આપણે ત્યાં શિયાળામાં પૌષ્ટિક ઔષધ દ્રવ્યોના સેવનની પરિપાટી સદીઓથી ચાલી આવે છે. સૌ કોઈ પોતાની શારીરિક અને આર્થિક શક્તિ મુજબ વિભિન્ન પૌષ્ટિક દ્રવ્યો અને તેમાંથી બનતા પાકોનું સેવન શિયાળામાં કરે છે. આવા પાકોમાં ખજૂરપાક, ટોપરાંપાક, સાલમપાક, મૂસળીપાક, બદામપાક, મેથીપાક, આદુંપાક, ગુંદરપાક, કૌચાપાક વગેરેનો સમાવેશ થાય છે.
આ વખતે આ એક પણ પાક વિશે વાત કરવી નથી, પરંતુ પૌષ્ટિક કઠોળ અડદ અને તેના ઔષધીય ગુણધર્મો વિશે આ વખતે નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અડદને સંસ્કૃતમાં `માષ' કહે છે.
ગુણધર્મો
શિયાળામાં અડદના સેવનનું પૌષ્ટિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ રહેલું છે. આયુર્વેદીય મતે અડદ પચવામાં ભારે, સ્વાદમાં મધુર, ગરમ, સ્નિગ્ધ (ચીકાશયુક્ત), આહાર પર રુચિ વધારનાર, બલ્ય એટલે બળ વધારનાર, વૃષ્ય એટલે મૈથુનશક્તિ અને વીર્ય વધારનાર, મળ અને મૂત્રને પ્રવૃત્ત કરનાર, કફ અને પિત્તવર્ધક, પરંતુ વાયુનાશક; તૃપ્તિકારક, હૃદ્ય એટલે કે હૃદય માટે હિતકારી, પ્રસૂતાનું ધાવણ વધારનાર, માંસ અને મેદની વૃદ્ધિ કરનાર, રક્તપિત્તનો પ્રકોપ કરનાર તથા શ્રમ, શ્વાસ, પરિણામશૂળ, મસા-પાઈલ્સ, અડદિયો વા (facial Paralysis), કટીશૂળ વગેરેમાં ખૂબ જ હિતાવહ છે.
ઉપયોગ
આયુર્વેદમાં મહર્ષિ ચરકે અડદ વિશે લખ્યું છે કે, `પુંસત્વં માષઃ શીઘ્રં દદાતિ ચ' એટલે કે અડદના સેવનથી પુરુષાતન ઝડપથી વધે છે. કામશક્તિને અવરોધવામાં વાયુ અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે અડદ ચીકાશયુક્ત હોવાથી વાયુનો નાશ કરી કામશક્તિ વધારે છે. જેમનામાં કામશક્તિ ઓછી હોય, વીર્યમાં શુક્રજંતુઓનું પ્રમાણ ઓછું હોય તેમણે અઠવાડિયામાં ત્રણ-ચાર વખત અડદની દાળ, સૂપ, વડા વગેરેનો ઉપયોગ કરવો અથવા રોજ સવારે એકથી બે ટુકડા અડદિયા પાકના ખાવા જોઈએ.
અડદ વિશે આયુર્વેદના મોટાભાગના ગ્રંથોમાં સામાન્ય મત એવો છે કે, અન્ય કઠોળ દ્રવ્યોમાં વાયુ વૃદ્ધિનો જે ગુણ જોવા મળે છે, તે અડદમાં નથી. અડદના વિશેષ ગુણને લીધે વાયુથી થતા રોગોમાં જ્યાં અન્ય કઠોળને ત્યાજ્ય ગણવામાં આવ્યા છે ત્યાં અડદની દાળ- સૂપ વગેરેને હિતકારી ગણાવ્યા છે. એટલે જ મોઢાનો વા, પક્ષાઘાત-લકવો, એકાંગવાત, કંપવા વગેરે વાયુજન્ય વિકૃતિઓમાં અડદની ફોતરાંવાળી દાળ સાથે વાયુનાશક ઔષધોનો ઉપયોગ કરીને કૌંચાબીજ, એરંડમૂળ, સિંધાલૂણ વગેરેનો ઉકાળો સિદ્ધ કરીને પીવા અપાય છે.
જો દર્દીનો જઠરાગ્નિ મંદ ન હોય તો અનેક વાતજન્ય રોગોમાં અડદના લાડુ, અડદિયો પાક વગેરે અપાય છે. તલના તેલમાં સિદ્ધ કરેલું અડદનું તેલ માલિશ માટે પ્રયોજાય છે. અડદની દાળનો લોટ ત્રણ ચમચી લઇ ગાયના દૂધમાં બાફી, ઘી નાંખી, સહેજ ગરમ એક સપ્તાહ સુધી પીવાથી પેશાબમાં ધાતુ જતી હોય તો તે બંધ થાય છે. અડદની દાળને વાટી, દહીંમાં મેળવી, વડાં કરી, તળીને ખાવાથી પુરુષવર્ગ માટે બળપ્રદ અને ધાતુવર્ધક બને છે.