દેખીતી રીતે જ બિમલ રોય જેવા સંવેદનશીલ અને સાહિત્ય પ્રેમી ફિલ્મનિર્માતા-નિર્દેશકનું ધ્યાન આ વાર્તા પર પડે જ. 1960માં તેમણે આ વાર્તાને એ જ નામથી રૂપેરી પડદા પર ઢાળી. વાર્તાને અજવાળવા માટે તેમાં હતાં સુનિલ દત્ત અને નંદા. સંગીત હતું સલિલ ચૌધરીનું અને ગીત હતાં શૈલેન્દ્રનાં.
બિમલદા બે વર્ષ પહેલાં જ સુપરહિટ `મધુમતી' (અને પાંચ વર્ષ પહેલાં `દેવદાસ') બનાવી ચૂક્યા હતા. એટલે `ઉસને કહા થા' જેવી એકદમ સાહિત્યિક રચના માટે તેમણે નિર્દેશનની કમાન તેમના સહાયક મોની ભટ્ટાચાર્યને કેમ સોંપી તે રહસ્ય છે. કદાચ તેઓ ભટ્ટાચાર્યને સ્વતંત્ર નિર્દેશક તરીકે આગળ કરવા ઈચ્છતા હશે અને થયું પણ એવું. `ઉસને કહા થા' પછી ત્રીજા જ વર્ષે તેમણે સુનીલ દત્ત સાથે એવોર્ડ વિજેતા `મુઝે જીને દો' આપી.
બહરહાલ, ભટ્ટાચાર્યએ નિર્દેશક તરીકે તેમના પહેલા જ સાહસ `ઉસને કહા થા'માં બિમલદાના વિશ્વાસને પુરવાર કર્યો. વાર્તા બહુ સાદી પણ સશક્ત હતી. તે એક એવા વચનની વાર્તા હતી, જે કોઈ પ્રેમ-પત્રની જેમ નહીં, પણ કોઈ સૈનિકની પ્રતિજ્ઞાની જેમ નિભાવવામાં આવે છે. વાર્તાઓની શરૂઆત ઘણીવાર બહુ સાધારણ ક્ષણથી થાય છે અને એ ક્ષણ આગળ જઈને આખી જિંદગીનો અર્થ બની જાય છે.
એક નાનકડા કસબામાં વિધવા માતા (દુર્ગા ખોટે) સાથે રહેતો નંદુ (સુનીલ દત્ત) શરારતી પણ છે અને નિષ્કપટ પણ. તેની દુનિયા નાની છે - એક માં છે, થોડાક દોસ્તો છે અને અડોશપડોશની ગલીઓ. એ જ ગલીઓમાં તેની મુલાકાત કમલી (નંદા) નામની છોકરી સાથે થાય છે. પિતાની ગેરહાજરીમાં કાકા સાથે રહેતી કમલી તેની જેમ જ માસૂમ જિજ્ઞાસા અને સહજ આત્મીયતાવાળી છે.
બંને વચ્ચે પહેલાં થોડી શરારત, પછી હસી-મજાક અને ધીરે-ધીરે અવ્યક્ત સ્નેહ વિકસે છે. બાળપણની આ દોસ્તી આગળ જઈને પ્રેમમાં ફેરવાઈ જાય છે, પરંતુ જીવનના રસ્તાઓ હમેશાં સરળ નથી હોતા.
નંદુ અને કમલી તેમના સહિયારા ભવિષ્યનાં સપનાં જોઈ રહ્યાં હોય છે, ત્યારે જ સમાજ તેની કઠોર હાજરી પુરાવે છે. કમલીનો પરિવાર સમૃદ્ધ છે, નંદુનો ગરીબ. નંદુની મા દીકરા માટે કમલીનો હાથ માંગવા જાય છે, ત્યારે તેને કમલીના કાકા હડધૂત કરીને કાઢી મૂકે છે.
માના આ અપમાનથી નંદુ ધૂંધવાઈ ઊઠે છે. તે નક્કી કરે છે કે તે તેની મહેનતથી તેનું કિસ્મત બનાવશે. નંદુ એ આશામાં સૈન્યમાં ભરતી થઇ જાય છે કે કદાચ એ વર્દીના કારણે તેને એ સમાજમાં સન્માન (અને કમલી) મળશે જે તેને તુચ્છ ગણે છે.
આ નિર્ણય કેવળ કરિયર માટે નહોતો, તે એક ઘાયલ પ્રેમીનો નિર્ધાર હતો, પરંતુ તે જ્યારે પાછો આવે છે ત્યારે સમય તેની ક્રૂર રમત રમી ચૂક્યો હોય છે. કમલીનાં લગ્ન થઇ ગયાં હોય છે. આ સચ્ચાઈ નંદુ પર ભારે પથ્થરની જેમ પડે છે. તે પાછો સેનામાં જતો રહે છે. તેને તેનો નાકામ પ્રેમ ભૂલવો છે, પણ યાદો એમ થોડો પીછો છોડે?
વાર્તા અહીં વધુ એક વિડંબણા રચે છે - નંદુ જે યુનિટમાં સેવા આપી રહ્યો છે, તેમાં તેનો વરિષ્ઠ ઓફિસર રામસિંહ બીજું કોઈ નહીં પણ કમલીનો જ પતિ છે. જીવન ક્યારેક એવો ઘેરો નાંખી દેતું હોય છે, જેમાંથી નીકળવાનું અઘરું હોય છે.
હવે સરહદ પર યુદ્ધ ફાટી નીકળે છે અને નંદુને ફરજ પર હાજર થવાનું કહેવામાં આવે છે, પરંતુ તે જવા માટે નીકળે તે પહેલાં કમલી તેની પાસેથી એક વચન માંગે છે કે યુદ્ધમાં ગમે તે થાય, તે તેના પતિનું રક્ષણ કરશે.
તે વખતે નંદુ સામે ઘણા રસ્તા હતા - ઈર્ષ્યા, આક્રોશ અથવા ઉપેક્ષા, પણ કમલી માટેનો તેનો પ્રેમ જીતે છે. તે તેના પતિની ઢાલ બનવાનું નક્કી કરે છે. યુદ્ધભૂમિ પર જ્યારે ગોળીએ વરસી રહી હોય છે, ત્યારે નંદુ તેના સિનિયરની રક્ષા કરતાં ખુદ ઘાયલ થઇ જાય છે. તેની પાસે જીવ બચાવવાનો વિકલ્પ હતો, પણ અંતત: તે જીવ આપી દે છે અને કમલીને આપેલું વચન નિભાવે છે.
જ્યારે રામસિંહ મરી રહેલા નંદુને પૂછે છે કે તેણે આવું કેમ કર્યું, ત્યારે તેના હોઠ પર બસ આ જ શબ્દો આવે છે - `ઉસને કહા થા.'
આ વાર્તાની સૌથી મોટી ખૂબી એ છે કે તે પ્રેમને કોઈ ભવ્ય ઘોષણાની જેમ નથી બતાવતી. અહીં પ્રેમ ચૂપચાપ રહે છે - સંકોચી, સંયમિત અને ખુદની અંદર ઊંડે ઊતરેલો. અહીં પ્રેમમાં કશું મેળવવાની જિદ્દ નથી, તે બસ નિભાવવાની ઈચ્છા રાખે છે.
ફિલ્મની એક મોટી શક્તિ હતી, શૈલેન્દ્રનાં રમૂજી અને પરિસ્થિતિને અનુરૂપ ગીતો અને સલીલ ચૌધરીનું મધુર સંગીત. આ બંને તત્ત્વોએ ફિલ્મને વિશેષ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. વ્યાવસાયિક દૃષ્ટિએ તો ફિલ્મ બહુ ચાલી નહોતી, પણ એક વાર્તા તરીકે એક પડઘો બનીને તે સિનેરસિકોમાં રહી ગઈ હતી.
આ ફિલ્મ આપણને યાદ અપાવે છે કે પ્રેમ હંમેશાં સાથ મેળવવામાં જ નથી હોતો. ક્યારેક-ક્યારેક તે એક વચન નિભાવવામાં પણ હોય છે - ભલે એ વચનની કિંમત જિંદગીની કુરબાની કેમ ન હોય. એટલે જ જ્યારે વાર્તા (અને ફિલ્મ) પૂરી થાય છે ત્યારે વાચકો અને દર્શકોની અંદર એક જ વાક્ય ગુંજતું રહે છે - `ઉસને કહા થા.'
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો