આજે ટેક્નોલોજીના યુગમાં કોઈ પણ દેશની સુરક્ષાવ્યવસ્થાનો સૌથી મજબૂત સ્તંભ તેની મિસાઈલ સિસ્ટમ છે. યુદ્ધભૂમિમાં સેનાની તાકાત વધારવાથી લઈને દુશ્મનોમાં ડર પેદા કરવા સુધી, મિસાઈલો આધુનિક સંરક્ષણનું મુખ્ય હથિયાર બની ગઈ છે, પરંતુ શું તમે જાણો છો કે મિસાઈલો એકસરખી નથી હોતી! તેમના લક્ષ્ય, અંતર અને લોન્ચિંગ પદ્ધતિના આધારે તેને અલગ-અલગ પ્રકારોમાં વહેંચવામાં આવી છે. ચાલો સમજીએ મિસાઈલોની આ રોમાંચક દુનિયાને.


પથ અને ઉડાનના આધારે

મિસાઈલ કઈ રીતે હવામાં સફર કરે છે, તેના આધારે તેને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે.

બેલેસ્ટિક મિસાઈલ : આ મિસાઈલ રોકેટની જેમ સીધી અવકાશમાં જાય છે અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ કરીને અર્ધચંદ્રાકાર (Parabolic) પથ બનાવીને લક્ષ્ય પર ત્રાટકે છે. આ મિસાઈલો લાંબા અંતર (પરમાણુ હુમલા) માટે વપરાય છે. ભારતની `અગ્નિ' અને `પૃથ્વી' શ્રેણી આનું ઉત્તમ ઉદાહરણ છે.

ક્રૂઝ મિસાઈલ : આ મિસાઈલ પૃથ્વીની સપાટીની ખૂબ નજીક (જેમ કે, કોઈ ફાઈટર જેટ ઊડતું હોય તેમ) સીધી રેખામાં પ્રવાસ કરે છે. તે રડારની નજરમાં સરળતાથી આવતી નથી અને રસ્તામાં પોતાનો માર્ગ પણ બદલી શકે છે. ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસાવાયેલી `બ્રહ્મોસ' દુનિયાની સૌથી ઝડપી અને ખતરનાક ક્રૂઝ મિસાઈલ છે.

અંતર(રેન્જ)ના આધારે પ્રકારો

દુશ્મન કેટલો દૂર છે, તેના આધારે મિસાઈલની પસંદગી થાય છે.

શોર્ટ રેન્જ (SRBM) : આ મિસાઈલો 1,000 કિલોમીટરથી ઓછા અંતરનાં લક્ષ્યોને વીંધવા માટે હોય છે.

મીડિયમ રેન્જ (MRBM) : આની ક્ષમતા 1,000થી 3,000 કિલોમીટર સુધીની હોય છે.

ઇન્ટરમીડિયેટ રેન્જ (IRBM) : આ મિસાઈલો 3,000થી 5,500 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે.

ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ (ICBM) : આને `આંતરખંડીય મિસાઈલ' કહેવાય છે, જેની રેન્જ 5,500 કિલોમીટરથી વધુ હોય છે. તે એક ખંડમાંથી બીજા ખંડમાં (દા.ત. એશિયાથી યુરોપ) સેકન્ડોમાં તબાહી મચાવી શકે છે. ભારતની `અગ્નિ-5' આ કેટેગરીમાં આવે છે.

લોન્ચિંગ અને ટાર્ગેટના આધારે વર્ગીકરણ

યુદ્ધભૂમિની તત્કાલીન જરૂરિયાત મુજબ મિસાઈલોને ક્યાંથી છોડવામાં આવે છે અને તે ક્યાં હુમલો કરે છે, તેના આધારે તેને નીચે મુજબના ચાર મહત્ત્વના પ્રકારોમાં વહેંચવામાં આવે છે.

સરફેસ-ટુ-સરફેસ મિસાઈલ : આ મિસાઈલો જમીન પરથી જ છોડવામાં આવે છે અને જમીન પર રહેલા લક્ષ્યને જ નષ્ટ કરે છે. સેના દ્વારા સરહદ પાર દુશ્મનનાં સૈન્ય ઠેકાણાંઓ, બંકરો અને લશ્કરી મથકોનો નાશ કરવા માટે આ પ્રકારની મિસાઈલનો ઉપયોગ થાય છે.

સરફેસ-ટુ-એર મિસાઈલ : આ મિસાઈલ જમીન પરથી હવામાં પ્રહાર કરે છે. તેનો મુખ્ય હેતુ દેશની હવાઈ સરહદનું રક્ષણ કરવાનો છે. દુશ્મનના આવતાં ફાઈટર જેટ, હેલિકોપ્ટર, ડ્રોન કે અન્ય મિસાઈલને હવામાં જ તોડી પાડવા માટે આ સિસ્ટમ વપરાય છે. ભારતની `આકાશ' અને `એસ-400' (S-400) મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

એર-ટુ-એર મિસાઈલ : આ હવામાંથી હવામાં જ પ્રહાર કરતું અત્યાધુનિક હથિયાર છે. તેને ફાઈટર જેટ (યુદ્ધ વિમાન)માં ફિટ કરવામાં આવે છે. 

આકાશમાં લડાઈ દરમિયાન દુશ્મનના વિમાનને હવામાં જ ફૂંકી મારવા માટે વાયુસેના આનો ઉપયોગ કરે છે. ભારતની `અસ્ત્ર' મિસાઈલ આ કેટેગરીમાં આવે છે.

એર-ટુ-સરફેસ મિસાઈલ : આ મિસાઈલને ફાઈટર જેટ કે હેલિકોપ્ટરમાંથી જમીન પર રહેલા લક્ષ્ય પર છોડવામાં આવે છે. યુદ્ધ દરમિયાન આકાશમાંથી જમીન પર રહેલા દુશ્મનનાં રડાર સ્ટેશનો, ટેન્કો કે કમાન્ડ સેન્ટરોને સચોટતાથી નષ્ટ કરવા માટે આ પ્રકાર ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

ઉપરોક્ત સિવાય દરિયામાં સબમરીનમાંથી છોડાતી સબમરીન લોન્ચ્ડ બેલેસ્ટિક મિસાઈલ (SLBM) અને યુદ્ધજહાજોને ડુબાડવા માટે વપરાતી એન્ટિ-શિપ મિસાઈલ પણ નૌસેનાની મોટી તાકાત હોય છે.

હાઇપરસોનિક મિસાઈલ : ભવિષ્યનું હથિયાર   

હાલમાં દુનિયાભરમાં જેની સૌથી વધુ ચર્ચા છે તે છે `હાઇપરસોનિક મિસાઈલ'. આ મિસાઈલ અવાજની ગતિ કરતાં પાંચ ગણી કે તેથી વધુ ઝડપે ઊડે છે. તેની ઝડપ અને દિશા બદલવાની ક્ષમતા એટલી અદ્ભુત હોય છે કે દુનિયાની કોઈ પણ અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ પણ તેને રોકી શકતી નથી.

મિસાઈલો માત્ર યુદ્ધ લડવાનું સાધન નથી, પરંતુ તે દેશની સાર્વભૌમત્વની ઢાલ છે. આજે ભારત `ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન' (DRDO) મિસાઈલ ટેક્નોલોજીમાં આત્મનિર્ભર બન્યું છે. અગ્નિ, પૃથ્વી, બ્રહ્મોસ અને આકાશ જેવી મિસાઈલો સાથે ભારતની ગણતરી દુનિયાના એવા દેશોમાં થાય છે, જેમની સામે જોવાની કોઈ હિંમત કરી શકતું નથી. મિસાઈલ વિજ્ઞાનની આ પ્રગતિ જ આપણને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી આપે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: