હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં આવેલી પાર્વતી વેલીમાં આવેલું કસૌલ એક નાનકડું, પણ પ્રકૃતિની સુંદરતાથી છલોછલ સ્થળ છે. તેને ભારતનું `મિનિ ઇઝરાયેલ' પણ કહેવામાં આવે છે, કારણ કે અહીં ઇઝરાયેલના પ્રવાસીઓની હાજરી અને ત્યાંની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. કસૌલની આસપાસ ઘણાં એવાં સ્થળો છે જે ટ્રેકિંગ, એડવેન્ચર અને શાંતિના ચાહકો માટે સ્વર્ગ સમાન છે.
કસૌલની ફરવાલાયક જગ્યાઓ
કસૌલ પોતે એક નાનું ગામ છે, પરંતુ તે આસપાસની અદ્ભુત જગ્યાઓ અને ટ્રેકિંગ માટેનો આધાર છે.
મણિકરણ સાહિબ ગુરુદ્વારા
કસૌલથી લગભગ 5 કિલોમીટર દૂર સ્થિત મણિકરણ હિન્દુઓ અને શીખો બંને માટેનું એક પવિત્ર સ્થળ છે. ગુરુદ્વારા ખાસ કરીને તેના ગરમ પાણીના ઝરણા માટે પ્રખ્યાત છે, જ્યાં શ્રદ્ધાળુઓ માને છે કે સ્નાન કરવાથી બધાં પાપ ધોવાઇ જાય છે. આ ઝરણામાં પાણી એટલું ગરમ હોય છે કે તેમાં ચોખા અને દાળ જેવું ભોજન પણ રાંધી શકાય છે. મણિકરણની મુલાકાત કસૌલની યાત્રાનો એક આવશ્યક ભાગ છે.
ખીરગંગા ટ્રેક
કસૌલથી શરૂ થતા સૌથી લોકપ્રિય ટ્રેકમાંથી એક છે ખીરગંગાનો ટ્રેક. આ ટ્રેક લગભગ 12થી 14 કિલોમીટરનો છે અને તે પૂર્ણ થતાં 5-6 કલાક જેટલો સમય લાગે છે. આ ટ્રેક તમને ગાઢ જંગલો અને ખડકાળ રસ્તાઓમાંથી પસાર કરીને લગભગ 9,700 ફૂટની ઊંચાઈ પર લઈ જાય છે. ખીરગંગા પહોંચ્યા પછી, ત્યાં પણ એક ગરમ પાણીનો કુંડ છે જ્યાં ટ્રેકિંગના થાકને દૂર કરવા માટે સ્નાન કરી શકાય છે. રાત્રે તારાઓની નીચે કેમ્પિંગનો અનુભવ અદ્ભુત હોય છે.
ચલાલ ગામ
કસૌલથી પાર્વતી નદી પરનો સસ્પેન્શન બ્રિજ (લટકતો પુલ) પાર કરીને ચલાલ ગામ પહોંચી શકાય છે. આ એક નાનકડું અને શાંત ગામ છે, જ્યાં લગભગ 20-30 મિનિટના સરળ ટ્રેક પછી પહોંચી શકાય છે. જો તમે કસૌલની ભીડથી દૂર રહીને શાંતિ અને કુદરતી સૌંદર્યનો અનુભવ કરવા માંગતા હોવ તો ચલાલ એક ઉત્તમ સ્થળ છે. અહીંના કાફે અને નદીના કિનારે બેસીને શાંતિનો અનુભવ કરવો એ અનેરો લહાવો છે.
તોશ ગામ
કસૌલથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલું તોશ એક વધુ સુંદર અને ઊંચાઈ પરનું ગામ છે. અહીંની જીવનશૈલી ખૂબ જ સરળ અને પારંપરિક છે. આ ગામ હિમાલયના બરફથી ઢંકાયેલા શિખરોનો શાનદાર નજારો પૂરો પાડે છે. તોશ સુધી પહોંચવા માટે બરશેની સુધી ટેક્સી લેવી પડે છે અને પછી ત્યાંથી 1 કલાકનો ટ્રેક પસાર કરવો પડે છે. તોશ ટ્રેકર્સ અને બેકપેકર્સમાં ખૂબ જ લોકપ્રિય છે.
મલાણા ગામ
મલાણા તેની અનોખી સંસ્કૃતિ, રીતરિવાજો અને સમાજ માટે પ્રખ્યાત છે. અહીંના લોકો પોતાને સિકંદર (એલેક્ઝાન્ડર ધ ગ્રેટ)ના સૈનિકોના વંશજ માને છે અને તેમનું પોતાનું અલગ ન્યાયતંત્ર છે. ગામની મુલાકાત લેતા પહેલાં તેમના નિયમો અને રિવાજોનું સન્માન કરવું જરૂરી છે. જેમ કે, તેમની ઇમારતોને સ્પર્શ ન કરવો. મલાણાનો ટ્રેક પણ રોમાંચક છે.
અન્ય જોવાલાયક સ્થળો
તીર્થન વેલી : કસૌલથી લગભગ 60 કિલોમીટર દૂર આવેલી આ ખીણ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ગ્રેટ હિમાલયન નેશનલ પાર્કનું પ્રવેશદ્વાર છે. અહીં ટ્રાઉટ માછલી પકડવાની પ્રવૃત્તિ ખૂબ પ્રખ્યાત છે.
પુલગા, તુલગા અને કલ્ગા : બર્શેનીની નજીક આવેલાં આ જોડિયાં ગામો તેમની કુદરતી હરિયાળી, સુંદર ખેતરો અને સરળ જીવનશૈલી માટે જાણીતાં છે. પુલગા ગામ ખાસ કરીને તેના ફેરિ ફોરેસ્ટ માટે પ્રખ્યાત છે.
ઇઝરાયેલી કાફે : કસૌલમાં ઇઝરાયેલી ભોજન પ્રખ્યાત છે. અહીંના કાફેમાં બેસીને શાકશુકા (Shakshuka) અને હમસ-પિટા (Hummus-Pita) જેવી વાનગીઓનો આનંદ લેવો એક અનોખો અનુભવ છે.
