કાશ્મીરના પમ્પુર અને જમ્મુના કિશનવાડ નામના પ્રદેશોમાં જ કેસરના દોઢ ફૂટ ઊંચા બહુવર્ષાયુ છોડનું વાવેતર કરવામાં આવે છે. ફ્રાંસ, ઇટાલી, સ્પેન, ગ્રીસ, ચીન, તુર્કી વગેરે દેશોમાં પણ તેની ખેતી થાય છે.
આયુર્વેદ પ્રમાણે કેસર સ્વાદમાં કડવું અને તીખું, ગરમ, ભૂખ લગાડનાર, પચવામાં હળવું, ત્રિદોષનાશક (મુખ્યત્વે વાયુ અને કફનાશક), ચેતાતંત્રને ઉત્તેજિત કરનાર, મગજને બળ આપનાર, હૃદય અને આંખો માટે હિતકારી, રક્તને સુધારનાર, વાજીકરણ, ગર્ભાશય સંકોચક અને કડવું છતાં પૌષ્ટિક છે. તે અગ્નિમાંદ્ય, સોજા, હૃદયની દુર્બળતા, રક્તવિકારો, માસિક સંબંધી પીડા, તાવ, આંચકી, પ્રદર રોગ, શ્વાસ રોગ અને આમવાતનો નાશ કરનાર છે.
ઉપયોગ
વાયુ અને કફના રોગો માટે કેસર સર્વોત્તમ છે. શરદી-ખાંસી, તાવ અને વાઇરલ રોગોમાં તે ઉત્તમ પરિણામ આપે છે. એન્ટિ-ઓક્સિડન્ટ હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે તથા ત્વચા અને અન્ય અંગોને યુવાન રાખે છે. કોઈ પણ વ્યક્તિને ઉપરોક્ત શ્વસનતંત્રને લગતાં કોઈ અસામાન્ય લક્ષણો જણાય તો કેસરનો આ પ્રમાણે ઉપયોગ કરી શકે છે. કેસર અને હળદર દૂધમાં મેળવીને ગરમ કરીને સુખોષ્ણ થાય એટલે ધીમે ધીમે પીવાથી ગળા અને ફેફસાના રોગોમાં લાભ થાય છે. ન મટતી હોય એવી શરદી-ખાંસી, તાવ મટે છે. બાળકોને અધિક તકલીફમાં આ ઉપચારની સાથે જાયફળ અને કેસર પાણીમાં ઘસીને કપાળ, નાક અને છાતી પર લેપ કરવો.
કેસર માસિક સંબંધી તકલીફોનું ઉત્તમ ઔષધ છે. જે સ્ત્રીઓને માસિક ઓછું આવતું હોય કે ખૂબ જ પીડા સાથે આવતું હોય તેમણે આ પ્રમાણે ઉપચાર કરવો. એક ગ્રામ કેસર અને થોડું કપૂર લઈ બંનેને ગરમ કરી પાણીમાં ભેગાં લસોટી લેવાં. આ પાણી માસિક આવવાના ત્રણ દિવસ પહેલાંથી સવાર-સાંજ લેવું. દુખાવા વગર માસિક ખુલાસાથી આવશે.
ઘણી વખત ગર્ભાવસ્થા દરમ્યાન અકસ્માતે પેટમાં સામાન્ય દુખાવા સાથે થોડો રક્તસ્રાવ થતો હોય છે. આવા રક્તસ્રાવ પર કેસર ઉત્તમ પરિણામ આપે છે. 1થી 2 ગ્રામ કેસર અડધા કપ માખણમાં મેળવી, તેમાં થોડી સાકર નાખીને દર ત્રણ-ચાર કલાકે આપવું. સંપૂર્ણ આરામ કરવો. દુખાવો ઓછો થઇ રક્તસ્રાવ બંધ થવા લાગશે.
કેસર સાથે બીજાં ઔષધો પ્રયોજીને કુંકુમાદિ તેલ બનાવવામાં આવે છે. આ ઔષધ અત્યંત સૌંદર્યવર્ધક હોવાથી ખૂબ જ પ્રસિદ્ધ છે. (બજારમાં આ તેલ તૈયાર મળી રહે છે.) ચહેરા પરના અને આંખો નીચેનાં કાળાં ડાઘ-કુંડાળાં, ખીલ, ખીલના ડાઘ સાથે ચામડીના વિવિધ રોગો પર આ તેલ લગાવવાથી કે તેની માલિશ કરવાથી ઉત્તમ પરિણામ મળે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો