શેમ્પૂ જેમ જ સૅશે/સેશેટ (સામાન્ય બોલીમાં સેચેટ કે પાઉચ) પણ વિશ્વને ભારતીય ભેટ છે. 1970ના દાયકામાં ટેલ્કમ પાઉડર જેવાં લોકપ્રિય ઉત્પાદનો મોંઘા ટિન કન્ટેનરમાં વેચાતાં હતાં, જેના કારણે તે ઘણા ઓછી આવક ધરાવતા પરિવારોની પહોંચની બહાર હતા. શહેરી લોકો માસિક ધોરણે ઘર વપરાશનો સામાન ખરીદતા હતા, તેનાથી વિપરીત રોજિંદી કે અઠવાડિક આવક પર ગુજરાન ચલાવતા લોકો એવી વસ્તુઓ ખરીદતા જે એક દિવસ કે એક અઠવાડિયા સુધી ચાલે. 70ના દાયકામાં ગામડામાં દુકાનદારો લોકપ્રિય સાબુની કેકને ચાર કે છ ટુકડાઓમાં વિભાજિત કરતા હતા અને દરેક ટુકડાના ભાવે વેચતા હતા, ગ્રાહકની જરૂરિયાત સંતોષાતી અને દુકાનદારોને ટુકડા વેચતા કેટલાક વધારાના પૈસા મળતા હતા.
ચિન્ની કૃષ્ણને આ જોયું અને દરેક માટે લક્ઝરી વસ્તુઓ રોજિંદા ઉપલબ્ધ કરાવવાનું સ્વપ્ન જોયું. અનેક વિચારો બાદ તમિલનાડુના કુડ્ડલોરમાં રહેતા ચિન્ની કૃષ્ણને ભારતીય બજારમાં સેશેટનો ખ્યાલ રજૂ કર્યો હતો. તેમણે ટેલ્કમ પાઉડર અને એપ્સમ સોલ્ટને નાના, સસ્તા પેકમાં રિપેક કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેમણે પીવીસી ફોલ્ડર-સીલિંગ મશીનને અનુકૂલિત કર્યું, જેમાં પારદર્શક નળીનો ઉપયોગ કરીને શેમ્પૂ જેવા પ્રવાહી માટે નાના, સીલબંધ પ્લાસ્ટિક પાઉચ બનાવવામાં આવ્યા, જેનાથી પ્રથમ શેમ્પૂ સેચેટ્સ બનાવવામાં આવ્યા.
કૃષ્ણનની કંપની, દ્વારા પ્રાયોજિત આ નવીનતાએ શેમ્પૂ જેવાં ઉત્પાદનોને લોકો માટે સરળ બનાવ્યાં અને ભારત અને તેનાથી આગળ વપરાશની પેટર્ન બદલી. જેને લીધે ગરીબ ગ્રામીણ વ્યક્તિ માટે મોંઘા બ્રાન્ડના રોજિંદા વપરાશની વસ્તુઓ જેમ કે, સાબુ, શેમ્પૂ વગેરે નાના પેકમાં તેને પોસાય તેવા ભાવે ખરીદવાનું શક્ય બન્યું.
આમ ચિન્ની કૃષ્ણન તમિલનાડુના એક ભારતીય ઉદ્યોગસાહસિકને આધુનિક સેશેટની શોધ કરવાનું શ્રેય આપવામાં આવે છે, જેણે શેમ્પૂ, વાળનાં તેલ જેવાં ઉત્પાદનોના ઓછા વેચાણ મૂલ્યના વેચાણમાં અમૂલ્ય ક્રાંતિ લાવી. નાના, સસ્તા સિંગલ યૂઝ પ્લાસ્ટિક પેકેટમાં પેક કરીને ગરીબો માટે સુલભ બનાવ્યા. તેમણે પ્લાસ્ટિકને સીલ કરવા માટે એક મશીનમાં ફેરફાર કર્યો. શરૂઆતમાં ટેલ્કમ પાઉડર અને એપ્સમ સોલ્ટ માટે અને બાદમાં આ ખ્યાલને પ્રવાહીમાં લાગુ કર્યો, જેનાથી `સેશેટ ક્રાંતિ' શરૂ થઈ. ઘણીવાર સેશેટના શોધક તરીકે સી.કે. રાજકુમાર અથવા તેમના નાના ભાઈ સી.કે. રંગનાથનના નામનો ઉલ્લેખ થાય છે, પરંતુ બંનેમાંથી કોઈ પણ સાચા શોધક નથી. સાચા શોધક તેમના પિતા ચિન્ની કૃષ્ણન હતા. ચિન્ની કૃષ્ણન એક મહાન ઇનોવેટર હતા, પરંતુ એક ગરીબ માર્કેટર હતા. સેશેટમાં ઉત્પાદનો વેચવાનું તેમનું મિશન હતું અને તેઓ તેમના પુત્રોને કહેતા હતા કે, "આ ભવિષ્યનું ઉત્પાદન બનવાનું છે.'' કમનસીબે તેઓ તેમના સ્વપ્નને સાકાર થતા જોવા માટે જીવિત ન રહ્યા.
સેશેટના વ્યવસાયમાં આવ્યાનાં બે વર્ષ પછી જ્યારે ચિન્ની કૃષ્ણનનું 1979માં 48 વર્ષની નાની ઉંમરે અવસાન થયું ત્યારે ખબર પડી કે તેમણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી 2 લાખ રૂપિયાની બેંક લોન લીધી હતી. બેંકે ધમકી આપી હતી કે જો લોન ચૂકવવામાં નહીં આવે તો ગીરવે મુકાયેલા ઘરની હરાજી કરવામાં આવશે. ઘરને બચાવવા માટે તેમના પુત્રો રાજ કુમાર અને અશોક કુમાર, જે અનુક્રમે ડૉક્ટર અને વકીલ હતા, તેમણે પોતાનો વ્યવસાય છોડી ધંધો સંભાળી લીધો. ભલે તેમને આ ક્ષેત્રનું કોઈ પૂર્વ જ્ઞાન ન હતું. તેમણે સેશેટ પેકમાં શેમ્પૂ રજૂ કર્યું, જે તેમણે 2 રૂપિયા પ્રતિ સેશેટના ભાવે વેચ્યું. જેમ જેમ ધંધો વધવા લાગ્યો, તેમણે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ બજારો સુધી પહોંચાડ્યું. 80ના દાયકાની સેશેટ ક્રાંતિની શરૂઆત એક ભારતીય દ્વારા કરવામાં આવી હતી, જેણે વિશ્વભરના ગ્રામીણ બજારોને FMCG કંપનીઓ માટે ખોલવામાં મદદ કરી.