`દિલ્હી ક્રાઈમ' નામની સુપરહિટ વેબ સીરિઝનાં સર્જક રિચી મહેતા હવે `ફૂલન' નામની ફિલ્મ લઈને આવ્યાં છે. આ ફિલ્મનું ટોરન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં 16મી સપ્ટેમ્બરે પ્રીમિયર થયું છે. પછી કે લંડનમાં રિલીઝ થશે. ભારતમાં ક્યારે આવશે તેની તારીખ હજુ નક્કી થઇ નથી.
નામ પરથી જ સ્પષ્ટ થઈ જાય છે કે ફિલ્મ ડાકુ રાણી ફૂલન દેવીના જીવન પર આધારિત છે. જોકે, રિચી મહેતાએ ફૂલન દેવીના આખા જીવનને પરંપરાગત બાયોપિકની જેમ રજૂ કરવાને બદલે તેની જિંદગીના માત્ર 48 કલાકને ફિલ્મનું કેન્દ્ર બનાવ્યા છે, જ્યારે ફૂલનને પકડવા માટે લગભગ 2,000 સશસ્ત્ર લોકોએ તેને ઘેરી લીધી હતી. તે સમયની તંગ અને નિર્ણાયક પરિસ્થિતિની વચ્ચે ફ્લેશબેક દ્વારા ફૂલન દેવીના જીવનની એવી ઘટનાઓ આપણી સામે આવતી જાય છે, જેણે એક સામાન્ય ગામડાની અબુધ છોકરીને ખૂંખાર ડાકુ રાણી બનાવી દીધી હતી.
ફિલ્મનો આધાર ફૂલન દેવીની આત્મકથા પર છે એટલે અહીં માત્ર એક કુખ્યાત ડાકુની વાર્તા નથી, પરંતુ એક એવી સ્ત્રીની જીવનકથા છે, જેણે ગરીબી, જાતિભેદ, પુરુષસત્તા, શોષણ અને હિંસાની વચ્ચે પોતાનું અસ્તિત્વ શોધ્યું હતું.
ફૂલન દેવીના જીવનની આ જ જટિલતા કદાચ તેને ફિલ્મકારો માટે એટલું આકર્ષક બનાવે છે. લગભગ ત્રણ દાયકા પહેલાં 1994માં શેખર કપૂરે પણ તેના જીવન પરથી `બેન્ડિટ ક્વીન' બનાવી હતી. સીમા બિસ્વાસના યાદગાર અભિનય સાથે બનેલી આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખૂબ ચર્ચિત અને પ્રશંસિત બની હતી.
પરંતુ `બેન્ડિટ ક્વીન' પછી ફરી એક વાર ફૂલનની કહાનીને પડદા પર લાવવાનો અર્થ માત્ર જૂની વાર્તાનું પુનરાવર્તન નથી. બે ફિલ્મો વચ્ચેનો સૌથી રસપ્રદ પ્રશ્ન એ છે કે એક જ જીવનકથાને બે અલગ ફિલ્મકારો કેવી રીતે જુદી નજરે જુએ છે અને ફૂલન દેવીની વાર્તામાં તેમને ખરેખર શું દેખાય છે.
શેખર કપૂરની `બેન્ડિટ ક્વીન' (યુ ટ્યૂબ અને એમેઝોન-પ્રાઈમ વીડિયો પર ઉપલબ્ધ છે) એક શક્તિશાળી ફિલ્મ છે. તેનું કારણ વાર્તામાં મોજૂદ હિંસા, બળાત્કાર કે ફૂલનની ડાકુ બનવાની ઘટનાઓ નથી. તેની અસલી તાકાત એ વાતમાં છે કે તે એક સ્ત્રીની ટ્રેજેડીના માધ્યમથી આખા સમાજની વ્યવસ્થા સાથે સવાલ ઊભો કરે છે.
પહેલી નજરે તે ફૂલનની વાર્તા છે - એક ગરીબ અને પછાત જાતિની છોકરી, જેના બાળવિવાહ થઇ ગયા હતા અને જે જાતિવાદ, લૈંગિક ભેદભાવ, લગાતાર અપમાન અને શોષણનો ભોગ બનીને અંતત: ડાકુ બની ગઈ હતી.
પણ ફિલ્મનો અસલી સવાલ તેનાથી મોટો છે; આખરે એક છોકરીએ બંદૂક કેવી રીતે ઉઠાવી લીધી? શું કોઈ જન્મથી હિંસક હોય છે? કે પછી સંજોગો તેને હિંસાથી ભરી દે છે? `બેન્ડિટ ક્વીન' ફૂલનના જીવનની ઘટનાઓનું જ વર્ણન નથી કરતી, પરંતુ એ દરમિયાન તેની અંદર આકાર લેતા વૈચારિક અને ભાવનાત્મક પરિવર્તનની કડીઓને પણ જોડે છે.
એક છોકરી, જેની પાસે તેના જીવન, ઈચ્છા કે શરીર પર કોઈ અધિકાર નહોતો, તે કેવી રીતે એક એવી સ્ત્રી બની જાય છે જેનાથી લોકો ફફડવા લાગે છે તે વાતને શેખરે બહુ મર્મસ્પર્શી રીતે પ્રસ્તુત કરી છે. તેનું આ પરિવર્તન કેવળ એક પીડિત સ્ત્રીમાંથી અપરાધી બની જવાનું નથી; આ શક્તિહીનતાથી શક્તિ સુધી પહોંચવાની ભયાવહ યાત્રા છે.
ફિલ્મ હિંસક તો છે (તેમાં પાશવી બળાત્કાર અને ઘાતકી હત્યાકાંડ છે), પણ ફૂલનના જીવનમાં મોટી હિંસા લગાતાર થતા અપમાનની છે. ગરીબ હોવું, નીચલી જાતિ હોવી, સ્ત્રી હોવું અને કમજોર હોવું તેના જીવનનો હિસ્સો બની ગયું હતું. તેના આધેડ પતિથી લઈને ગામના વગદાર લોકો અને ડાકુઓ વારંવાર તેના જીવન (અને શરીર) પર અધિકાર જમાવતા રહ્યા હતા.
એટલે ફૂલન જ્યારે હિંસાના માધ્યમથી પોતાને સશક્ત કરે છે તો દર્શકો સમક્ષ એક કઠિન નૈતિક પ્રશ્ન ઊભો થઇ જાય છે; તેની પર થયેલા અત્યાચાર બદલ સહાનુભૂતિ રાખવી કે તેની હિંસા બદલ તેને અપરાધી ઠેરવવી? શેખર કપૂર તેનો કોઈ આસાન ઉત્તર નથી આપતા અને એ જ આ ફિલ્મની સૌથી મોટી તાકાત છે. તે આપણને કોઈ સુવિધાજનક નૈતિક નિષ્કર્ષ પર પહોંચવા દેતી નથી.
`બેન્ડિટ ક્વીન'માં સમાજ સ્વયં એક મહત્ત્વનો કિરદાર છે (અથવા કહો કે વિલન છે). ફૂલનના જીવનમાં આવતા પુરુષો, પોલીસ કે ડાકુઓથી પણ આગળ એક પૂરો સામાજિક ઢાંચો મોજૂદ છે - જેમાં જાતિ, ગરીબી અને પુરુષ સત્તાની એક એવી વ્યવસ્થા છે, જેમાં પછાત જાતિની એક છોકરી પાસે પોતાના જીવનનો નિર્ણય લેવાની શક્તિ નહીં બરાબર છે.
એટલા માટે આ ફિલ્મને કેવળ એક એવી છોકરીની કહાનીના રૂપમાં જોવી અધૂરી ગણાય, જેની સાથે અત્યાચાર થયો હતો અને પછી તેનો બદલો લીધો. ફિલ્મ તેની આ કહાની પાછળના મોટા પ્રશ્નોને બહાર લાવે છે કે આખરે સમાજ એવી પરિસ્થિતિઓ કેમ પેદા કરે છે જેમાં કોઈ વ્યક્તિ ન્યાય અને સન્માન મેળવવા માટે હિંસાનો સહારો લે?
ફિલ્મમાં રજૂ થયેલી હિંસા પણ તેને અલગ બનાવે છે. શેખર કપૂરે હિંસાને કોઈ રોમાંચક તમાશાની જેમ રજૂ નથી કરી. તે હિંસાને જોવી અસ્વસ્થ કરી મૂકે છે અને આ અસ્વસ્થતા જ અહીં મહત્ત્વની બની જાય છે, કારણ કે ફિલ્મ દર્શકને માત્ર એટલું જ નથી બતાવતી કે ફૂલને શું કર્યું, પરંતુ તેની સાથે શું કરવામાં આવ્યું એ પણ જોવા માટે મજબૂર કરે છે.
ફિલ્મ પૂરી થયા પછી સવાલ માત્ર એટલો જ નથી રહેતો કે ફૂલન દેવી સારી હતી કે ખરાબ. સવાલ તેનાથી ઘણો વધારે અસ્વસ્થ કરનારો છે - આખરે એક સમાજ કોઈ માણસને એવી સ્થિતિ સુધી કેવી રીતે પહોંચાડી દે છે,
જ્યાં હિંસા તેના માટે માત્ર અપરાધ ન રહે, પરંતુ શક્તિ અને ઓળખનું માધ્યમ બની જાય? આ જ સવાલ `બેન્ડિટ ક્વીન'ને માત્ર એક સામાન્ય બાયોપિક કરતાં ઘણી વધારે ઊંડી અને લાંબા સમય સુધી યાદ રહી જાય એવી ફિલ્મ બનાવે છે.
સીમા બિસ્વાસ, જેમણે ફૂલનનું પાત્ર ભજવ્યું હતું, તેમણે એક નિપુણ અભિનય આપ્યો હતો અને ફૂલન દેવીના પાત્રને ખૂબ જ સૂક્ષ્મતા અને સંવેદનશીલતા સાથે રજૂ કર્યું હતું. તેમણે એક એવી મહિલાનું ચિત્રણ કર્યું હતું કે જેણે તેની પર અમાનવીય ક્રૂરતા થઇ હોવા છતાં તૂટવાનો ઇનકાર કર્યો હતો. તેમના અભિનયને ભારતીય સિનેમાના શ્રેષ્ઠ પ્રદર્શનમાંથી એક માનવામાં આવે છે.
સીમાએ ફૂલનના કિરદારને કોઈ પરંપરાગત ફિલ્મી નાયિકાની જેમ ભજવ્યો નહોતો. તેમના અભિનયમાં ન તો ગ્લેમર છે, ન તો કૃત્રિમ વીરતા. તેમના ચહેરાના હાવભાવ, આંખો, મૌન અને શરીરની ભાષા દ્વારા ફૂલનનું બદલાતું વ્યક્તિત્વ આપણી સામે ઊભું થાય છે. શરૂઆતમાં તેનું શરીર જાણે સતત સંકોચાયેલું, ભયભીત અને અસહાય લાગે છે, પરંતુ સમય જતાં એ જ શરીર બદલાતું જાય છે. જે શરીર પહેલાં બીજાઓના નિયંત્રણમાં હતું, એ હવે પોતાની અંદર એવી શક્તિ લઈને ઊભું રહે છે કે બીજાઓ તેનાથી ડરવા લાગે છે. ફૂલનના આ પરિવર્તનને આ ફિલ્મ માત્ર સંવાદોના માધ્યમથી નહીં, પરંતુ સીમા બિસ્વાસની સમગ્ર શારીરિક અભિનયભાષા દ્વારા વ્યક્ત કરે છે.
તેમણે એક વાર કહ્યું હતું કે, `ફૂલન દેવી એક મજબૂત મહિલા હતી. જો હું તેની જગ્યાએ હોત અને તેણે જે સહન કરવું પડ્યું હતું તે મારી સાથે થયું હોત, તો હું મરી ગઈ હોત.'
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
