અમે વૈદ્યો જેને `અર્શ' કહીએ છીએ, તેને સામાન્ય ભાષામાં લોકો `મસા' અથવા `હરસ' કહે છે. આ અર્શ અથવા મસાના આયુર્વેદમાં છ પ્રકાર દર્શાવ્યા છે. વાયુથી થતા, કફથી થતા, ત્રણે દોષથી થતા, રક્તાર્શ અને સહજાર્શ (એટલે કે વારસાગત થતા અર્શ).
વ્યવહારિક દૃષ્ટિએ મસાના બે પ્રકાર પાડવામાં આવ્યા છે. (1) શુષ્ક અને (2) સ્રાવી. એટલે કે સૂકા હરસ અને દૂઝતા હરસ. આ ઉપરાંત મસા બાહ્ય છે કે આંતરિક એ જાણવું પણ ઉપચાર માટે એટલું જ મહત્ત્વનું છે.
શુષ્ક એટલે કે સૂકા અર્શ ખાસ કરીને ગુદાની બાહ્ય વલી(રિંગ)માં હોય છે. આ પ્રકારના અર્શ મસા બહારથી દેખાય એવા હોય છે અને તેમાં વેદના અધિક હોય છે.
દૂઝતા અથવા સ્રાવી મસા (બ્લીડિંગ પાઈલ્સ) ગુદાની અંદરના ભાગમાં હોય છે અને તે બહારથી દેખાતા નથી. તેમાં વેદનાનું પ્રમાણ બાહ્ય મસા કરતાં ઓછું હોય છે. રક્તસ્રાવ થવો એ જ એનું મુખ્ય લક્ષણ છે. સૂકા મસામાં વાયુ અને કફ દોષની પ્રબળતા હોય છે અને સ્રાવી અર્શમાં રક્ત અને પિત્ત દોષની પ્રબળતા હોય છે.
રક્તાર્શ અથવા રક્તસ્રાવી અર્શમાં મળપ્રવૃત્તિ પછી લાલ રંગનું લોહી ટીંપે ટીંપે અને કોઈ વાર ધારની જેમ સ્રવે છે, જે ધીમે ધીમે લોહીની ઊણપને ઉત્પન્ન કરે છે. રક્તાર્શથી પીડાતા રોગીમાં રક્તસ્રાવને લીધે લોહીની ઊણપ અથવા એનીમિયા થવો સ્વાભાવિક છે. જ્યારે આવી તીવ્ર રક્તાલ્પતા ઉત્પન્ન થાય ત્યારે તદ્જન્ય અનેક લક્ષણો ઉત્પન્ન થાય છે. રક્તાલ્પ્તાનો ઉપચાર રક્તાર્શને મટાડ્યા પછી જ સંભવ છે. જ્યારે લોહી પડતું બંધ થઈ જાય પછી જ રક્તવર્ધક દવાઓ દ્વારા તેની પૂર્તિ વધારી શકાય છે.
રક્તાર્શને મટાડવામાં રક્ત અને પિત્તશામક ઉપચાર તથા એ માટેની પરેજી જરૂરી બને છે. રક્તાર્શના ઉપચારમાં જઠરાગ્નિ પ્રદીપ્ત થાય અને અર્શ પણ મટે એવો ઉપચાર આ પ્રમાણે ગોઠવી શકાય.
રોજ રાત્રે લીંબોળીનાં બીજમાંથી કાઢેલું એક મીંજ જમ્યા પછી આખેઆખું ગોળીની જેમ ગળી જવું.
સવારે અને રાત્રે એક ચમચી સાકર અને એક ચમચી શતાવરી ચૂર્ણ દૂધમાં મેળવીને પી જવું.
અસલી નાગકેસર એક ગ્રામ જેટલું એક ચમચી જેટલા માખણમાં રોજ રાત્રે લેવું.
એક ચમચી જેટલું મૃદુ વિરેચન ચૂર્ણ અથવા ત્રણથી ચાર ચમચી જેટલું દિવેલ રાત્રે સૂતી વખતે લેવું.
સવારે નરણા કોઠે એક મુઠ્ઠી જેટલા કાળા તલ તેમાં થોડી સાકર નાંખીને પ્રતિદિન ખૂબ ચાવીને ખાવામાં આવે તો થોડા દિવસમાં જ ગમે તેવા ઉગ્ર રક્તસ્રાવી મસા પણ શાંત થાય છે.
સૂરણનું એક નામ `અર્શોઘ્ન' છે. અર્શ એટલે મસા અને અર્શોઘ્ન એટલે મસા મટાડનાર. આ મસાવાળા માટે સૂરણનું શાક હિતકારી છે.
પિત્ત પ્રકોપક ઉષ્ણ, તીક્ષ્ણ અને સૂક્ષ્મ ગુણધર્મોવાળાં આહારદ્રવ્યોનો ઉપયોગ કરવો નહીં.
ગુસ્સો પિત્ત પ્રકોપક છે એટલે ગુસ્સાથી બચવું અને આનંદમાં રહેવું. સાઇકલ, સ્કૂટર વગેરેની સવારીથી બચવું.
ગાયના ઘીમાં બનાવેલો અર્શોઘ્ન મલમ, મળપ્રવૃત્તિ પછી આંગળી વડે મળમાર્ગમાં અંદર બહાર લગાવવો.