1970ના દાયકાની શરૂઆત હતી. અમેરિકાના પેસેફિક નોર્થવેસ્ટના શાંત અને હરિયાળાં રાજ્યોમાં એક અજીબ, પરંતુ ડરનો માહોલ છવાઈ રહ્યો હતો.

અચાનક જ શહેરની સુંદર અને યુવાન મહિલાઓ ગાયબ થવા લાગી હતી, કોઈ નિશાન વગર, કોઈ પુરાવા વગર. પોલીસ પણ મૂંઝવણમાં હતી. શું આ કોઈ સંયોગ હતો? કે પછી કોઈ ભયાનક શિકારી છુપાયેલો હતો? આ ડરનું નામ હતું: થિયોડોર રોબર્ટ બંડી ઉર્ફે ટેડ બંડી.

વર્ષ 1974, વોશિંગ્ટન રાજ્ય. સિયાટલની આસપાસના વિસ્તારોમાં એક પછી એક યુવાન છોકરીઓ ગાયબ થવા લાગી. જાન્યુઆરીમાં 18 વર્ષની લિન્ડા એન હીલી કે જે વોશિંગ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી તે તેના રૂમમાંથી ગાયબ થઈ ગઈ. થોડા મહિના પછી એપ્રિલમાં 20 વર્ષની ડોના ગેઇલ મેન્સન પણ અચાનક અદૃશ્ય થઈ ગઈ. મે મહિનામાં સુસાન એલેઇન રેન્કિન અને બ્રેન્ડા કેરોલ બાલ્કિન પણ ગાયબ થઈ ગઈ. આ ઘટનાઓ એક પછી એક બનતી ગઈ અને ત્યારે છેક સ્થાનિક પોલીસને સમજાયું કે આ કોઈ સામાન્ય ગુમ થવાનો કેસ નથી.

આ ગુમ થયેલી છોકરીઓ વચ્ચે એક વિચિત્ર સમાનતા હતી : તેઓ બધી જ સુંદર, ભણેલી અને યુવાન હતી. પોલીસ પાસે કોઈ નક્કર પુરાવા નહોતા. કોઈ સાક્ષી નહોતો. કોઈ શંકાસ્પદ વ્યક્તિ નહોતો. માત્ર એક અજાણ્યો ડર હતો કે જે સિયાટલના વાતાવરણમાં ફેલાઈ રહ્યો હતો. આ જ સમયે ટેડ બંડી એક દેખાવડો, આકર્ષક અને બુદ્ધિશાળી કાયદાનો વિદ્યાર્થી, વોશિંગ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. તે કોઈના પણ ધ્યાનમાં નહોતો. તેની છબી એક ભલા અને મદદગાર યુવાનની હતી, જે કોઈ પણ છોકરીને આકર્ષિત કરી શકે.

જુલાઈ, 1974માં લેક સેમ્મામિશ સ્ટેટ પાર્ક ખાતે એક ભયાનક ઘટના બની. બે યુવાન છોકરીઓ જેની ઓટ અને ડેનિસ નસલુન્ડ ધોળા દિવસે ગાયબ થઈ ગઈ. સાક્ષીઓએ એક યુવાનને જોયો હતો, જેણે પોતાનો હાથ પ્લાસ્ટરથી બાંધેલો હતો અને મદદ માટે કોઈને કહી રહ્યો હતો. તેણે છોકરીઓને પોતાની પીળી ફોક્સવેગન બીટલ કારમાં સામાન ઉપાડવામાં મદદ કરવા વિનંતી કરી હતી. આ વર્ણન ભવિષ્યમાં ટેડ બંડીની ઓળખ બનવાનું હતું, પરંતુ તે સમયે કોઈને ખબર નહોતી કે આ સુંદર યુવાન જ આ ભયાનક ગુનાઓ પાછળનો માસ્ટરમાઇન્ડ હતો.

ટેડ બંડીની ગુના કરવાની રીત અત્યંત ચાલાકીભરી અને ઠંડા કલેજાની હતી. તે હંમેશાં પોતાની નિર્દોષ છબીનો ઉપયોગ કરતો. તે ઘણીવાર પોતાને ઈજાગ્રસ્ત બતાવતો. હાથમાં પ્લાસ્ટર, પગમાં પાટો અને યુવાન મહિલાઓ પાસેથી મદદ માટે વિનંતી કરતો. તેની પીળી ફોક્સવેગન બીટલ કાર તેની ઓળખ બની ગઈ હતી. એકવાર યુવતીઓ તેની મદદ કરવા માટે કાર પાસે આવતી અને ત્યારબાદ તે તેમને બળજબરીથી કારમાં ખેંચી લેતો અને તેમને નિર્જન સ્થળોએ લઈ જઈને તેમની હત્યા કરતો.

કેટલીકવાર તે પોલીસ ઓફિસર કે ફાયરમેનનો વેશ ધારણ કરતો, જેથી છોકરીઓ તેના પર વિશ્વાસ કરી શકે. તે હંમેશાં એવી જગ્યાઓ પસંદ કરતો જ્યાં લોકોની અવરજવર ઓછી હોય. જેમ કે પાર્કિંગ લોટ, યુનિવર્સિટી કેમ્પસ કે વન્ય વિસ્તારો. તે યુવતીઓને એટલી ડરાવી દેતો કે તેઓ પ્રતિકાર પણ કરી શકતી નહોતી. તેના ગુનાઓ અત્યંત ક્રૂર અને હિંસક હતા, પરંતુ તે કોઈ પુરાવા છોડતો નહોતો. તે એટલો સાવધ હતો કે પોલીસને કોઈ કડી મળતી નહોતી.

1974ના અંત સુધીમાં વોશિંગ્ટન અને ઓરેગોનમાં ઓછામાં ઓછી છ મહિલાઓ ગાયબ થઈ ગઈ હતી અને તેમની લાશો પછીથી મળી આવી હતી. તે દર્શાવતી હતી કે તેમની સાથે બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આ કેસોમાં કોઈ સ્પષ્ટ જોડાણ ન હોવાને કારણે પોલીસ વિભાગો અલગ-અલગ રીતે કામ કરી રહ્યા હતા અને તેમને ખબર નહોતી કે તેઓ એક જ સીરિયલ કિલરનો સામનો કરી રહ્યા છે.

વર્ષ 1974ના અંતમાં ટેડ બંડી યુટાહ રાજ્યમાં સ્થાયી થયો, જ્યાં તેણે યુટાહ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો, પરંતુ તેની ગુનાહિત પ્રવૃત્તિઓ ત્યાં પણ ચાલુ રહી. નવેમ્બર, 1974માં 17 વર્ષની ડેબ્રા કેન્ટર સોલ્ટ લેક સિટીમાં ગાયબ થઈ ગઈ. થોડાં અઠવાડિયાં પછી 18 વર્ષની મેલિસા સ્મિથ પણ ગાયબ થઈ. યુટાહમાં પણ મહિલાઓ ગાયબ થવા લાગી હતી અને આ પેટર્ન વોશિંગ્ટનની ઘટનાઓ જેવી જ હતી.

1975ની શરૂઆતમાં ટેડ બંડીએ કોલોરાડોમાં પણ ગુનાઓ કર્યા. જાન્યુઆરી 1975માં 23 વર્ષની કેરીન કેમ્પબેલ સ્કી રિસોર્ટમાં રજાઓ ગાળવા આવેલી અને તે પણ અચાનક જ ગાયબ થઈ ગઈ. તેની લાશ પછીથી મળી આવી અને તેના પર થયેલા અત્યાચાર વોશિંગ્ટન અને યુટાહની પીડિતો જેવા જ હતા. હવે ત્રણ રાજ્યોમાં એક જ પ્રકારના ગુનાઓ બની રહ્યા હતા અને પોલીસને ધીમે ધીમે સમજાયું કે આ કોઈ એક વ્યક્તિનું કામ હોઈ શકે છે.

ઓગસ્ટ, 1975માં યુટાહના ગ્રેટર સોલ્ટ લેક સિટી વિસ્તારમાં એક પોલીસ ઓફિસર, બોબ હેવર, રાત્રિ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તેમણે એક પીળી ફોક્સવેગન બીટલને શંકાસ્પદ રીતે ફરતી જોઈ. કારનો ડ્રાઈવર અચાનક ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો. હેવરે તેનો પીછો કર્યો અને તેને રોક્યો. ડ્રાઈવર ટેડ બંડી હતો. જ્યારે હેવરે કારની તપાસ કરી, ત્યારે તેને આઘાત લાગ્યો. કારમાં હેન્ડકફ્સ, આઈસ પિક, મોજાં, માસ્ક અને અન્ય શંકાસ્પદ સાધનો મળી આવ્યાં. આ સાધનો સીરિયલ કિલરનાં સાધનો જેવાં જ હતાં. બંડીએ દાવો કર્યો કે તે સ્કિઇંગ માટેનાં સાધનો હતાં, પરંતુ હેવરને તેની વાત પર વિશ્વાસ ન આવ્યો. બંડીની ધરપકડ કરવામાં આવી, પરંતુ માત્ર શંકાસ્પદ સાધનો રાખવા બદલ.

આ ધરપકડથી પોલીસને એક મોટી કડી મળી. બંડીની કાર અને તેના વર્ણન વોશિંગ્ટન અને યુટાહમાં ગુમ થયેલી મહિલાઓના કેસો સાથે મળતા આવતા હતા. ફોરેન્સિક તપાસમાં તેની કારમાં વાળ અને કપડાના અવશેષો મળી આવ્યા કે જે ગુમ થયેલી છોકરીઓના હોવાની શક્યતા હતી. ધીમે ધીમે ટેડ બંડીનું નામ સીરિયલ કિલર તરીકે ઊભરી આવ્યું.

ટેડ બંડી પર યુટાહમાં અપહરણનો આરોપ મૂકવામાં આવ્યો અને તેને દોષિત ઠેરવવામાં આવ્યો. તેને 15 વર્ષની જેલની સજા થઈ, પરંતુ આટલેથી વાત અટકી નહીં. કોલોરાડો પોલીસે તેને કેરીન કેમ્પબેલની હત્યાના કેસમાં શંકાસ્પદ તરીકે ઓળખાવ્યો. 1977માં તેને કોલોરાડોમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યો જેથી તેના પર કેરીન કેમ્પબેલની હત્યાનો કેસ ચાલી શકે.

કોલોરાડોના ગ્રાન્ડ જંક્શનમાં ટેડ બંડીની ટ્રાયલ શરૂ થઈ. ટેડ બંડી કે જે કાયદાનો વિદ્યાર્થી હતો એટલે તેણે પોતાનો બચાવ જાતે જ કરવાનું નક્કી કર્યું. તેને કોર્ટહાઉસની લાઇબ્રેરીમાં કાયદાનાં પુસ્તકો વાંચવાની પરવાનગી આપવામાં આવી. આ એક મોટી ભૂલ સાબિત થઈ.

7 જૂન, 1977ના રોજ ટેડ બંડી કોર્ટહાઉસની લાઇબ્રેરીની બારીમાંથી કૂદીને ભાગી છૂટ્યો. તે એક સાહસિક પલાયન હતું.

પોલીસ અને એફબીઆઈ તેની શોધમાં લાગી ગયા. આખા દેશમાં તેના પોસ્ટર લગાવવામાં આવ્યા, પરંતુ બંડી ચતુર હતો. તે છ અઠવાડિયાં સુધી છુપાયેલો રહ્યો અને આ સમયગાળા દરમિયાન તેણે વધુ એક હત્યા કરી હોવાનું મનાય છે. આખરે તેને ફ્લોરિડામાં એક ટ્રાફિક સ્ટોપ દરમિયાન ફરીથી પકડવામાં આવ્યો. તેને ફરીથી કોલોરાડોની જેલમાં લાવવામાં આવ્યો.

ટેડ બંડીને કોલોરાડોની ગારફિલ્ડ કાઉન્ટી જેલમાં રાખવામાં આવ્યો હતો, જે એક ઉચ્ચ સુરક્ષાવાળી જેલ હતી, પરંતુ બંડી હાર માનવા તૈયાર નહોતો. તેણે જેલની છતમાં એક છિદ્ર બનાવવાનું શરૂ કર્યું. ક્રિસમસની પૂર્વસંધ્યા 30 ડિસેમ્બર, 1977ના રોજ જ્યારે જેલના ગાર્ડ્સ રજાના મૂડમાં હતા, ત્યારે બંડી છતમાંથી ભાગી છૂટ્યો. આ તેનું બીજું અને અંતિમ પલાયન હતું.

આ વખતે બંડીએ કોલોરાડો છોડી દીધું અને ફ્લોરિડા તરફ પ્રયાણ કર્યું. તેણે પોતાનું નામ બદલીને `ક્રિસ હેગન' રાખ્યું અને ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી (FSU) નજીક એક રૂમ ભાડે લીધો. ફ્લોરિડામાં કોઈને તેના ભૂતકાળ વિશે ખબર નહોતી.

15 જાન્યુઆરી, 1978ના રોજ ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના ચી ઓમેગા સોરોરિટી હાઉસમાં એક ભયાનક ઘટના બની. ટેડ બંડી રાત્રે સોરોરિટી હાઉસમાં ઘૂસી ગયો. તેણે ચાર યુવાન મહિલાઓ પર હુમલો કર્યો : લિસા લેવી, માર્ગારેટ બોમેન, કેથી ક્લેઇન અને કેરેન ચૅન્ડલર. લિસા લેવી અને માર્ગારેટ બોમેનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. કેથી ક્લેઇન અને કેરેન ચૅન્ડલર ગંભીર રીતે ઘાયલ થઈ, પરંતુ તેઓ બચી ગઈ. આ હુમલાઓ અત્યંત ક્રૂર અને હિંસક હતા અને તેણે આખા દેશને હચમચાવી દીધો.

તે જ રાત્રે બંડીએ નજીકના રૂમમાં રહેતી 21 વર્ષની નર્સિંગ વિદ્યાર્થિની શેરી કેમ્પબેલ પર પણ હુમલો કર્યો, પરંતુ તે પણ બચી ગઈ.

આ ઘટનાઓ પછી ફ્લોરિડામાં ભયનો માહોલ છવાઈ ગયો. પોલીસને ખબર નહોતી કે આ કોણ કરી રહ્યું છે, પરંતુ તેમને શંકા હતી કે આ કોઈ સીરિયલ કિલરનું કામ છે.

15 ફેબ્રુઆરી, 1978ના રોજ ફ્લોરિડાના પેન્સાકોલામાં એક પોલીસ ઓફિસર ડેવિડ લી, રાત્રિ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તેમણે એક શંકાસ્પદ પીળી ફોક્સવેગન બીટલને જોઈ. કારની લાયસન્સ પ્લેટ ચોરાયેલી હતી. લીએ કારને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડ્રાઈવર ભાગી છૂટ્યો. એક ટૂંકા પીછો કરી લીએ કારને રોકી અને ડ્રાઈવરને પકડ્યો. ડ્રાઈવર બીજો કોઈ નહીં ટેડ બંડી જ હતો.

આ વખતે બંડી પાસે કોઈ છુપાવવાની જગ્યા નહોતી. તેની કારની તપાસ કરવામાં આવી અને તેમાં ચી ઓમેગા હુમલાઓ સાથે સંબંધિત પુરાવા મળી આવ્યા. તેની ફિંગરપ્રિન્ટ્સ અને દાંતનાં નિશાન (બાઇટ માર્ક્સ) લિસા લેવીના શરીર પર મળી આવ્યાં હતાં, જે નિર્ણાયક પુરાવા બન્યા. આખરે ટેડ બંડીની અંતિમ ધરપકડ થઈ.

ટેડ બંડી પર ફ્લોરિડામાં ચી ઓમેગા હુમલાઓ અને કિમ્બર્લી લીચની હત્યાના આરોપો મૂકવામાં આવ્યા. તેના ટ્રાયલ અત્યંત હાઈ-પ્રોફાઈલ બન્યા અને મીડિયાનું વ્યાપક ધ્યાન ખેંચ્યું. બંડીએ ફરીથી પોતાનો બચાવ જાતે જ કરવાનું પસંદ કર્યું, જે એક વિચિત્ર નિર્ણય હતો. જુલાઈ, 1979માં લિસા લેવી અને માર્ગારેટ બોમેનની હત્યાના કેસમાં ટેડ બંડીનો ટ્રાયલ શરૂ થયો. પુરાવા અત્યંત મજબૂત હતા. બાઇટ માર્ક્સ, સાક્ષીઓની જુબાની અને ફોરેન્સિક પુરાવાઓએ બંડીને દોષિત ઠેરવ્યો. 24 જુલાઈ, 1979ના રોજ જ્યૂરીએ તેને દોષિત ઠેરવ્યો અને તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી.

ટેડ બંડીએ તેની સજા સામે વર્ષો સુધી અપીલ કરી. તેણે વિવિધ કાનૂની દાવપેચ કર્યા, પરંતુ તેની અપીલો સતત નકારવામાં આવી. ફ્લોરિડાની ડેથ રો પર તેના છેલ્લાં વર્ષો દરમિયાન તેણે ઘણા ગુનાઓની કબૂલાત કરી.

ફાંસી પહેલાંના દિવસોમાં તેણે ડિટેક્ટિવ્સ અને મનોવૈજ્ઞાનિકો સાથે વાત કરી. તેણે 30થી વધુ હત્યાઓની કબૂલાત કરી. જોકે, વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હોવાનું મનાય છે. તેણે પોતાની ગુના કરવાની રીતો, પીડિતોને કેવી રીતે પસંદ કરતો હતો અને ગુનાઓ પછી કેવી રીતે પુરાવા નષ્ટ કરતો હતો તે વિશે વિગતવાર માહિતી આપી. તેની કબૂલાતોએ ઘણા વણઉકેલાયેલા કેસોને ઉકેલવામાં મદદ કરી.

24 જાન્યુઆરી, 1989ના રોજ ટેડ બંડીને ફ્લોરિડા સ્ટેટ પ્રિઝનમાં ઇલેક્ટ્રિક ખુરશી પર ફાંસી આપવામાં આવી. તેની ફાંસી પહેલાં જેલની બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. તેઓ બંડીના મૃત્યુની ઉજવણી કરવા આવ્યા હતા. `બર્ન, બંડી, બર્ન'ના નારા લગાવવામાં આવ્યા. તેની ફાંસીએ એક દાયકાથી ચાલી રહેલી ભયાનક ગાથાનો અંત આણ્યો. ટેડ બંડી, જે એક સમયે એક આશાસ્પદ કાયદાનો વિદ્યાર્થી હતો, તે અમેરિકાના ઇતિહાસનો સૌથી કુખ્યાત સીરિયલ કિલર બન્યો.