બંધન એટલે શું એની જેને ખબર છે એને મુક્તિની કદર અન્ય મુક્ત લોકો કરતાં વધારે હોવાની. કશુંક છીનવાઈ જાય છે ત્યારે જ એનું મૂલ્ય સમજાય છે.  

 જે વ્યક્તિ જીવનના ચડાવની સાથે ઉતરાવ પણ અનુભવી ચૂકી છે, એના પર દુનિયા વધારે ભરોસો કરતી થઈ જાય છે, કારણ કે એણે બધું જ જોયું છે. સમંદરમાં ભરતીની જાહોજલાલી પણ જોઈ છે અને ઓટ વખતનો ભેંકાર દીસતો રેતાળ કિનારો પણ જોયો છે. ભરતીની સાથે જે કંઈ આવે છે તે સમુદ્ર સૌ કોઈમાં વહેંચી દે છે. ઓટમાં બધાનું તણાઈ જાય છે. જીવનમાં ઉતરાવના તબક્કાને તમે સહન કરતા હો છો ત્યારે એના છાંટા તમારી આસપાસની તમામ વ્યક્તિઓ પર, તમને ચાહતી વ્યક્તિઓ પર પડતા હોય છે. એમણે પણ તમારી સાથે સહન કરવું પડતું હોય છે. જાણે-અજાણે અને ઈચ્છાએ-અનિચ્છાએ પણ તમારું દુ:ખ શેર કરવું પડતું હોય છે. તમારી નિકટની વ્યક્તિ પર અથવા તો તમે જેને આત્મીયતાથી ઓળખો છો એવી વ્યક્તિ પર અથવા તો તમે જેને મળ્યા પણ નથી છતાં દૂર રહીને એના કામને ચાહતા રહો છો એવી વ્યક્તિ પર કોઈ આપત્તિ આવી પડે કે એ કોઈ સંકટમાં ઘેરાઈ જાય કે પછી એના માથા પર વીજળી તૂટી પડે ત્યારે એ વ્યક્તિને જે દુ:ખ થાય છે એવી જ પીડા તમને પણ થતી હોય છે.  

 તમારી ઉતરાવની પરિસ્થિતિના છાંટા તમારી આસપાસની વ્યક્તિઓ પર પડતા હોય અને તેઓ તમારી વેદનાને પોતાની સમજીને ભગવાન સમક્ષ કોઈ ફરિયાદ કર્યા વિના ચૂપચાપ સહન કરી લેતા હોય, તો હું સમજું છું કે તમારો ફરી ચડતીનો ગાળો આવે ત્યારે તમારી પુન: પ્રગતિનો લાભ એ સૌ કોઈમાં વહેંચાઈ જવો જોઈએ. જેમણે પોતાની મરજી-નામરજીથી તમારા જીવનમાં બનેલી કોઈ પણ પ્રકારની દુ:ખદ ઘટનાઓ તમારી સાથે રહીને કે તમારાથી દૂર રહીને સહન કરી છે, ક્યારેક તો તમારી જાણ બહાર સહન કરી છે, તમારું નીચાજોણું થયું ત્યારે તેઓએ પણ ભોંઠપ અનુભવવી પડી છે એવા તમામ લોકો સુધી પેલા છાંટાના બદલામાં તમારી ચડતી વખતે થતી વર્ષાની ઝરમરમાં એમને પણ પલળવાનો મોકો મળવો જોઈએ.  

 અને આવું જો તમે સ્વીકારતા હો તો ચડતી પછી પડતી આવે અને પુન: ચડતી આવે ત્યાં સુધી રાહ જોવાને બદલે પડતી આવે તે પહેલાંના જ ચડતીના દિવસોમાં તમારે તમારી પ્રગતિનો લાભ તમારી નિકટ-દૂરની તમામ વ્યક્તિઓમાં સામે ચાલીને વહેંચતાં રહેવું જોઈએ.  

 `મરીઝે ગાયું હતું કે : `બસ એટલી સમજ મને પરવરદિગાર દે / સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે' તે આ જ સમજ આપવા માટે ગાયું હતું.  

 નિ:સ્વાર્થ થવામાં છેવટે તો તમારો પોતાનો જ સ્વાર્થ સમાયેલો છે એવું જો સમજાય તો નિ:સ્વાર્થ થવાનું સહેલું બની જાય. તમે જ્યારે સુખમાં બધાનો વિચાર કરો છો ત્યારે તમારા દુ:ખમાં ભાગીદાર બનવા સૌ કોઈ ખડે પગે તૈયાર હોય છે. તમારા સુખના દિવસોમાં તમે તમારા સિવાય કોઈનો વિચાર ન કર્યો હોય તો તમારા દુ:ખના દિવસોમાં એ સૌ નિકટજનોને અને દૂરના ચાહકોને દુ:ખ તો થવાનું જ છે, પણ તેઓ તમારી પડખે રહેતાં અચકાવાના. એટલા માટે નહીં કે આણે ક્યાં મને એના સારા દિવસોમાં યાદ રાખ્યો હતો કે હવે એના માઠા દિવસોમાં હું એની પાસે દોડી જાઉં. આવા વિચારને કારણે નહીં, પણ એના અગાઉના દિવસોમાં એ મને નજીકનું જણ નહોતા ગણતા, કદાચ બીજા કેટલાય એની નજીક હશે એટલે નહોતા ગણતા, તો હવે હું કેવી રીતે નિકટતા જતાવવા પહોંચી જાઉં? એમની નજીક તો બીજા ઘણા હોવાના - એમનું દુ:ખ શેર કરવા માટે. એટલે દૂર રહીને ભગવાન એમને આપત્તિમાંથી બહાર કાઢે અને આ સંકટકાળને સહન કરવાની પ્રભુ એમને શક્તિ આપે એટલી પ્રાર્થના કરવી સારી.  

 આને બદલે જો તમે તમારા સારા દિવસોની ઝરમરમાં સૌને રીઝવ્યા હશે તો એમાંના કેટલાક તો તમારા દુ:ખના છાંટા હોંશે હોંશે ઝીલવા માટે આવવાના.  

 પડ્યા પછી જે ફરી ઊભો થઈને ચાલવા માંડે છે તેના પર દુનિયા વધારે ભરોસો મૂકતી થઈ જાય છે, કારણ કે લોકોને ખાતરી થઈ જાય છે કે તમારું ટિમ્બર મજબૂત છે, ખોખલું નથી. જે હજુ સુધી પડ્યો નથી અને માત્ર પ્રગતિનો રાહ જ જેણે જોયો છે તે નસીબદાર ભલે હોય, પણ એ હજુ અનટેસ્ટેડ છે. એની કસોટી નથી થઈ. એનો ચળકાટ ચોવીસ કેરેટનો છે કે ઢોળ ચડાવેલો છે, તેની કસોટી માટે હજુ એણે ભઠ્ઠીમાં તપાવું નથી પડ્યું.  

 ગામમાં બે-ત્રણ ઘર છોડીને સોનીનું ઘર હતું. આજુબાજુના કસબાઓમાં રહેતા વનવાસીઓ ખેતીની આવકમાંથી તરત જ બચત કરવા માટે ચાંદીની હાંસડી કે ચાંદીનાં કડાં કરાવી લેતા એ સીઝનમાં સોનીની ધમણવાળી ભઠ્ઠી ધમધોકાર ચાલતી અને અમે બાળસહજ કુતૂહલવશ કલાકો સુધી આખી પ્રક્રિયા નિહાળ્યા કરતા. ચાંદીનો ગઠ્ઠો આખેઆખો ઓગળી જાય ત્યાં સુધી એને ગરમ કરવામાં આવતો, પછી એને આકારમાં ઢાળવામાં આવે અને છેલ્લે એના પર મનગમતી ડિઝાઈનોનું ઝીણું કોતરકામ થાય.  

 ન કરે નારાયણને જીવનમાં ક્યારેય આવી ભઠ્ઠીમાં મુકાઈને ઓગળી જતા હોઈએ એવું લાગે ત્યારે શ્રદ્ધા રાખવાની, ધીરજ રાખવાની કે થોડા જ સમયમાં આ કસોટી પૂરી થશે, જીવનને મનગમતો આકાર મળશે એટલું જ નહીં, હવે એના પર બારીક સુંદર મનભાવન ડિઝાઈનો શોભતી થઈ જશે.  

 સાયલન્સ પ્લીઝ!  

છોને છોડે એ ભૂમિના કિનારા,   

ને શ્હેરના મિનારા,   

કે હોડીને દૂર શું? નજીક શું?   

એક વાર સઢ ભર્યા ફૂલ્યા,   

ને વાયરા ખૂલ્યા,   

કે હોડીને દૂર શું? નજીક શું? 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો