આજે વાત કરીશું એક એવા મસમોટા ખાડાની, જે છેલ્લા થોડાં વર્ષોથી પોતાનું કદ વધારી રહ્યો છે. ખાડા માટે ક્રેટર શબ્દ વપરાય છે.
સામાન્ય રીતે વૈજ્ઞાનિકોને ચંદ્રના ખાડાઓમાં (મૂન ક્રેટર્સ) રસ પડે છે, કારણ કે આ ખાડાઓના અભ્યાસ દ્વારા ચંદ્રના ઇતિહાસથી માંડીને બંધારણ (ફોર્મેશન) સુધીની ઘણી બધી માહિતીઓ મળી શકે, પણ આજે જે ખાડાની વાત કરવાની છે, એ બટાગાઇકા ક્રેટર ચંદ્ર પર નહિ, આપણી પૃથ્વી ઉપર જ આવેલો છે.
બટાગાઈકા સાઈટ રશિયાના સાઈબીરિયા પ્રદેશના વર્ખોયાન્સ જિલ્લામાં છે. અહીં તીવ્ર ઠંડી પડે છે. સ્વાભાવિક છે કે હજારો વર્ષોથી પડતી તીવ્ર ઠંડી અને નીચા તાપમાનને કારણે અહીં બરફના થરના થર જામી ગયા હોય! બરફના આવા થરને `પર્માફ્રોસ્ટ' કહેવાય અને અમુક વાર એમ બને કે વાતાવરણીય બદલાવને કારણે તાપમાનમાં વધારો થતાં આ પોપડાનો અમુક હિસ્સો પીગળે અને મોટો ખાડો બની જાય. આવા ખાડાને પર્માફ્રોસ્ટ ક્રેટર કહેવાય. આપણે જેની વાત કરી રહ્યા છીએ એ બટાગાઇકા પણ મૂળભૂત રીતે એક પર્માફ્રોસ્ટ ક્રેટર છે. આ ખાડો પૃથ્વી ઉપરનો સૌથી મોટો અને જૂનો બર્ફીલો ખાડો છે. સામાન્ય રીતે આવા ક્રેટર કોઈ ઉલ્કાપાત કે જ્વાળામુખીને (જેમ ચંદ્રના કિસ્સામાં જોવા મળે છે એમ) કારણે બનતા હોય છે. પણ બટાગાઇકા ક્રેટર થર્મોકાર્સ્ટ પ્રક્રિયાનું પરિણામ છે. 1960ના દાયકામાં આ વિસ્તારમાં જંગલો કાપી નાખવામાં આવ્યાં! જેના કારણે જમીન પર સૂર્યનાં કિરણો સીધાં પડવા લાગ્યાં. આનાથી આ વિસ્તારની ગરમી વધી અને પર્માફ્રોસ્ટ ઓગળવા લાગ્યો. જેમ જેમ બરફ ઓગળ્યો, તેમ તેમ જમીન ધસતી ગઈ અને એક વિશાળ ખાડો બનતો ગયો. આજે આ ખાડો મેગાસ્લમ્પ કહેવાય છે, કેમ કે તે વિશ્વનું સૌથી મોટું થર્મોકાર્સ્ટ ડિપ્રેશન છે.
આવડો મોટો ખાડો!
જો કદની દૃષ્ટિએ જોઈએ તો બટાગાઇકા ક્રેટરની લંબાઈ લગભગ 1 કિલોમીટર(0.6 માઇલ)થી વધુ છે અને એની પહોળાઈ છે આશરે 800 મીટર જેટલી. આપણાં શહેરોની મ્યુનિસિપાલિટીઓવાળા અથાક પ્રયત્નો કરવા છતાં આવડો લાંબો-પહોળો ખાડો બનાવી નથી શક્યા! ઓકે, જોક્સ અપાર્ટ, બટાગાઇકા ક્રેટરની મૂળ ખાસિયત છે એની ઊંડાઈ. આ ક્રેટર લગભગ 100 મીટર - એટલે કે આશરે સવા ત્રણસો ફૂટ જેટલું ઊંડો છે. બીજા શબ્દોમાં કહીએ તો પાંત્રીસેક માળની બિલ્ડિંગ આ ખાડામાં આરામથી સમાઈ જાય! અને હજી તો આ ખાડો પ્રતિદિન મોટો થતો જાય છે. વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ બટાગાઇકા ક્રેટરમાં દર વર્ષે લગભગ 1 મિલિયન ક્યૂબિક મીટર (35 મિલિયન ક્યૂબિક ફૂટ) જમીન ધસી પડે છે! 1991થી 2024 સુધીમાં તેનું કદ ત્રણ ગણું થઈ ગયું છે. એટલુ જ નહિ પણ 2024-2025ના અભ્યાસો અનુસાર તેની વૃદ્ધિ હજુ પણ ઝડપી બની રહી છે.
ઓકે, પણ એનું શું?
આટલું સમજી લીધા પછી હવે પ્રશ્ન એ છે કે રશિયાના બર્ફીલા પ્રદેશમાં ગમે એવડો મોટો ખાડો પડે અને રોજ પોતાનું કદ વધારતો રહે એમાં આપણે કેટલા ટકા? મુદ્દાની વાત હવે આવે છે. આ ક્રેટરની દીવાલોમાં બે-પાંચ નહિ પણ પૂરા સાડા છ લાખ વર્ષ જૂનો પર્માફ્રોસ્ટ ખુલ્લો થયો છે! અહીંથી Ice Ageના જીવોના અવશેષો મળે છે. જેમાં મેમથ હાથી, ઘોડા તેમજ બાઇસન નામક પ્રાણીનાં હાડકાં અને બરફમાં સારી રીતે સચવાયેલા છોડનો સમાવેશ થાય છે. સ્વાભાવિક છે કે આ બધા અવશેષો જીવવિજ્ઞાનીઓ માટે તો મોટો ખજાનો ગણાય. પરંતુ બટાગાઇકા ક્રેટરની કેટલીક બાબતો ચિંતા ઉપજાવે એવીય છે. અહીં સતત ઓગળી રહેલા પર્માફ્રોસ્ટમાંથી પ્રાચીન સમયથી જળવાયેલા કાર્બન અને મિથેન જેવા ગેસીસ પણ મુક્ત થાય છે. એક અંદાજ મુજબ દર વર્ષે 4,000-5,000 ટન ઓર્ગેનિક કાર્બન (TOC અને DOC) વાતાવરણમાં જાય છે, જે મિથેન અને કાર્બન ડાયોક્સાઈડમાં (COD) ફેરવાઈને ગ્લોબલ વોર્મિંગને વધુ ઝડપી બનાવે છે. અને ગ્લોબલ વોર્મિંગને પ્રતાપે આજુબાજુના વિસ્તારોમાં બરફ પીગળવાની પ્રક્રિયા વધારે ઝડપી બને છે. આમ, આખું એક વિષચક્ર શરૂ થઇ ચૂક્યું છે. વૈજ્ઞાનિકો કહે છે કે આ વિષચક્રને પ્રતાપે આગામી
વર્ષોમાં આવા વધુ મોટા સ્લમ્પ્સ બની શકે છે.
આ પરિસ્થિતિને કારણે જ વૈજ્ઞાનિકોએ બટાગાઇકા ક્રેટરને `નર્કનું દ્વાર' (Gateway to Hell) જેવું નામ આપ્યું છે. બટાગાઇકા સૌથી મોટું ભલે હોય, પણ એ કંઈ એકમાત્ર ક્રેટર નથી. સાઇબેરિયા, અલાસ્કા અને કેનેડામાં અનેક પ્રકારના ક્રેટર્સ અને મેગાસ્લમ્પ્સ જોવા મળે છે, જે પર્માફ્રોસ્ટ ઓગળવાના કારણે બને છે. ટૂંકમાં, વાતાવરણીય પ્રદૂષણની વાત નીકળે ત્યારે આપણે ઇન્ડસ્ટ્રિયલ પ્રદૂષણ અને વાહનોના ધુમાડા સુધી વિચારીને અટકી જઈએ છીએ, પણ લાંબું વિચારતાં સમજાશે કે ખુદ કુદરત પણ પર્યાવરણીય બદલાવમાં આપણી કલ્પનાશક્તિ કરતાં ઘણો મોટો ફાળો આપી રહી છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
