સ્પોર્ટ્સ, આર્ટ્સ એ બધી પ્રવૃત્તિઓને આપણે `એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી' ગણીએ છીએ. યાનિ કિ `ઇતર પ્રવૃત્તિ' ગણીએ છીએ.

આપણે ત્યાં જે કંઈ પણ થોડી ઘણી રમતો રમાય છે એને આપણે `ઇન્ડિયન ટચ' આપી દીધો છે, એને ભારતીય રંગે રંગી નાખી છે. આજે આપણે એવી જ એક રમતની ચોવટ કરવી છે, જેનું આપણે `કચ્ચીને' ભારતીયકરણ કરી નાખ્યું છે. એ રમતનું નામ છે `બેડમિન્ટન'. આપણે ત્યાં જેમ ક્રિકેટને દેશી ભાષામાં `બોલ-બેટ' કહેવામાં આવે છે. (મારાં બા તો એને `બોટ-બેલ' કહેતાં હતાં) એવી જ રીતે `બેડમિન્ટન'ને આપણે બધા `બેટમિન્ટન' કે `ફૂલ-રેકેટ'કહીએ છીએ.ક્રિકેટની રમતની જેમ આપણે બેડમિન્ટનની રમતને પણ દેશી રંગે રંગી નાખી છે.

બેડમિન્ટન રમવા માટે જરૂરી એવા સફેદ પીંછાંમાંથી બનતા `શટલકોક'ને આપણે `ફૂલ' શું કામ કહીએ છીએ એના પર ચોટીલા સાઇડના વૈજ્ઞાનિકો વર્ષોથી સંશોધન કરી રહ્યા છે. આ સિવાય આ રમત માટે રેકેટની જરૂર પડે છે, જે રસોઈયાના ઝારા જેવું દેખાતું હોય છે. (આ રેકેટ જેવું જ દેખાતું મચ્છર મારવાનું ચાઇનીઝ બેટ પણ માર્કેટમાં મળે છે, જેને ચાંપ દબાવી હવામાં વીંઝવાથી મચ્છર એમાં ભરાઈને `તડ-તડ-તડ-તડ' અવાજ કરી બળી મરે છે.) ટૂંકમાં, આપણને બેડમિન્ટન રમવા માટે ફૂલ અને રેકેટ આટલી જ વસ્તુની જરૂર પડે છે. વળી, એ થોડી અમથી જગ્યામાં પણ રમી શકાય છે.

સરખી રીતે રમવામાં આવતી બેડમિન્ટનની રમત માટે તો ચોક્કસ નિયમો હોય છે. બાઉન્ડ્રી દોરેલું ચોક્કસ સાઇઝનું બે ભાગમાં વહેંચાયેલું મેદાન હોય છે. જેની વચ્ચે ચોક્કસ ઊંચાઈ પર નેટ બાંધેલી હોય છે. રમતમાં ખેલાડીઓ જાળીની સામસામેના ભાગમાં ગોઠવાઈને રેકેટથી શટલને એકબીજા તરફ મારી, પોઇન્ટસ મેળવીને જીતે છે. અલ્યા ભૈયો ને બુનો, આ બધી `કૂદમકૂદ' તો વ્યવસ્થિત રીતે રમવામાં આવતી બેટમિન્ટનની રમતમાં હોય છે. આપણે વળી ક્યાં વ્યવસ્થિત રમવા ટેવાયેલા છીએ? આપણે તો આપણી રીતે, આપણી મસ્તી મુજબ, આપણને ફાવે એમ બેડમિન્ટન ટીચીએ છીએ.

આપણા બધાયનું બેડમિન્ટન ક્યાં રમાતું હોય છે ખબર છે? આપણું બેડમિન્ટન આપણા ઘરના આંગણામાં, સોસાયટી કે ફ્લેટના કોમન પ્લોટમાં, સાંજ પડે બગીચાઓમાં કે પછી રાત્રે ટ્રાફિક નહીંવત્ થઈ જાય ત્યારે સ્ટ્રીટ લાઇટોના અજવાળામાં રોડ પર રમીએ છીએ. બેડમિન્ટન રમવાની આપણી નોખી-અનોખી અદા હોય છે, અનોખી વેશભૂષા હોય છે. છોકરીઓ `ફૂલ-રેકેટ' રમવા ઊતરે ત્યારે ડ્રેસનો દુપટ્ટો કમરે કચકચાવીને બાંધીને બાજીરાવની મસ્તાનીની જેમ મેદાને પડે છે. મોટી ઉંમરની મહિલાઓ રમવા આવે ત્યારે સાડીનો છેડો કમરમાં કચ્ચીને ખોસીને ઝાંસીની રાણીની જેમ આવે છે અને ભઈલાઓ જ્યારે ખેલવા ઊતરે ત્યારે બરમુડો ચડ્ડો પહેરીને અથવા તો ટ્રેકનો લેંઘો પહેરી ધસી આવે છે. વળી, બેડમિન્ટન રમવા 99.99 ટકા લોકો પગમાં કશું પહેરતા જ નથી. આપણા માટે બેડમિન્ટન `ઉઘાડ પગાઓ'ની રમત છે. આપણા દેશી સ્ટાઇલના બેડમિન્ટનમાં વચ્ચે પેલી નેટ-ફેટ કે જાળી-બાળી જેવું કશું હોતું જ નથી. વળી, એમાં નિયમ મુજબની બાઉન્ડ્રી-ફાઉન્ડ્રી જેવું પણ કશું હોતું નથી.

આપણે બધા માત્ર સામસામે રેકેટથી ફૂલને `સટાક-સટાક' મારીને બેડમિન્ટનની રમત રમીએ છીએ. વળી, આપણે જે બેડમિન્ટન રમીએ છીએ એમાં પોઇન્ટ-બોઇન્ટ જેવું પણ કંઈ હોતું નથી.

બસ, સામ-સામે `ટીડિંગ-ટીડિંગ' કરી રેકેટથી ફૂલને માર્યા કરીએ છીએ. જ્યારે કોઈ થાકી જાય, હાંફી જાય, બાવડાં રહી જાય, પગ ભરાઈ જાય ત્યારે બીજાનો રમવાનો વારો આવતો હોય છે. ઘણા તો એવા પણ હોય જે સામસામે ફૂલને ઊંચે-ઊંચે મારી કંઈક ભેદી પ્રકારનો આનંદ લેતા હોય છે. `ચલ હવે આપડે બેઉ બરાબર ચકાવીએ' એવું બોલી સામસામે ઘણા બધા શોટ મારવાની મજા લેતા હોય છે. કોઈ સામે જોર જોરથી ફાસ્ટ શોટ મારવા માંડે તો સામેવાળો-વાળી એને `બહુ હુશિયારી ના માર, ધીમે ધીમે રમ' એમ કહી ગેમની સ્પીડ ઘટાડાવી દે છે.

આપણને બધાયને જુલાઈની પહેલી તારીખે એટલે કે વર્ષના વચલા દહાડે જ આવું બેડમિન્ટન રમવાનું શૂરાતન ચડતું હોય છે. એ એક જે દિવસ આપણે એવું કચ્ચીને બેડમિન્ટન રમીએ છીએ કે પછી હાથ, પગ, ખભાના દુખાવાના લીધે નેક્સ્ટ પહેલી જુલાઈ સુધી એ રમી શકતા નથી. એ જે હોય તે આપણી આ દેશી સ્ટાઇલની `ફૂલ-રેકેટ' રમત રમવાની-જોવાની મજા પડે છે હોં.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો