આયુર્વેદના પ્રવાહિકા રોગને સામાન્ય ભાષામાં આપણે મરડો કહીએ છીએ. પેટમાં આંકડી, ચૂંક કે મરડાટ સાથે થોડી થોડી વારે મળપ્રવૃત્તિ થવી એ આ રોગનું મુખ્ય લક્ષણ છે. મળ સાથે આમ કફ મ્યુકસનું આવવું, વારંવાર થોડો થોડો મળ આવવો, ક્યારેક મળમાં રક્ત પણ આવવું, મળમાં ખૂબ દુર્ગંધ આવવી, મોટા અવાજ સાથે વાછૂટ થવી, મળ દ્વાર આસપાસ દાહ-બળતરા થવી વગેરે લક્ષણો પણ સાથે સાથે જોવા મળે છે.

કારણો

આ રોગ થવાનાં કારણોમાં અયોગ્ય આહાર તથા વિહાર, દૂષિત પાણીનું સેવન મુખ્ય ગણાય છે. ક્યારેક કૃમિ-કરમિયાના કારણે પણ આ વ્યાધિથી શરીરગ્રસિત થઇ શકે છે. આયુર્વેદ પ્રમાણે જોઈએ તો સર્વ પ્રથમ આહાર વિહારની બેકાળજીથી અગ્નિમાંદ્ય અને કફની વૃદ્ધિ થાય છે. આ કફ આંતરડાંમાં ચોંટીને વાયુને કોપાવે છે અને આ કુપિત વાયુ 5છી ચોંટેલા કફને મળની સાથે બહાર કાઢવાનો વારંવાર પ્રયત્ન કરે છે અને રોગીને ચૂંક સાથે ઝાડા થાય છે, જેને આપણે મરડા તરીકે જાણીએ છીએ.

આધુનિક વિજ્ઞાન પ્રમાણે જોઈએ તો આ રોગને ડિસેન્ટ્રી સાથે સરખાવી શકીએ, કારણ કે ડિસેન્ટ્રી અને પ્રવાહિકાનાં કારણો, લક્ષણો વગેરેમાં સમાનતા જોવા મળે છે. ડિસેન્ટ્રીના મુખ્ય 2 પ્રકાર છે. (1) અમીબિક ડિસેન્ટ્રી અને (2) બેક્ટેરિયલ ડિસેન્ટ્રી, જેને સામાન્ય રીતે જૂનો મરડો અને સામાન્ય મરડો કહી શકીએ. અમીબિક ડિસેન્ટ્રીનું મુખ્ય કારણ E. Histolyticaને માનવામાં આવે છે અને એક તારણ પરથી એવું જણાયું છે કે ભારતમાં 15% લોકો આનાથી પ્રભાવિત છે. જેમાંથી કેટલાક રોગીઓમાં એનાં સ્પષ્ટ લક્ષણો જોવા મળે છે અને બાકીના માત્ર એના વાહક હોય છે. E. Histolyticaના સંક્રમણ થવા પાછળ પણ દૂષિત અહાર અને પાણી જવાબદાર હોય છે.

ઉપચાર

આયુર્વેદ પ્રમાણે આ રોગમાં રોગીને સર્વપ્રથમ લંઘન એટલે કે હળવો આહાર આપવો જોઈએ અથવા ઉપવાસ કરાવવા જોઈએ અને સાથે દીપન-પાચન ઔષધો પ્રયોજવાં જોઈએ. રોગી જો અત્યાધિક કમજોર જણાય તો ધીમે ધીમે તેનું બળ વધારવું જોઈએ. ઉકાળીને ઠંડું કરેલું પાણી જ પીવું તથા લીલાં શાકભાજીને સારી રીતે ધોયા બાદ જ તેનો ઉપયોગ કરવો જોઈએ.

આ સાથે નીચે પ્રમાણે સામાન્ય આયુર્વેદીય ઔષધોપચાર પ્રયોજી શકાય.

કુટજઘનવટી : રોગીના બળ અનુસાર 2થી 4 ગોળી દિવસમાં ત્રણ વાર જમ્યા પછી આપવી.

શુંઠ્યાદિ લેહ : અડધી ચમચી સવારે નાસ્તા પહેલાં આપવો.

બિલ્વાદિ ચૂર્ણ : અડધી ચમચી ત્રણ વાર જમ્યા પછી આપવું.

કુટજારિષ્ટ : 4 ચમચી એટલા જ પાણી સાથે મિશ્ર કરી સવાર-સાંજ જમ્યા પછી આપવો.

ઇસબગુલ પાઉડર : 2 ચમચી રાત્રે સૂતી વખતે પાણી સાથે લેવો.

આ ઔષધોપચારથી જૂના તથા નવા મરડામાં લાભ થાય છે. વધારે તકલીફ જણાય અથવા રક્તમિશ્રિત મળપ્રવૃત્તિ થાય તો નિષ્ણાત ચિકિત્સકની સલાહ લેવી વધારે હિતકારી છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો