વૈદ્યો જેને ‘મધુમેહ’ કહે છે તેને મેડિકલ સાયન્સ ‘ડાયાબિટીસ મેલાયટસ’ના નામથી ઓળખે છે. આ રોગમાં મોટાભાગના લોકો જાણે છે તેમ, અગન્યાશય એટલે કે પેનક્રિયાસમાં વિકૃતિ થાય છે.
મધુમેહના આયુર્વેદિય ઉપચારમાં સૌપ્રથમ આહાર દ્રવ્યોની સુવ્યવસ્થા પર વિશેષ ભાર મુકાય છે. મધુમેહથી આક્રાંત રોગીઓએ પોતાના દૈનિક આહાર દ્રવ્યોમાંથી શર્કરા અને શર્કરોત્પાદક દ્રવ્યોનો ત્યાગ કરવો જોઈએ. આ પ્રકારના મધુર-મીઠા દ્રવ્યોનું સેવન આ વ્યાધિમાં વર્જિત એટલે કે ત્યાજ્ય છે. આવા દર્દીઓએ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી શર્કરાયુક્ત એટલે કે વધુ પડતા કાર્બોહાઈડ્રેટવાળા દ્રવ્યોનું સેવન ન કરવું. આવા દર્દીઓના દૈનિક આહાર દ્રવ્યોમાં કડવા રસવાળા તથા કફનો નાશ કરે તેવા દ્રવ્યોનો ઉપયોગ શ્રેયસ્કર છે. કફવર્ધક આહાર દ્રવ્યોથી ડાયાબિટીસ વધે છે, એટલે કફ ન કરે એવા દ્રવ્યો હિતાવહ બને છે.
આશરે 2000 વર્ષ પહેલાં આપણા દેશમાં સુશ્રુત નામના મહાન વૈદ્ય થઈ ગયા. તેમણે ‘સુશ્રુત સંહિતા’માં મધુમેહની નિવૃત્તિ માટે શાલસારાદિ ગણ(ગ્રુપ)ના દ્રવ્યોના ઉકાળાથી વિધિવત્ ભાવિત શુદ્ધ શિલાજિતના પ્રયોગનું સવિસ્તાર વર્ણન કર્યું છે. તેમણે લખ્યું છે કે, જો મધુમેહ વિધાનપૂર્વક એક તુલા(અથવા સો પલ કે 400 તોલા) એટલે કે આશરે પાંચ કિલો શુદ્ધ શિલાજિતનું માત્રાપૂર્વક દીર્ઘકાલીન સેવન કરે તો તે રોગી મધુમેહથી મુક્ત થઈને કીર્તિવાન અને અતિબળવાન બને છે તથા સો વર્ષનું જીવન જીવી શકે છે.
મહર્ષિ સુશ્રુતે લખ્યું છે કે, મધુમેહથી આક્રાંત રોગી શરીર શુદ્ધિ કર્યા પછી શાલસારાદિ ગણના ઔષધોના ઉકાળાની ભાવના આપીને ખૂબ જ ઝીણા પીસેલા શિલાજિતને શાલસારાદિ ગણના ઔષધોના ઉકાળાની સાથે જ પોતાના અગ્નિ બળ પ્રમાણે ઉચિત માત્રામાં પ્રાતઃકાળે અને સાંજે સેવન કરવું જોઈએ.
મહર્ષિ સુશ્રુતનું કહેવું છે કે, તાપી નદીમાંથી ઉત્પન્ન અમૃતતુલ્ય, મધુર, સુવર્ણના જેવા જ દેખાવ વાળું અથવા રજતની કાંતિ વાળું અમ્લ માક્ષિક ધાતુ (સુવર્ણ માક્ષિક તથા રૌપ્ય માક્ષિક)ના પ્રયોગથી મધુમેહ નષ્ટ થાય છે.
આ ધાતુઓને પણ ઔષધોના રસથી વિધિવત શુદ્ધ કરવામાં આવ્યા પછી જ યોગ્ય પરેજી સાથે એકથી બે રતિ(1 રતિ=115-125મિ.ગ્રા.)ની માત્રામાં અપાય છે.
મધુમેહ એટલે કે ડાયાબિટીસમાં ત્રિબંગશીલા, મધુમેહાન્તક વટી, મામેજવા ઘનવટી, વિજયસાર કષાય, નાગ ભસ્મ અને યશદ ભસ્મનો ઉપયોગ કરવાથી અને યોગ્ય વ્યાયામ વગેરેથી શરૂઆતના મધુમેહને મટાડી(રીવર્સ કરી) શકાય છે. સપ્તરંગી મૂળના ક્વાથના પ્રયોગથી તથા કારેલાના રસના પ્રયોગથી પણ એમાં લાભ થાય છે.
ચિત્રક, ત્રિફળા, દારૂ-હળદર અને ઇન્દ્રજવ આ દરેક ઔષધો સરખા ભાગે લઈ તેને ખાંડી, અધકચરો ભૂક્કો બનાવી બરણી ભરી લેવી. બેથી ત્રણ ચમચી આ ભૂક્કો બે ગ્લાસ જેટલા પાણીમાં નાખીને ઉકાળવો. ઉકળતા દ્રવ્ય જ્યારે એક કપ જેટલું બાકી રહે ત્યારે ઉતારીને તેને જમ્યા પછી પીવું. બપોરે અને રાત્રે. આ ઉકાળો તાજો બનાવીને જ પીવો. બધા પ્રકારના પ્રમેહમાં આ ઉકાળો ખૂબ હિતાવહ છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો