આપણા પ્રાચીન મહર્ષિઓએ આ વિશ્વને પાંચ ભૌતિક કહ્યું છે. આ પાંચ મહાભૂતોમાંથી જ સર્વ સજીવ અને નિર્જીવ પદાર્થોની ઉત્પત્તિ થાય છે. આયુર્વેદના ત્રિદોષ (વાયુ, પિત્ત અને કફ) પાંચ મહાભૂતો (પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ)માંથી બનેલા છે. વાયુ અને આકાશ મહાભૂતોમાંથી `વાયુ' દોષ અગ્નિમાંથી `પિત્ત' દોષ અને જળ તથા પૃથ્વીમાંથી `કફ' દોષ ઉત્પન્ન થાય છે.

શરીરને સ્વસ્થ રાખવા માટે આ ત્રણ દોષો સમ હોવા જોઈએ. આ ત્રણે દોષો સમ અવસ્થામાં હોય તો આખા શરીરની ક્રિયાઓનું સંચાલન કરે છે અને વિષમ કે તેની વધઘટ હોય તો રોગોત્પત્તિ થાય છે.

વાયુ

આપણા શરીરમાં જે ઉત્સાહનો અનુભવ થાય છે, તે આ વાયુના જ કારણે છે. ઉચ્છ્વાસ અને નિશ્વાસની ક્રિયાઓ પણ આ વાયુથી શક્ય બને છે. શરીર જે કંઈ ચેષ્ટાઓ કરે છે અને શરીરમાં જે કોઈ ક્રિયાઓ કે ગતિ ચાલે છે તે આ વાયુથી જ શક્ય બને છે.

આપણા શરીરમાં રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર આ સાત ધાતુઓ છે. આ ધાતુઓની ક્રિયાઓ તથા મળ, મૂત્ર, સ્વેદ, માસિકસ્રાવ આ બધી પ્રવૃત્તિ વાયુને કારણે શક્ય બને છે. જ્ઞાનેન્દ્રિયોની આખી વ્યવસ્થા આ વાયુને આધીન છે. વાયુ વગર તો પિત્ત અને કફ પણ ગતિ કરી શકતાં નથી.

આપણા શરીરમાં આવાં ઉપયોગી કાર્યો કરતો `સમ' વાયુ જો `વિષમ' બને તો 80 રોગોને ઉત્પન્ન કરે છે. આ 80 તો વાયુના રોગો છે એની સાથે કફ અને પિત્ત હોય તો અસંખ્ય રોગો બને. આ વાયુ સ્વભાવે રૂક્ષ, લઘુ, શીત અને ચંચળ છે.

પિત્ત

પિત્તનું મુખ્ય કામ છે, `પાચન'. આહારદ્રવ્યોમાંથી રક્ત, માંસ વગેરે ધાતુઓ બનાવનાર આ પિત્ત છે. પિત્તમાં ઉષ્ણતા અને તીક્ષ્ણતા છે. પોતાના ઉષ્ણ અને તીક્ષ્ણ ગુણથી પિત્ત ખોરાકનું પાચન કરે છે. શરીરની તમામ વિઘટન ક્રિયાઓ તે કરે છે. શરીરમાં આવશ્યક ઉષ્મા-ટેમ્પરેચર જાળવી રાખવાનું કાર્ય પણ આ પિત્તનું છે.

પાચન, ઉષ્મા ઉપરાંત ભૂખ, તરસ, રુચિ, પ્રભા, મેધા, બુદ્ધિ, શૌર્ય, સુકુમારતા વગેરે પિત્તનાં સ્વાભાવિક કાર્યો છે. આવાં શરીરોપયોગી કાર્યો કરનાર `સમ' પિત્ત જો `વિષમ' બને તો શરીર રોગગ્રસ્ત બને છે, તેથી 40 વિકારો કે રોગો ઉત્પન્ન થાય છે.

કફ

કફ ભારે, ઠંડો, મધુર, ચીકણો, સ્થિર અને તાંતણાવાળો છે. કફ શરીરને સ્નિગ્ધ રાખે છે. કફ ન હોય તો શરીર શુષ્ક થવા માંડે.

કફ એટલે જળ અને પૃથ્વી મહાભૂતમાંથી ઉત્પન્ન થતું દ્રવ્ય. કફ એટલે આપણે જે બલગમ કાઢીએ છીએ તે નહીં. એ તો કફનું વિકૃત સ્વરૂપ (અવસ્થા) છે.

કફ ઘટવાથી સાંધાઓમાં રહેલી ચીકાશ ઘટવા માંડે અને શરીરની વ્યવસ્થા બગડે. કફના 20 વિકારો શાસ્ત્રકારોએ નોંધ્યા છે. ત્રિદોષ એટલે કે આ વાયુ, પિત્ત અને કફના પાંચ-પાંચ પ્રકારો સ્થાન અને કાર્યભેદથી ગણાવાયા છે. એ બધાના એટલે કે ત્રણેય દોષોના પંદર પ્રકાર થાય અને તે દરેકનાં અલગ અલગ કાર્યો છે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો