વર્ષ 2024માં 8,20,000 પરદેશીઓ જેઓ આઠ જુદા જુદા દેશોના વતની હતા, એમણે અમેરિકાની સિટીઝનશિપ મેળવી.

આમાં 1,00,000 તો મેક્સિકનો હતા અને બીજા નંબરે 49,000 ભારતીયો હતા. અમેરિકાની સિટીઝનશિપ બનવા માટે જે પરદેશીઓ અરજી કરે છે, એમાં ભારતીયો બીજા નંબરે છે.

અત્યાર સુધી અમેરિકાની સિટીઝનશિપ મેળવવી સહેલી હતી. તમને ગ્રીન કાર્ડ મળે ત્યારબાદ પાંચ વર્ષ અથવા તો તમે જો ગ્રીન કાર્ડ અમેરિકન સિટીઝન જોડે લગ્ન કરીને મેળવ્યું હોય તો ત્રણ વર્ષ થાય અને એ પાંચ યા ત્રણ વર્ષના સમયગાળામાં તમે અડધોઅડધ સમય અમેરિકાની ધરતી ઉપર જ વિતાવ્યો હોય અને કોઈ પણ વખતે છ મહિનાથી વધુ લાગલગાટ અમેરિકાની બહાર રહ્યા ન હોવ તેમજ અંગ્રેજી ભાષા આવડે છે એની પરીક્ષા આપો. અમેરિકા વિશે સામાન્ય જ્ઞાન છે એની પરીક્ષા આપો અને તમારી ચાલચલગત સારી હોય તો તમને અમેરિકાની સિટીઝનશિપ નેચરલાઈઝેશનની અરજી કરતાં પ્રાપ્ત થઈ શકે છે.

પણ અમેરિકાના યુનાઈટેડ સ્ટેટ્સ ઈન્ફોર્મેશન સર્વિસીસના ડિરેક્ટર જોસેફ એલ્ડોના મત પ્રમાણે આ રીતે અમેરિકાની સિટીઝનશિપ મેળવવી એ તો બચ્ચાના ખેલ હતા. બહુ જ સહેલું હતું. આ કારણસર જ અમેરિકાની સરકારે હાલમાં જ જે દિવસે ભારતને આઝાદી મળી એટલે કે 15મી ઓગસ્ટ, 2025ના દિવસે એક નવી પોલિસી જેઓ અમેરિકાના સિટીઝન બનવા ઈચ્છતા હોય એમના માટે ઘડીને બહાર પાડી.

`રિસ્ટોરિંગ અ રીગરસ હોલિસ્ટિક એન્ડ કોમ્પ્રિહેન્સિવ ગુડ મોરલ કેરેક્ટર ઈવેલ્યુએશન સ્ટાન્ડર્ડ ફોર એલિયન્સ એપ્લાઈન્ગ ફોર નેચરલાઈઝેશન' આ શીર્ષક હેઠળ જે પોલિસી ઘડવામાં આવી છે, એના દ્વારા હવેથી અમેરિકન સિટીઝનશિપ મેળવવી અઘરી થઈ જશે.

જો તમે દારૂ પીને નશાની અવસ્થામાં એક નહીં, પણ વારંવાર અમેરિકામાં ડ્રાઈવિંગ કર્યું હોય, ટેક્સ ભરવામાં ચોરી કરી હોય, એકાદ-બે વર્ષ ટેક્સ ભર્યો જ ન હોય, તો અમેરિકાની સિટીઝનશિપ મેળવવી મુશ્કેલ થઈ પડશે. તમારું ભણતર સારું હોય, ક્વોલિફિકેશન સારી હોય, તમે અમેરિકામાં નોકરી કરતા હોવ અને સ્થાયી હોવ તો એ તમને અમેરિકન સિટીઝનશિપ મેળવવામાં મદદ કરશે.

મોટાભાગના ભારતીયો જેઓ ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડ મેળવીને અમેરિકામાં રહેવા જાય છે તેઓ સિનિયર સિટીઝન હોય છે. તેમને અંગ્રેજી ભાષા આવડતી નથી હોતી. એમની ભારતમાં જે ખેતીવાડીની આવક હોય છે એની ઉપર તેઓ અમેરિકામાં ટેક્સ ભરતા નથી. ભારતમાં ખેતીવાડીની આવક ઉપર ટેક્સ નથી, પણ અમેરિકામાં છે અને તમે ગ્રીન કાર્ડધારક હોવ એટલે તમે અમેરિકાના પરમેનન્ટ રહેવાસી છો એટલે તમારી વિશ્વમાં કશે પણ આવક હોય એની ઉપર તમારે અમેરિકામાં ટેક્સ ભરવાનો રહે છે. ભારત અને અમેરિકા જોડે ડબલ ટેક્સેશન ટ્રીટી છે, આથી તમે જો ભારતમાં ટેક્સ ભર્યો હોય તો ફરી પાછો અમેરિકામાં એને એ જ આવક ઉપર ટેક્સ ભરવાની જરૂરિયાત નથી રહેતી, પણ હા, ધારો કે ભારતમાં ટેક્સનો સ્લેબ દસ ટકા હોય અને અમેરિકામાં બાર ટકા હોય તો તમારે એ વધારાના બે ટકા ટેક્સ અમેરિકામાં ભરવો જોઈએ. ભારતમાં ખેતીવાડીની આવક ઉપર ટેક્સ નથી, પણ અમેરિકામાં છે એટલે ભારતમાં તમારી જે ખેતીવાડીની આવક થતી હોય એની ઉપર તમે જો ગ્રીન કાર્ડધારક હોવ તો તમારે અમેરિકામાં ટેક્સ ભરવો પડે.

આમ, 15મી ઓગસ્ટ, 2025ના જે પોલિસી મેમેરેન્ડમ બહાર પાડવામાં આવ્યું છે એના કારણે અમેરિકાની સિટીઝનશિપ મેળવવી હવે મુશ્કેલ થઈ છે. અંગ્રેજી ભાષા આવડે છે એ દેખાડવા માટે જે પરીક્ષા આપવાની રહે છે. અમેરિકાનું સામાન્ય જ્ઞાન ધરાવો છો એ દર્શાવી આપવા માટે જે પરીક્ષા આપવાની રહે છે એ માટે અમુક નક્કી કરેલા સવાલો હોય છે. ભારતીયો એ સવાલોના જવાબો ગોખીને જાય છે. પછી હવેથી કદાચ આમાં પણ બદલાવ આવશે. તમને જે નક્કી કરેલા સવાલો છે એ જ પૂછવામાં આવશે એવું નથી. બીજા પણ સવાલો પૂછવામાં આવી શકે.

તમે જ્યારે અમેરિકામાં પ્રવેશવા માટે `બી-1/બી-2' વિઝાની અરજી કરો છો અને એના માટે જે ફોર્મ `ડીએસ-160' ભરો છો, એમાં છેલ્લે તમને અનેકો પ્રશ્નો પૂછવામાં આવે છે. મોટાભાગે એ બધા પ્રશ્નોના ઉત્તરો તમે `ના'માં જ આપો છો. હવેથી તમારે એ પ્રશ્નો બરાબર સમજી લેવા જોઈએ. સમજીને પછી જ એના ઉત્તરો આપવા જોઈએ. જો તમારા ઉત્તરો ખોટા હશે તો એ પણ તમને તમે જ્યારે અમેરિકન સિટીઝન બનવાની અરજી કરો છો ત્યારે નડી શકશે.

જો તમે નેચરલાઈઝેશનની પ્રક્રિયા દ્વારા અમેરિકન સિટીઝન બનવા ઈચ્છતા હોવ તો આ જે નવી પોલિસી ગાઈડ લાઈન ટ્રમ્પ સરકારે જાહેર કરી છે `રિસ્ટોરિંગ ઓ રીગરસ હોલિસ્ટિક એન્ડ કોમ્પ્રિહેન્સિવ ગુડ મોરલ કેરેક્ટર ઈવેલ્યુએશન સ્ટાન્ડર્ડ ફોર એલિયન્સ એપ્લાઈન્ગ ફોર નેચરલાઈઝેશન' એ તમારે વાંચી જવી જોઈએ. અંગ્રેજી વાંચતા ન આવડતું હોય તો અન્ય આગળ વંચાવીને એ પોલિસીમાં શું ગાઈડ લાઈન આપી છે એ જાણી લેવું જોઈએ.

સૌથી ઉત્તમ અમેરિકાના નાગરિક બનવા માટે નેચરલાઈઝેશનની પ્રક્રિયા દ્વારા અમેરિકન સિટીઝન બનવા તમે જે અરજી કરવા ચાહો છો એ માટે સૌ પ્રથમ અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાના જાણકાર એડવોકેટની સલાહ મેળવો. જે જે જરૂરિયાતો છે એ બધી તમે પૂરી પાડો છો કે નહીં એ જાણી લો. જો કોઈ જરૂરિયાત તમે પૂરી પાડી હોય દાત., તમે એકાદ બે વર્ષ ટેક્સ ભર્યો ન હોય તો એ ટેક્સ ભરી દો અને માફી માંગો કે ભૂલથી આ ટેક્સ ભરવાનું રહી ગયું હતું. જે કંઈ પણ કારણ હોય એ આપીને કહો કે અમે ટેક્સ નહોતો ભર્યો, પણ હવે અમે ભરી દઈએ છીએ. દારૂ પીને ગાડી ચલાવતા બે-ચાર વાર પકડાયા હોવ તો એની પણ માફી માંગી લો. તમારી સામે કોર્ટમાં કેસ, પેન્ડિંગ હોય તો એ પતાવી દો અને એમાંથી છુટકારો મેળવો.

આવું બધું કરશો તો જ અમેરિકન નાગરિક બનવાની તમારી અરજી સ્વીકારવામાં આવશે. ખૂબ અગત્યની વાત અમેરિકામાં બધો જ વ્યવહાર અંગ્રેજીમાં ચાલે છે. તમારા લાભ માટે જ્યારે ગ્રીન કાર્ડની પિટિશન દાખલ કરવામાં આવે છે ત્યારે તમને બરાબર ખબર હોય છે કે થોડા વર્ષો પછી તમે અમેરિકા કાયમ રહેવા જઈ શકશો. એટલા વર્ષો તમે વાટ જોતા હોવ છો એ દરમિયાન અંગ્રેજી ભાષા શીખી લો. તમારી ઉંમર ગમે તે હોય શિક્ષણ પ્રાપ્ત કરવા માટે ઉંમર વચ્ચે નથી આવતી. અનેકોએ મોટી ઉંમરે મોટી મોટી પરીક્ષાઓ પસાર કરેલી છે. ડોક્ટરેટની ડિગ્રી પણ સિનિયર સિટીઝનોએ મેળવી છે તો ગ્રીન કાર્ડ પ્રાપ્ત થાય એની વાટ જોતા હોવ એ સમય દરમિયાન અમેરિકન સિટીઝન બનવા માટે જે મુખ્ય જરૂરિયાત છે એ અંગ્રેજી ભાષા શીખી લો.

અમેરિકન સિટીઝનના ફાયદા ઘણા છે. એ જો તમને જોઈતા હોય તો તમારે આ બધું જ અને જે નવી ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે એ જાણી લેવી જોઈએ અને એ પ્રમાણે તૈયારી કરવી જોઈએ.