દરેક સોસાયટીમાં એક એવી જગ્યા હોય જ છે જ્યાં સાંજ પડતાં જ “ભારત સરકારની બિનઅધિકૃત કેબિનેટની બેઠક” શરૂ થઈ જાય. ક્યાંક કોમન પ્લોટના બાંકડા પર તો ક્યાંક સોસાયટી બહારના બાંકડા પર. આ બાંકડા બેઠકના કાયમી સભ્યો હોય છે કાકાઓ.

સાંજે પાંચ વાગ્યા પછી ધીમે ધીમે કાકાઓનું આગમન શરૂ થાય. કોઈ હાથમાં છાપું લઈને આવે, કોઈ ગમછો ખભા પર નાખીને આવે. કોઈ વોકિંગના બહાને આવી સીધા બાંકડા પર પાર્ક થઈ જાય. પછી બે કલાક સુધી માત્ર વાતોનું વાવાઝોડું ચાલે.

આ બાંકડા પર બેઠેલા કાકાઓ પાસે દુનિયાના દરેક વિષયનો અનુભવ હોય છે. દેશની ઇકોનોમી કેવી રીતે સુધારવી, ક્રિકેટ ટીમમાં કોને સિલેક્ટ કરવા, મંગળ ગ્રહ પર માણસને મોકલવા શું કરવું જોઈએ? એવા બધા જ વિષયોની જાણકારી એમની પાસે હોય છે. ક્યારેક તો એવું લાગે કે જો સરકાર એક દિવસ માટે આ કાકાઓને દેશ સોંપી દે તો એ લોકો દેશને દસ ટ્રિલિયનની ઈકોનોમી બનાવી નાખે અને પાકિસ્તાન, ચીનની પથારી ફેરવી નાખે.

આ કાકાઓની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ કોઈ પણ ટોપિકને ક્યાંયથી ક્યાંય લઈ જઈ શકે. ચર્ચાની શરૂઆત વરસાદથી થાય... “આ વર્ષે વરસાદ ઓછો પડશે લાગે છે...” પાંચ મિનિટ પછી ચર્ચા પહોંચી જાય - “આજકાલના બાળકોમાં સંસ્કાર જ નથી!” આ બે વચ્ચે શું કનેક્શન હતું એ તો ભગવાન જ જાણે.

બાંકડા પરની બેઠકમાં સૌથી વધારે જોખમ યુવાનોને હોય. કોઈ છોકરો ત્યાંથી પસાર થાય એટલે તરત એની પોલીસ તપાસ શરૂ થાય.

“ક્યાં જાય છે?”, “જોબ કરે છે કે બિઝનેસ?”, “પગાર કેટલો?”, “લગ્નની વાત ક્યાં સુધી પહોંચી?”

જો છોકરો કહે “હજુ વિચારું છું” તો ત્રણ કાકા તરત કરિયર કાઉન્સેલિંગ શરૂ કરી દે.

“સરકારી નોકરી ધી બેસ્ટ”, “ના... ના... બિઝનેસ કર”

“કેનેડા જતો રહે!” બિચારો છોકરો માત્ર દૂધ લેવા નીકળ્યો હોય.

આ કાકાઓનું એક ખાસ આરોગ્ય ખાતું હોય છે. એક કાકા રોજ કહે - “સવારે ગરમ પાણી પીવો, શરીર સાફ રહે.” બીજા તરત વિરોધ કરે:

“ના ભાઈ, હું તો ઠંડું પાણી પીઉં છું. મને કંઈ થતું નથી!” ત્રીજા ગર્વથી કહે: “હું તો ત્રીસ વર્ષથી દરરોજ પલાળેલી મેથી ખાઉં છું.” અને પછી આવે ઐતિહાસિક ડાયલોગ - “અમારા જમાનામાં...”

આ શબ્દો પછી કોઈ ભેદી સમયગાળાની વાતો શરૂ થાય. “અમારા જમાનામાં પાંચ રૂપિયામાં આખું અઠવાડિયું નીકળી જતું!”, “અમારા જમાનામાં મોબાઈલ નહોતા છતાં લોકો ખુશ હતા!”, “અમારા જમાનામાં વડીલોનું સન્માન હતું!” આ સાંભળી એ અત્યારની જેન-ઝી પ્રજાને શંકા પડે કે આ કાકાઓ હડપ્પાની સંસ્કૃતિના તો નથી ને?

સોસાયટીમાં કોઈ નવી કાર આવે એટલે ઝીણવટભરી તપાસ શરૂ થાય.

“લોન પર લીધી હશે...”

“ધંધો સારો ચાલતો હોય એવું લાગે છે...”

“ફેન્સી નંબર લીધો છે એટલે જાડી નોટો લાગે છે!”

એક કાકા તો કારના ટાયર જોઈને જ માલિકની આર્થિક પરિસ્થિતિનું વિશ્લેષણ કરી નાખે.

એમનું ગોસીપ નેટવર્ક તો ગજબ હોય છે. કોના ઘરે મહેમાન આવ્યા, કોણ બહારગામ ગયા, કોણે ઑનલાઇન શું મંગાવ્યું એ બધાની એમને ખબર હોય છે અને સોસાયટીમાં કોનું ચક્કર કોની સાથે ચાલે છે એ તો એમની ચર્ચાનો હોટ ટોપિક હોય છે.

પણ સાચું કહીએ તો આ બાંકડા પર બેઠેલા કાકાઓ સોસાયટીની રોનક હોય છે. તેઓ વગર સોસાયટી સૂની લાગે છે. બાળકો રમે ત્યારે નજર રાખે, કોઈને મદદ જોઈએ પહોંચી જાય, કોઈને દવાખાને જવું હોય તો થઈ જાય.

હા, સાથે થોડી સલાહો આપે, પ્રશ્નો પણ પૂછે... પણ એ બાંકડા પર બેઠેલી એમની મંડળીમાં એક અલગ જ ઉષ્મા હોય છે.

દોસ્તો, ગૂગલ પછી જો કોઈ સૌથી મોટું ઇન્ફર્મેશન સેન્ટર હોય તો એ સોસાયટીના બાંકડા પર બેઠેલા કાકાઓ જ છે! બોલો બાંકડા બહાદુરોની જય.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો