xમધ્ય પ્રદેશના હૃદય સમા જબલપુર શહેરથી માત્ર 20 કિલોમીટરના અંતરે આવેલો ભેડાઘાટ એક એવું સ્થળ છે જ્યાં પ્રકૃતિએ પોતાની તમામ કલાત્મકતા ઠાલવી છે.
નર્મદા નદી અહીં લગભગ 100 ફૂટ ઊંચા, ચકચકિત સંગેમરમર(માર્બલ)ના ખડકો વચ્ચેથી પસાર થાય છે, જેણે આ સ્થળને વિશ્વભરના પ્રવાસીઓ માટેનું એક મુખ્ય આકર્ષણ બનાવ્યું છે. ભેડાઘાટને તેના અદ્ભુત કુદરતી સૌંદર્ય અને પવિત્ર નર્મદાના પ્રવાહ માટે `મધ્યપ્રદેશનું જળ-સૌંદર્ય' પણ કહેવામાં આવે છે.
ભેડાઘાટનાં મુખ્ય ત્રણ આકર્ષણો
ધૂઆંધાર ધોધ : ભેડાઘાટનો સૌથી રોમાંચક ભાગ એટલે ધૂઆંધાર ધોધ. `ધૂઆંધાર' શબ્દનો શાબ્દિક અર્થ થાય છે `ધૂંધળો પ્રવાહ'. અહીં પવિત્ર નર્મદા નદીનો ધોધ લગભગ 98 ફૂટની ઊંચાઈએથી નીચે પથ્થરો પર પડે છે. પાણીના આ પ્રચંડ પ્રવાહથી ઉત્પન્ન થતો અવાજ દૂર સુધી સંભળાય છે અને પાણીના કણો ધુમ્મસની જેમ હવામાં ફેલાઈ જાય છે. ધોધનો શક્તિશાળી નજારો જોવા માટે અહીં રોપ-વેની સુવિધા ઉપલબ્ધ છે, જે પ્રવાસીઓને નર્મદા ઘાટી અને ધોધનો સુંદર નજારો પૂરો પાડે છે.
સંગેમરમરના ખડકોમાં નૌકાવિહાર : આ અનુભવ ભેડાઘાટની ઓળખ છે. અહીં પ્રવાસીઓ સાંકડી નદીના પટમાં નાવડીમાં બેસીને બંને બાજુએ આવેલા શ્વેત સંગેમરમરના ઊંચા ખડકો વચ્ચેથી પસાર થાય છે. ખાસ વાત તો એ છે કે અહીં ખડકોની ઊંચાઈ ઘણી જગ્યાએ સો ફૂટ સુધી પહોંચે છે. સૂર્યપ્રકાશ કે ચાંદનીની અસરથી ખડકોના રંગો બદલાતા રહે છે. ક્યારેક આછા પીળા, તો ક્યારેક ગુલાબી કે આછો વાદળી. સ્થાનિક નાવિકો ગીતો અને હાસ્યરસથી ભરપૂર વાતો સાથે ખડકોની આકૃતિઓને `હાથી', `ઘોડો' કે `દેવી-દેવતા'નાં નામ આપીને પ્રવાસને મનોરંજક બનાવે છે.
ચોસઠ યોગિની મંદિર : નર્મદા કિનારે ભેડાઘાટથી થોડી ઊંચાઈ પર આ પ્રાચીન અને ઐતિહાસિક મંદિર આવેલું છે. આ મંદિર 10મી સદીમાં કલચુરી વંશના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. ગોળાકાર રચનામાં બનેલા આ મંદિરમાં 64 યોગિનીઓની (દેવીઓનાં વિવિધ સ્વરૂપો) પ્રતિમાઓ સ્થાપિત છે. મંદિર સુધી પહોંચવા માટે થોડી સીડીઓ ચડવી પડે છે, પરંતુ ઉપરથી નર્મદા નદી અને ભેડાઘાટના ખડકોનો નજારો જોવા જેવો હોય છે.
ભેડાઘાટની આસપાસનાં ફરવાલાયક સ્થળો
બંદરકૂદની : આ સ્થળ પણ સંગેમરમરના ખડકોથી ઘેરાયેલું છે. અહીં નદીનો પ્રવાહ એટલો સાંકડો થઈ જાય છે કે દંતકથા મુજબ વાંદરાંઓ સરળતાથી એક કિનારાથી બીજા કિનારા પર કૂદી જતા હતા, તેથી તેનું નામ `બંદરકૂદની' પડ્યું.
મદન મહેલ કિલ્લો : જબલપુર શહેરમાં એક પહાડી પર સ્થિત આ કિલ્લો 11મી સદીમાં ગોંડ શાસક રાજા મદનસિંહ દ્વારા બનાવવામાં આવ્યો હતો. કિલ્લો નાનો હોવા છતાં તે જબલપુર શહેરનાં વિહંગમ દૃશ્યો પ્રદાન કરે છે.
તિલવારા ઘાટ : નર્મદા કિનારે આવેલો આ ઘાટ ઐતિહાસિક રીતે ખૂબ મહત્ત્વનો છે. અહીં મહાત્મા ગાંધીની અસ્થિઓ વિસર્જિત કરવામાં આવી હતી. આ ઘાટ પર નિયમિતપણે નર્મદા આરતીનું આયોજન થાય છે, જે શાંતિપૂર્ણ અને ધાર્મિક અનુભવ આપે છે.
રાણી દુર્ગાવતી મ્યુઝિયમ : જબલપુરમાં આવેલું આ સંગ્રહાલય કલા, શિલ્પકૃતિઓ અને મધ્ય પ્રદેશના ઇતિહાસ તેમજ ગોંડ રાણી દુર્ગાવતીના જીવન સાથે સંબંધિત વસ્તુઓનો સંગ્રહ ધરાવે છે.