શરીરના આહાર અને આરામ ઓછા થઇ જવાને કારણે મગજને ઓછું પોષણ મળતાં તેની પ્રાણશક્તિ અથવા ધૃતિશક્તિ પણ ઓછી થઇ જાય છે. જેથી તેમાં વાયુ અથવા રજોગુણની વૃદ્ધિથી ચિંતાપ્રધાન તથા ચેષ્ટાપ્રધાન માનસ રોગો થાય છે.
તમોગુણની વૃદ્ધિથી સંભવત: વિષાદપ્રધાન (ડિપ્રેશન) અથવા નિદ્રાપ્રધાન માનસરોગ થાય છે. આ કારણને લીધે જ માનસિક રોગના ઉપચાર વખતે સાત્ત્વિક, રાજસિક અને તામસિક આહારનું વિશેષ ધ્યાન રાખવું પડે છે.
એવી રીતે બુદ્ધિ અથવા સત્ત્વગુણના હીન થવાથી પણ માનસિક રોગની ઉત્પત્તિ થતી માલૂમ પડે છે. મહર્ષિ ચરકે તો સ્પષ્ટ જ લખ્યું છે કે મસ્તિષ્કમાં વાયુ, પિત્ત અને કફ દોષમાંથી કોઈની પણ વૃદ્ધિ/પ્રકોપ થવાથી જ્યારે રજોગુણ અને તમોગુણ વધી જાય છે અને સત્ત્વગુણ ઘટી જાય છે, ત્યારે રોગી વિપરીતદર્શી થઇ જાય છે. મહર્ષિ ચરકે આવા રોગને અતત્ત્વાભિનિવેશ અથવા મિથ્યાભિનિવેશ કહ્યો છે. એ માટે મેધ્ય ઔષધીઓનું વિધાન કર્યું છે. યોગ-વશિષ્ટમાં પણ કહ્યું છે કે, બુદ્ધિની હીનતા જ શારીરિક, માનસિક રોગોનું કારણ છે.
મોહ, ચિંતા વગેરે દ્વારા મન અસ્વસ્થ થઇ જાય છે. મનની આવી અવસ્થાથી માનસિક અજીર્ણ ઉત્પન્ન થાય છે. ખાધેલા અન્નનું યોગ્ય પાચન થતું નથી અને તેનાથી વાયુ, પિત્ત અને કફનું સંતુલન બગડી જાય છે. આવી રીતે મન રૂગ્ણ થવાથી સંપૂર્ણ શરીર જ રૂગ્ણ બની જાય છે. પછી જ્યારે મન ચિંતાહીન, શાંત અને પ્રસન્ન થઇ જાય છે, ત્યારે શરીરમાં અન્નનું પણ યોગ્ય પાચન થવા લાગે છે અને રોગી ફરી સ્વસ્થ બની જાય છે.
અનેક માનસ રોગોનું આયુર્વેદમાં વર્ણન છે. આ બધાનું વિસ્તારભયથી અહીં નિરૂપણ શક્ય નથી, પરંતુ માનસ રોગોમાં ઉપયોગી ખૂબ જ સામાન્ય (કોમન) એવા ત્રણ ઉપચારોનું અહીં લેખન કરું છું.
જ્યોતિષ્મતિ બીજ, જટામાંસી, સર્પગંધા સરખા વજને લઇ ચૂર્ણ બનાવવું. અડધી ચમચી જેટલું આ ચૂર્ણ સવારે અને રાત્રે એક ચોખાભાર મકરધ્વજ સાથે લેવું.
બ્રાહ્મી 300 ગ્રામ + શંખપુષ્પી 200 ગ્રામ + સર્પગંધા 100 ગ્રામ. આ ત્રણેયનું ચૂર્ણ બનાવી બાટલી ભરી લેવી. અડધીથી એક ચમચી જેટલું આ ચૂર્ણ સવારે અને રાત્રે દૂધ સાથે લેવું.
બ્રાહ્મી ઘૃત એક ચમચી + સર્પગંધા ચૂર્ણ અડધી ચમચી + સિદ્ધમકરધ્વજ એક ચોખાભાર સવારે ને રાત્રે મિશ્ર કરી લેવાથી માનસ રોગો શાંત થાય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો