એઆઈ માટે `વૈશ્વિક સુરક્ષા પ્રોટોકોલ' અને વૉટરમાર્કિંગ ટેક્નોલોજીથી થતો ફાયદો

      જી-7 દેશોએ સ્વિટ્ઝર્લેન્ડના જીનિવા ખાતે એકત્રિત થઈને `AI સેફ્ટી ગાર્ડરેલ્સ 2026' દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે.એઆઈ ટેક્નોલોજીના અનિયંત્રિત વિકાસને રોકવા માટેનું વિશ્વનું પ્રથમ સંયુક્ત કાનૂની માળખું છે. જે છેલ્લા બે વર્ષમાં એઆઈ દ્વારા થયેલી ડેટા ચોરી અને છેતરપિંડીને રોકવા માટે આ કડક પગલું લેવાયું છે. આ પ્રોટોકોલમાં એઆઈ ડેવેલોપર્સે `કિલ સ્વિચ' રાખવી ફરજિયાત છે. એટલે કે, જો કોઈ એઆઈ સિસ્ટમ માનવ નિયંત્રણ બહાર જાય તો તેને તરત જ બંધ કરી શકાય. આ સિવાય `વોટરમાર્કિંગ' ટેક્નોલોજી પર ભાર મુકાયો છે. જેથી સામાન્ય લોકો છેતરાય નહીં. આ કરારને કારણે ઓપનએઆઈ, ગૂગલ અને મેટા જેવી કંપનીઓ ટ્રાન્સપરન્સી વધારશે. જેથી માણસ અને ટેક્નોલોજી વચ્ચે સંતુલન સપ્રમાણ જળવાશે.

WHO દ્વારા 100 અબજ ડોલરના

`પેન્ડેમિક પ્રિપેર્ડનેસ' ફંડની જાહેરાત

વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાએ મે 2026માં સત્તાવાર રીતે `વૈશ્વિક આરોગ્ય કટોકટી નિધિ' (Global Health Emergency Fund)ની જાહેરાત કરી છે. 100 અબજ ડોલરનું આ ભંડોળ ભવિષ્યમાં આવનારા કોઈ પણ સંભવિત રોગચાળા સામે વિશ્વને સજ્જ કરવા માટે છે. કોવિડ-19 દરમિયાન ઓક્સિજન, વેક્સિન અને મેડિકલ સપ્લાયની તીવ્ર અછત હતી સ્થિતિ ફરી ન સર્જાય તે હેતુ છે. આ ફંડનો ઉપયોગ મુખ્યત્વે ત્રણ સ્તરે થશે. પ્રથમ, આફ્રિકા અને દક્ષિણ એશિયાના ગરીબ દેશોમાં રસી બનાવવા, બીજું, `બાયો-સર્વેલન્સ' સિસ્ટમ મજબૂત કરવામાં અને ત્રીજું, આ ફંડ દ્વારા એક વૈશ્વિક મેડિકલ સ્ટોકપાઈલ ઊભો કરાશે.

આર્કટિક મહાસાગરમાં `નોર્થ-ઈસ્ટ પેસેજ' શરૂ

ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસરને કારણે આર્કટિક બરફનું સ્તર ઘટતાં રશિયા અને નોર્વેના સહયોગથી `નોર્થ-ઈસ્ટ પેસેજ'ને વ્યાપારી જહાજો માટે ખુલ્લો મુકાયો છે. આ ઘટના વૈશ્વિક શિપિંગ ઉદ્યોગ માટે ક્રાંતિકારી છે, કારણ કે તે સુએઝ કેનાલ મારફતે જતાં માર્ગ કરતાં અંતર અને સમયમાં 40%નો ઘટાડો કરે છે. જોકે, આ રાજકીય અને પર્યાવરણીય રીતે અત્યંત વિવાદાસ્પદ છે. પર્યાવરણવાદીઓ ચેતવણી આપી રહ્યા છે કે વ્યાપારી જહાજોની અવરજવરથી ઉત્તર ધ્રુવના નાજુક ઇકોસિસ્ટમમાં પ્રદૂષણ વધશે અને ત્યાં રહેતા ધ્રુવીય રીંછ તથા અન્ય વન્યજીવોના અસ્તિત્વનું જોખમ ઊભું થશે. બીજી બાજુ, રશિયા આ માર્ગ પર પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યું છે, જે નાટો દેશો માટે સુરક્ષાની દૃષ્ટિએ ચિંતાનો વિષય છે.

યુરોપિયન યુનિયનમાં `ડિજિટલ યુરો' લોન્ચિંગ

યુરોપિયન સેન્ટ્રલ બેંકે મે 2026માં સત્તાવાર રીતે `ડિજિટલ યુરો' લોન્ચ કરીને નાણાકીય જગતમાં ખળભળાટ મચાવ્યો છે. આ સેન્ટ્રલ બેંક દ્વારા જારી કરાયેલું કાયદેસરનું ડિજિટલ ચલણ છે. યુરોપના તમામ 27 દેશોના નાગરિકો હવે વૉલેટ દ્વારા સીધી જ ડિજિટલ યુરોમાં લેવડદેવડ કરી શકશે, જેના માટે બેંકમાં ખાતું હોવું અનિવાર્ય નથી. આ પગલાં પાછળ બે મુખ્ય કારણો છે : અમેરિકાના ડોલર અને ચીનના ડિજિટલ યુઆન સામે યુરોની મજબૂતી જાળવી રાખવી. બીજું, ખાનગી ક્રિપ્ટોકરન્સીનાં જોખમોથી અર્થતંત્રને બચાવવું. ડિજિટલ યુરોમાં ટ્રાન્જેક્શન ફી ઓછી હશે અને તે ઇન્ટરનેટ વગર પણ નાની રકમના પેમેન્ટ કરી શકશે. આ ટેક્નોલોજીથી મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ રોકવામાં પણ સરળતા રહેશે, કારણ કે દરેક ડિજિટલ સિક્કાનું ટ્રેકિંગ શક્ય બનશે. આ સાથે જ વિશ્વ હવે `કેશલેસ ઇકોનોમી' તરફ વધી રહ્યું છે.

ભારત-જાપાન `સેમિકન્ડક્ટર એલાયન્સ 2026'

મે 2026ના બીજા સપ્તાહમાં ભારત અને જાપાન વચ્ચે 20 અબજ ડોલરનો વ્યૂહાત્મક કરાર થયો છે, જેનો હેતુ ભારતને વિશ્વનું નવું સેમિકન્ડક્ટર હબ બનાવવાનો છે. જેમાં, જાપાનની મોટી ચિપ ઉત્પાદક કંપનીઓ ભારતના ગુજરાત અને તમિલનાડુમાં ત્રણ અદ્યતન `સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ્સ' સ્થાપશે. આમાં ટેક્નોલોજી ટ્રાન્સફર અને સ્કિલ ડેવલપમેન્ટ પર મુખ્ય ભાર મુકાયો છે.અત્યાર સુધી વિશ્વ ચિપ્સ માટે માત્ર તાઈવાન અને ચીન પર નિર્ભર હતું. કોરોનાકાળમાં ચિપ્સની અછતને કારણે ઓટોમોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને જે ફટકો પડ્યો હતો, તેનાથી બચવા માટે આ `ચિપ-ડિપ્લોમસી' જરૂરી હતી. ભારત પાસે સસ્તો શ્રમ અને એન્જિનિયરો છે, જ્યારે જાપાન પાસે અત્યાધુનિક ટેક્નોલોજી છે. આ જોડાણથી સ્માર્ટ ફોન, ઇલેક્ટ્રિક વ્હીકલ અને સંરક્ષણ ક્ષેત્રના હથિયારોમાં વપરાતી ચિપ્સનું ભારતમાં જ ઉત્પાદન થશે, જેનાથી `મેક ઇન ઇન્ડિયા' અભિયાનને વૈશ્વિક ઓળખ મળશે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો