મહાભારતના યુદ્ધના વિનાશ પછી શોકમાં ડૂબેલા યુધિષ્ઠિરને બાણશય્યા પરથી ભીષ્મ પિતામહે જે રાજધર્મ અને શાસનવ્યવસ્થાનો ઉપદેશ આપ્યો, તે શાંતિપર્વ તરીકે ઓળખાય છે.
આ પર્વમાં ભીષ્મ દ્વારા અપાયેલી એક અતિ મહત્ત્વની અને કેટલીક અંશે વિવાદાસ્પદ કે ગળે ન ઊતરે એવી અવ્યવહારુ સલાહો આજના નેતૃત્વ માટે પણ ચાવીરૂપ બની રહે છે. પિતામહ ભીષ્મે શાંતિપર્વમાં કહેલી અવ્યવહારુ સલાહોમાંની એક સલાહ આ પણ છે. તેઓ કહે છે કે, `લીડરે તેના અંતરતમ વિચારો ક્યારેય કોઈને, પોતાના અંગત સલાહકારોને પણ કહેવા નહીં.' પ્રથમ દૃષ્ટિએ આ સલાહ આધુનિક મેનેજમેન્ટમાં જેન ઝી વચ્ચે અત્યંત ચાલી નીકળેલી ઓપન કોમ્યુનિકેશન કે પછી ટ્રાન્સપરન્સી અને `ટીમવર્ક'ની વિભાવનાઓથી સામા છેડાની લાગી શકે છે, પરંતુ લીડરશિપની અને ખાસ કરીને સફળ લીડરશિપની જટિલતાને સમજવા માટે ભીષ્મના આ સૂત્રમાં ઊંડું સત્ય છુપાયેલું છે.
આજના કોર્પોરેટ જગતમાં કે રાજકીય ક્ષેત્રે, લીડર એટલે એક એવી વ્યક્તિ જેણે માત્ર વર્તમાન જ નહીં, પણ ભવિષ્યના પડકારો અને તકોનું પણ આકલન કરવાનું હોય છે. એક લીડરના અંતરતમ વિચારોમાં દૂરંદેશીભર્યા પ્લાન, હરીફોને હરાવવાની વ્યૂહરચના, સંસ્થાકીય પુનર્ગઠનની યોજનાઓ અને વ્યક્તિગત આશંકાઓ કે દ્વિધા સમાયેલાં હોય છે. ભીષ્મની સલાહનો મર્મ એ છે કે જ્યારે આવા સંવેદનશીલ વ્યૂહાત્મક વિચારો સાર્વજનિક થાય છે, ત્યારે તેનું રૂપાંતરણ જોખમોમાં થઈ શકે છે.
સૌપ્રથમ નેતાના ગુપ્ત વિચારોની સુરક્ષા જાળવવી એ વ્યૂહાત્મક લાભ માટે આવશ્યક છે. જો કોઈ CEO બજારમાં નવા પ્રવેશ માટેની યોજના કે હરીફ કંપનીને ખરીદવાની ગુપ્ત યોજનાઓ તેના અંગત સલાહકાર મંડળમાં વહેંચે, તો માહિતી લીક થવાની શક્યતા વધી જાય છે. આ માહિતી લીક થવાથી હરીફો સાવચેત થઈ જાય છે અથવા બજારમાં ગભરાટ ફેલાય છે, જેનાથી કંપનીના શેરના ભાવ પર નકારાત્મક અસર થઈ શકે છે. ભીષ્મનો ઉપદેશ અહીં એક ગુપ્તતાના કિલ્લાનું નિર્માણ કરે છે, જ્યાં લીડરની સૌથી મહત્ત્વની ચાલ સુરક્ષિત રહે.
બીજું, આ ગુપ્તતા સત્તાનું સંતુલન એટલે કે બેલેન્સ ઓફ પાવરને જાળવવામાં મદદરૂપ થાય છે. જો કોઈ નેતા તેની તમામ નબળાઈઓ, શંકાઓ કે આંતરિક સંઘર્ષો ખુલ્લેઆમ પ્રદર્શિત કરે, તો ગૌણ અધિકારીઓ કે સલાહકારો તેનો લાભ ઉઠાવવા પ્રેરાઈ શકે છે. માનવ સ્વભાવની પ્રકૃતિ એવી છે કે તે નબળી કડી શોધીને તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. લીડરનું આંતરિક મનોમંથન જો સપાટી પર આવે, તો તે નેતૃત્વની અસરકારકતા અને નિર્ણય લેવાની ક્ષમતા પર પણ પ્રશ્નાર્થ ઊભો કરી શકે છે. ભીષ્મે અહીં લીડરને એક એવી અદૃશ્ય ઢાલ પૂરી પાડી છે, જે તેના સન્માન અને ઓથોરિટીની રક્ષા કરે છે.
જોકે, આ સલાહનો અર્થ એવો નથી કે લીડરે સંપૂર્ણપણે એકાંતમાં રહીને શાસન કરવું. ભીષ્મની વાત ચર્ચા એટલે કે ડિસ્કશન અને નિર્ણય એટલે કે ડિસિઝન વચ્ચેના ભેદને સ્પષ્ટ કરે છે. લીડરે સલાહકારો સાથે ચર્ચા જરૂર કરવી, તેમના વિચારો જાણવા, તમારા વિચારોમાં ક્ષતિ હોય તો તેનું ચિંતન કરવું, માહિતીનું વિશ્લેષણ કરવું, પણ અંતિમ, અંતરતમ નિર્ણય અથવા તેના મનના ઉદ્દેશ્યને ગુપ્ત રાખવો, જ્યાં સુધી તે અમલ માટે તૈયાર ન થાય. આ ગુપ્તતા લીડરને તેના મન પર નિયંત્રણ રાખવા, નિર્ણયોની ખાનગી રીતે સમીક્ષા કરવા અને કોઈ પણ બાહ્ય દબાણ કે ભાવનાત્મક હસ્તક્ષેપ વિના નિષ્પક્ષ રહીને કાર્ય કરવાની સ્વતંત્રતા આપે છે.
આજના લીડર માટે આ સલાહનું તાત્પર્ય એ છે કે સંપૂર્ણ પારદર્શિતા હંમેશાં શ્રેષ્ઠ નથી હોતી. નેતૃત્વમાં એક `મિસ્ટિક ક્વોલિટી' જાળવવી જરૂરી છે. લીડરે પોતાનાં સંસ્થાકીય મૂલ્યો અને દૃષ્ટિકોણ ખુલ્લાં રાખવાં જોઈએ, પરંતુ સંસ્થાને નબળી પાડતી કે આંતરિક અસુરક્ષા પ્રગટ કરતી અંગત દ્વિધા કે વ્યૂહાત્મક ગહનતાને પોતાના સુધી જ સીમિત રાખવી. આ ગુપ્તતા આખરે લીડરને સંસ્થાના મોટા હિતમાં નિર્ભયતાથી અને એકલતાથી નિર્ણયો લેવાની શક્તિ પ્રદાન કરે છે, જે શાંતિપર્વના યુગથી લઈને આજના કોર્પોરેટ યુગ સુધી નેતૃત્વનો અનિવાર્ય ભાગ છે. ભીષ્મે આપેલું આ જ્ઞાન નેતાને સમજાવે છે કે સિંહાસન પર બેસતી વ્યક્તિએ અમુક ભાર એકલા જ ઊંચકવો પડે છે.