તમને ખબર છે, લતા મંગેશકરે પહેલીવાર હિન્દી ફિલ્મ માટે ગાયેલું ગીત ખુદ તેમના પર જ ફિલ્માવાયું હતું! લતા જ્યારે હિન્દી ફિલ્મોમાં નસીબ અજમાવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં હતાં, ત્યારે પ્લેબેકની ટેક્નિક નહોતી. મતલબ ફિલ્મના કલાકારો જાતે જ પોતાનાં ગીત ગાતા હતા.


વાસ્તવમાં લતાજી ગીતો ગાવાના ઈરાદાથી હિન્દી ફિલ્મજગતમાં આવ્યાં નહોતાં. 13 વર્ષની નાજુક ઉંમરે તેમણે શાસ્ત્રીય ગાયક અને મરાઠી નાટકોના કલાકાર પિતા દીનાનાથ મંગેશકરને ગુમાવ્યા હતા, એટલે તેમના પર ઘર નિર્વાહની જવાબદારી આવી પડી હતી.

તે વખતે પિતાના મિત્ર અને મરાઠી ફિલ્મોના નિર્માતા, નિર્દેશક અને અભિનેતા વિનાયક કર્નાટકી ઉર્ફે માસ્ટર વિનાયકે (જેમના ઘરે પાછળથી અભિનેત્રી નંદાનો જન્મ થયો હતો) તેમનો હાથ ઝાલ્યો હતો અને 1942માં લતાને નવયુગ પિક્ચર્સ નામની મરાઠી ફિલ્મ કંપનીમાં અભિનયનું કામ મળ્યું હતું.

થોડા વખત પછી માસ્ટર વિનાયકે કોલ્હાપુરમાં ખુદની પ્રફુલ્લા પિક્ચર્સ કંપની શરૂ કરી. લતાજી પણ તેમાં જોડાયાં. આમ તો તેમનું પહેલું હિન્દી ગીત `હિન્દુસ્તાન કે લોગોં, અબ તો મુઝકો પહચાનો' 1944ની મરાઠી ફિલ્મ `ગજાભાઉ' માટે હતું, 

પણ તેનો ઓડિયો કે વીડિયો હવે ઉપલબ્ધ નથી.

1945માં પ્રફુલ્લા પિક્ચર્સની એક ફિલ્મ `બડી મા' આવી હતી. તેમાં લતાજીની એક નાનકડી ભૂમિકા હતી અને તેના માટે એક ગીત ગાયું હતું: માતા તેરે ચરણોં મેં ગુજર જાયે ઉમરિયા. તે તેમનું પહેલું હિન્દી ગીત સાબિત થયું.

આ ફિલ્મ સંબંધી વાતો રસપ્રદ છે. માસ્ટર વિનાયકે આ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું અને તે વખતનાં ફિલ્મી સામયિકોમાં એવો આરોપ મુકાયો હતો કે તેમણે બ્રિટિશ સરકારને ખુશ કરવા માટે પ્રોપેગેન્ડા ફિલ્મ બનાવી હતી. ફિલ્મનું બેકગ્રાઉન્ડ બીજું વિશ્વયુદ્ધ હતું અને તેમાં હીરોને જાપાનીઓ સામે લડતો બતાવ્યો હતો. તેની વાર્તાની વાત પછી કરીએ, તે પહેલાં બીજી વાતો.

આ ફિલ્મની હિરોઈન મલ્લિકા-એ-તરન્નુમ (સૂરોની રાણી) અલ્લા રખી વાસઈ ઉર્ફે નૂરજહાં હતી. નૂરજહાંની આ પાંચમી હિટ ફિલ્મ હતી. અવિભાજિત પંજાબના કસૂરમાં 1926માં જન્મેલી નૂરજહાંએ છ વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કર્યું હતું.  

1942થી નૂરજહાંએ હિરોઈનની ભૂમિકાઓ કરવાનું શરૂ કર્યું હતું અને વયસ્ક ભૂમિકામાં તેમની પહેલી ફિલ્મ પ્રાણ સાથે `ખાનદાન' હતી. તે ફિલ્મની સફળતા પછી જ તેઓ મુંબઈ આવ્યાં હતાં. તે પહેલાં તે કલકત્તામાં અને પછી લાહોરમાં કામ કરતાં હતાં.

વાસ્તવમાં નૂરજહાં લતાજીનો આદર્શ હતી. તે નાનપણથી નૂરજહાંનાં ગીતો સાંભળતાં હતાં અને `બડી મા'ના સેટ પર તેમને પહેલી વાર નૂરજહાંને રૂબરૂમાં જોવાનો મોકો મળ્યો હતો. નૂરજહાં કેવી રીતે ગાય છે, કેવી રીતે બોલે છે અને કેવી રીતે અભિનય કરે છે તેનું લતાજીએ ઝીણવટથી નિરીક્ષણ કર્યું હતું.

માસ્ટર વિનાયકે નૂરજહાં સાથે લતાનો પરિચય કરાવ્યો હતો અને બે-ચાર લાઈનો ગાવા કહ્યું હતું. તે કિસ્સાને યાદ કરીને લતાએ એકવાર કહ્યું હતું, `મેં રાગ જયવંતી ગાયો હતો. પછી તેમણે ફિલ્મી ગીત ગાવાનું કહ્યું. મેં `વાપસ' ફિલ્મનું `જીવન હૈ બેકરાર બીના તુમ્હારે' ગીત ગાયું હતું. તે વખતે મને મારા પિતાજીના શબ્દો આવ્યા હતા કે તમે જો તમારા ગુરુ સામે ગાતા હો, તો ખુદને ગુરુ માનો. મેં એ ભાવથી ગાયું હતું.'

લતાના ગળાથી પ્રભાવિત થયેલાં નૂરજહાંએ ત્યારે કહ્યું હતું કે આ છોકરીનું ભવિષ્ય ઊજળું છે અને કેવું ઊજળું સાબિત થયું! વિભાજન પછી નૂરજહાં પાકિસ્તાન ચાલ્યાં ગયાં હતાં અને ત્યાં તેમની કારકિર્દી એવી ખીલી હતી કે પાકિસ્તાનીઓ આજે પણ કહે છે, `તમારી પાસે લતા મંગેશકર છે, તો અમારી પાસે નૂરજહાં છે!'

`બડી મા'માં નૂરજહાં સામે ઈશ્વરલાલ નામનો એક્ટર હીરો હતો. પાછળ ફિલ્મી દુનિયામાં જેમ મૂળ નામને બદલે સ્ટારને છાજે તેવાં નામો (જેમ કે, દિલીપ કુમાર, મનોજ કુમાર, રાજેશ ખન્ના, અક્ષય કુમાર) રાખવાની પરંપરા હતી, તેવી જ રીતે હરિપ્રસાદ જોશી નામના એક એક્ટરે તેનું નામ ઈશ્વરલાલ રાખ્યું હતું.

તેના વિશે બહુ માહિતી ઉપલબ્ધ નથી. તે ગુજરાતી હતો. તેના પિતા કાઠિયાવાડમાં પોલીસ વિભાગમાં હતા. તે ત્રણ વર્ષનો હતો, ત્યારે પિતાનું અવસાન થયું હતું. તેની માતાએ તેને મોટો કર્યો હતો. તેના મોટા ભાઈનો મુંબઈમાં ધંધો હતો. 1927માં હરિપ્રસાદ ભાઈની પાછળ મુંબઈ આવ્યો હતો. તે ઊંચો અને રૂપાળો હતો અને ફિલ્મોમાં કામ કરવાનો શોખ થયો હતો. તેણે 86 ફિલ્મોમાં કામ કર્યું હતું, 11 ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું અને 14 ફિલ્મોમાં ગીત ગાયાં હતાં. તે ચેઈન સ્મોકર હતો અને 57 વર્ષની ઉંમરે ફેફસાંના કેન્સરમાં અલવિદા ફરમાવી ગયો હતો.

`બડી મા' ફિલ્મમાં તેણે દિનેશ નામના દેશપ્રેમીની ભૂમિકા કરી હતી. બીજા વિશ્વયુદ્ધના કારણે દિનેશ લંડનમાં ફસાઈ જાય છે. બીજી બાજુ વતનમાં તેના પિતા દુર્ગાદાસ ઘનશ્યામ નામના શ્રોફના દેવામાં ડૂબી જાય છે. ઘનશ્યામ શરત મૂકે છે દુર્ગાદાસ તેની દીકરી મોનાનાં લગ્ન તેના દીકરા રાજીન્દર સાથે કરે. આ રાજીન્દર જાપાનીઓનો જાસૂસ છે, પણ તેની બહેન હેમા (નૂરજહાં) દિનેશની જેમ દેશપ્રેમી છે.

દુર્ગાદાસ ઇનકાર કરે છે એટલે ઘનશ્યામ તેની સંપત્તિ જપ્ત કરી લે છે. ગમે તેમ કરીને દિનેશ પાછો આવે છે અને તેને ખબર પડે છે કે તેના પિતા ભૂખમરામાં છે અને તેના ગામ પર જાપાનીઓએ હુમલો કર્યો છે. ગામને જાપાનીઓના અને પિતાને ઘનશ્યામની ચુંગાલમાંથી મુક્ત કરવા માટે દિનેશ દેશપ્રેમી હેમાની મદદથી શસ્ત્રો ઉઠાવે છે.

આ રાજીન્દરની ભૂમિકા તે વખતના જાણીતા ખલનાયક યાકુબે કરી હતી. તેનું મૂળ નામ યાકુબ ખાન મહેમૂદ ખાન હતું. તે જબલપુરના પઠાણ પરિવારમાં જન્મ્યો હતો. નાનપણમાં જ તે ઘર છોડીને નાસી ગયો હતો. તે જાતજાતની મજૂરી કરીને એક જહાજ પર કામે લાગ્યો હતો, જેમાં બેસીને તે લંડન, બ્રસેલ્સ, પેરિસ ફરી આવ્યો હતો.

છેલ્લે કલકત્તામાં તે ટૂરિસ્ટ ગાઈડ હતો અને 1942માં મુંબઈ આવીને ફિલ્મોમાં કામ કરતો થયો હતો. જહાજમાં ફર્યો હોવાથી તે હોલિવૂડની ફિલ્મો જોતો હતો અને તેને ત્યાંના હીરો એડી પોલો, ડગ્લાસ ફેરબેન્કસ, વોલેસ બીરી અને હમ્ફ્રી બોગાર્ટનો વહેમ હતો. તેણે હિન્દી ફિલ્મોમાં કોમેડિયન અને ખલનાયક તરીકે સારું નામ કાઢ્યું હતું.

1951માં આવેલી `હલચલ' ફિલ્મમાં દિલીપ કુમાર અને નરગિસ જેવાં સ્ટાર હતાં. તે ફિલ્મની ક્રેડિટમાં `... એન્ડ યોર ફેવરિટ યાકુબ' તરીકે તેનું નામ આવ્યું હતું. એક્ટર મહેમૂદ યાકુબનો દીવાનો હતો. તે જ્યારે સંઘર્ષ કરતો હતો તે દિવસોમાં મહેમૂદ બોમ્બે ટોકીઝની બહાર યાકુબની રાહમાં આંટાફેરા મારતો હતો. યાકુબ કાયમ તેના હાથમાં એક-બે રૂપિયા મૂકતો હતો.  

 `બડી મા'માં લતાની નાની બહેન આશા ભોંસલેની પણ નાનકડી ભૂમિકા હતી. લતાજીએ આ ફિલ્મને યાદ કરીને કહ્યું હતું, `મેં `માતા તેરે ચરણોં મેં' ગીત ગાયું હતું'. લોકો ગેરસમજ કરે છે એ ગીત આશા પર ફિલ્માવાયું હતું, પણ એવું નથી. એક બીજા ગીત `તુમ મા હો બડી મા' ગીતની અમુક પંક્તિ પણ મેં ગાઈ હતી.'  

બાય ધ વે, `માતા તેરે ચરણોં મેં' ગીતમાં ઈશ્વરલાલનો અવાજ પણ છે, એટલે એવું પણ કહી શકાય કે લતા મંગેશકરનું પહેલું હિન્દી યુગલ ગીત ઈશ્વરલાલ સાથે હતું! 

  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: