ઘણીવાર આપણે ઓફિસની કેન્ટિનમાં કે બોર્ડરૂમ મીટિંગ્સમાં એક વાક્ય બહુ સાંભળીએ છીએ: `યાર, અત્યારે માર્કેટ બહુ ખરાબ ચાલે છે!' અથવા `હવે ધંધામાં પહેલાં જેવી મજા નથી રહી.

' જોકે, આ એવી દલીલો કે રોદણાં છે જે અધકચરા મેનેજર્સ કે લીડર્સ પોતાનો લૂલો બચાવ કરવા માટે વાપરતા હોય છે, પણ હજારો વર્ષો પહેલાં જ્યારે ભીષ્મ પિતામહ કુરુક્ષેત્રની રણભૂમિ પર બાણશય્યા પર સૂતા હતા, ત્યારે તેમણે યુધિષ્ઠિરને મેનેજમેન્ટનો જે ડોઝ આપ્યો હતો, તે આજના `બિઝનેસ અનિશ્ચિતતા'ના વાતાવરણમાં એક પાવરફુલ એન્ટિડોટ છે. મહાભારતના શાંતિપર્વમાં ભીષ્મ અત્યંત સુંદર વાત કહે છે. તેઓ કહે છે, `કાલસ્યકારણંરાજા' એટલે કે, નેતા સમયને કારણે નથી હોતો, પણ સમય નેતાને કારણે હોય છે!

આજના આધુનિક કોર્પોરેટ જગતમાં આ વાત એટલી જ પ્રસ્તુત છે જેટલી હસ્તિનાપુરના દરબારમાં હતી. એક સામાન્ય મેનેજર અને એક વિઝનરી લીડર વચ્ચેનો તફાવત માત્ર તેમની કેબિન કે સેલરીનો નથી હોતો, પણ તેમની માનસિકતાનો તફાવત સૌથી મહત્ત્વનો તફાવત હોય છે, કારણ કે એક સામાન્ય મેનેજર હંમેશાં સંજોગોનો શિકાર બને છે, જ્યારે સાચો લીડર એ પરિસ્થિતિનો સર્જક બનતો હોય છે. આફ્ટર ઑલ જો આર્થિક મંદી હોય કે બજારમાં પરિવર્તનનો પવન હોય, ત્યારે એક અસલી લીડર હાથ જોડીને `સારો સમય' આવવાની રાહ નથી જોતો કે નથી તો તે રોદણાં રડવા બેસતો કે યાર, સમય જ ખરાબ છે. બલ્કે તે પોતાની સ્ટ્રેટેજી અને ટીમની ઊર્જાથી કંપની માટે `ગોલ્ડન પિરિયડ' એટલે કે `અચ્છે દિન' પોતે ઊભા કરે છે. બાકી, આમ જોવા જઈએ તો માર્કેટ તો આમેય ક્યારેય સ્ટેબલ રહ્યા છે? કોઈ પણ ક્ષેત્રમાં ક્યારેય સ્પર્ધાઓ ન રહી હોય એવું તો ક્યારે બન્યું છે?

ભીષ્મ પિતામહ આવી વિચારસરણી બાબતે બહુ સ્પષ્ટ હતા કે જે નેતા નસીબના ભરોસે બેસે છે, તે હકીકતમાં પોતાની જવાબદારીમાંથી છટકે છે. આધુનિક ભાષામાં કહીએ તો આ `પ્રો-એક્ટિવિટી'નો પર્યાય છે. એક હાઈપર્ફોર્મન્સ લીડર ક્યારેય એવું નથી વિચારતો કે `માર્કેટ સુધરશે ત્યારે ગ્રોથ કરીશું.' તેના બદલે, તે માર્કેટની ખામીઓને જ પોતાની તક બનાવે છે. આખરે સાચો લીડર એ છે જે બહારના વાતાવરણથી પ્રભાવિત થવાને બદલે પોતાના આત્મવિશ્વાસ અને નિર્ણયોથી સંસ્થાના આંતરિક વાતાવરણને એટલું મજબૂત બનાવે કે બહારના વાવાઝોડા તેને હલાવી ન શકે. જોકે, આ માટે લીડરનું દૃઢ હોવું અત્યંત મહત્ત્વનું છે. રેંજી પેંજી અને તરંગી માણસો કંઈ સામા પૂરે તરી ન શકે !

ભીષ્મનો આ ઉપદેશ આપણને એ પણ શીખવે છે કે મેનેજમેન્ટ એટલે માત્ર ડેટા એનાલિસિસ કે ડેડલાઇન્સ પૂરી કરવી એ નથી. જે મેનેજર માત્ર એક્સેલ શીટ્સ અને રિપોર્ટ્સ પર જીવે છે, તે વહીવટ કરી શકે પણ નેતૃત્વ નહીં. સાચો લીડર તે છે જે લોકોની `સાઇકોલોજી' બદલી શકે. ભીષ્મ મુજબ લીડર એ સંસ્થાના રથનું મુખ્ય પૈડું છે, જેની ગતિ અને દિશા પર આખા રથનો આધાર છે. જો લીડર જ જાગૃત અને તેજસ્વી હોય, તો અરાજકતા વચ્ચે પણ તે શિસ્તબદ્ધ વ્યવસ્થા ઊભી કરી શકે છે, પણ જો મેનેજર જ પ્રમાદી કે આળસુ હોય કે પછી તક આવે એની રાહ જોતો ફરે તો વર્ષોથી જમાવેલી સમૃદ્ધિને ધૂળમાં મળતા વાર નથી લાગતી.

ઈનશોર્ટ, પરિવર્તન ક્યારેય બહારની દુનિયામાંથી ઓર્ડર કરીને મંગાવી શકાતું નથી; તે લીડરની અંદરથી જન્મે છે. `કાલસ્ય કારણં રાજા' એ માત્ર સંસ્કૃતની એક પંક્તિ નથી, પણ એ દરેક મોડર્ન લીડર માટે એક વેક-અપ કોલ છે. તે યાદ અપાવે છે કે તમારી પાસે તમારું અને તમારી સંસ્થાનું ભવિષ્ય બદલવાની પૂરેપૂરી તાકાત છે. બસ, શરત માત્ર એટલી કે તમે સમયના પ્રવાહમાં તણાવવાને બદલે પોતાનો અલગ ચીલો ચાતરો. રોદણાં ન રડો, બ્લેમ ગેમ ન રમો અને વિક્ટિમ ન બનો. તમારે જોઈએ તો નિષ્ફળ જાઓ, તમારે જોઈએ તો સખત મહેનત કરીને રહેંસાઈ જાઓ, પરંતુ હાથ પર હાથ ધરીને કે બીજા પર દોષનો ટોપલો ઢોળીને બેઠા ન રહો. ધેટ્સ ઈટ.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો