મોટા થઈને તમે ગમે તેટલી મોંઘીદાટ ગાડીઓ ફેરવતા હોવ. લાખો રૂપિયાનાં `ફટફટિયાં' લઈને ફરતા હોવ કે પછી પ્રાઈવેટ પ્લેન ઉડાડતા હોવ, પણ તમારી `વાહનચાલક' તરીકેની કારકિર્દીની શરૂઆત તો તમે સાઇકલસવાર તરીકે જ કરી હશે.
સાઇકલ એ રોડપતિ કે કરોડપતિ દરેકના જીવન સાથે જોડાયેલી હોય જ છે. સાઇકલ એ દરેકના જીવનના અભિન્ન અંગ તરીકે જોડાયેલી હોવાથી એની સાથે રોચક, મનોરંજક, રમૂજી પ્રસંગો પણ જોડાયેલાં હોય છે, જે આપણને બધાયને જિંદગીભર યાદ રહી જતા હોય છે. તો ચાલો, આજે સાઇકલ મારી સરરર જાય, ટીન ટીન ટોકરી વગાડતી જાય. એ ગીત ગાતાં ગાતાં સાઇકલ પર બેસી ભૂતકાળમાં સરી જઈએ.
સાઇકલ ચલાવવાના પ્રસંગોમાં સૌથી વધારે કોમેડી પ્રસંગો સાઇકલ ચલાવતા શીખતા હોઈએ ત્યારે બનતી હોય છે. સૌથી પહેલાં તો સાઇકલ પર બેસી એને `ચાલુ' કેવી રીતે કરવી એ જ સમજાતું નથી. સીટ પર બેસી બંને પગ જમીન પર ટેકવી રાખો તો સાઇકલ ટટ્ટાર ઊભી રહે, પણ જેવા પગ ઊંચા કરી એને પેડલ પર ગોઠવો એવું બેલેન્સ જાય અને નીચે પડો. એટલે સાઇકલ શીખવાની શરૂઆતમાં કોઈક સપોર્ટરની એટલે કે ટેકેદારની જરૂર પડે જ છે.
પણ, કિન્તુ, પરંતુ, લેકિન આ બધું વાંચવામાં જેટલું સહેલું લાગે છે એટલું સહેલું હોતું નથી હોં મારા વાલા. સાઇકલ ચલાવતા શીખવું એ `ગેબી' રીતે અઘરું કામ છે અને એમાં ઘણા દિવસો લાગી જતા હોય છે. સૌથી પહેલાં તો સપોર્ટ આપી સાથ નિભાવનાર ટેકેદાર બજારમાં `ઉપલબ્ધ' નથી હોતા. સાઇકલ પકડી સાથે દોડ્યાં કરવું એ `મહેનત માંગી લે એવું' અઘરું કામ છે અને જ્યારે આવો ટેકેદાર મળે ત્યારે સાઇકલસવાર અને ટેકેદાર વચ્ચે `તાલમેલ' ગોઠવાતો નથી. ટેકેદાર શીખવતી વખતે બૂમાબૂમ કરે ત્યારે `કચ્ચા ખેલાડી' જેવો સાઇકલ સવાર `રાગ ગભરાટ' ગાવા માંડે છે અને રઘવાટમાં સામો બકવાટ કરી ગમે ત્યાં સાઇકલ `ઠોકી' દેતો હોય છે.
મારો પોતાનો જ કિસ્સો કહું તો મારા મામાના દીકરા દીપેને સાથે દોડી દોડીને મને સાઇકલ ચલાવતા શીખવાડી હતી. મારું બેલેન્સ પણ ગોઠવાઈ ગયું હતું અને સાઇકલ પણ બરાબર ચાલતી'તી, પણ મારો એક જ પ્રોબ્લેમ હતો. મને સાઇકલ રોકી અને ઊતરતા નહોતું આવડતું અને જો એવું કરવા જાઉં તો હું સાઇકલ સહિત નીચે પડી જતો'તો. આના ઉપાય તરીકે દીપેને આઈડિયા કરેલો. હું જ્યારે આંટો મારીને આવું ત્યારે થોડું સાથે દોડી, સાઇકલ પકડી એને રોકી મને નીચે ઉતારી દેતો'તો, પણ એકવાર `સોલ્લિડ લોચો' પડેલો. હું આંટો મારીને આવ્યો ને જોયું તો દીપેન ઉર્ફે `દીપડો' ક્યાંક ગુમ થઈ ગયેલો. મારે ઊતરવું હતું, પણ ઉતરાય એમ નહોતું એટલે મેં સાઇકલ ચલાવવાનું જારી રાખ્યું. હવે શું કરવું એ હું વિચારતો'તો જ ત્યાં સામેથી બકરીઓનું `ધણ' ધસી આવ્યું. હું સાઇકલ રોકી ન શક્યો અને બકરીનાં ટોળાં વચ્ચે જઈ `ભફાંગ' કરીને ખાબક્યો. બકરીઓએ મને અને સાઇકલને કૂદીકૂદીને ઢીંકો મારી'તી. મારા એક મિત્રએ સાઇકલ શીખતી વખતે પોલીસને પછાડી દીધેલો. પછી તો `કાયદાએ કાયદાનું કામ' કરેલું અને એને `કડી સે કડી' સજા થયેલી. સાઇકલ શીખતી વખતે એક વાત બધાએ નોંધી હશે કે એ વખતે સાઇકલ જ્યાં ન લઈ જવાનું નક્કી કરીએ તે તરફ જ ચોક્કસ એ ધસી જતી હોય છે. આ લેખમાં પણ એવું થયું છે. સાઇકલનો આ લેખ પૂરો નહોતો કરવો, પણ પૂરો કરવો પડે છે અને બ્રેક મારવી પડે છે.