જાહેર જીવન જીવતી વ્યક્તિએ લોકોનાં હૃદય સુધી પહોંચવું હશે તો હસવું પડશે - પરિસ્થિતિ પર અને ક્યારેક જાત પર પણ.
અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા પછી પણ હસી શકતા અને લાખોની મેદનીને હસાવી પણ શકતા. રાજીવ ગાંધીમાં સેન્સ ઑફ હ્યુમર નહોતી, પણ પ્રવચનોમાં થતા બફાટને કારણે લોકોને સારું એવું હસવાનું મળી રહેતું : હમ જીતેંગે યા લૂઝેંગે!
મોરારજી દેસાઈ ક્યારેય પોતાની રમૂજવૃત્તિ માટે જાણીતા નહોતા, પરંતુ એક પર્સનલ મુલાકાત દરમ્યાન આર. કે. લક્ષ્મણનાં વિવિધ કાર્ટૂનોને યાદ કરીને એમને બોખા મોઢે ખડખડાટ હસતા જોયા છે.
વિનોદવૃત્તિ માણસ માટે જરૂરી છે. દુનિયા આખીનો ભાર પોતાને શિરે છે એવી વ્યથાની લકીર મોઢા પર લઈને શું કામ જીવવું. જેને હસતાં આવડે છે એને જીવતાં આવડે છે.
કવિવર ઉમાશંકર જોશીને સાઠ વર્ષ પૂરાં થયાં એ દિવસની વાત છે. કેટલાક સાહિત્યકારો એમને શુભેચ્છા આપવા અમદાવાદમાં મીઠાખળી છ રસ્તા નજીકના એમના `સેતુ' બંગલે ગયા. નિરંજન ભગતે કવિના ઘરે કવિ પર લખેલું કાવ્ય વાંચ્યું. ચા-પાણી પીને સૌએ વિદાય લીધી. ઉમાશંકર ઝાંપા સુધી સૌને વળાવવા આવ્યા. જતાં જતાં ઉમાશંકરે નિરંજન ભગતને પૂછ્યું, `તમે આવ્યા ત્યારે રસ્તામાં સામે લટકમટક ચાલવાળી, નટખટ, જાજરમાન, સુંદર સ્ત્રી મારા ઘરમાંથી બહાર નીકળતી તમને મળી?'
નિરંજન ભગત હેબતાઈ ગયા. કવિવર પ્રગટપણે આટલી રસિકતાથી પોતાના જેવા (નિરંજન ભગત જેવા) કન્ફર્મ્ડ બેચલર સાથે આટલી રસિકતાથી કોઈ સુંદરીની વાત કરતા હોય એવો આ પહેલો પ્રસંગ હતો. `ના, નથી જોઈ' નિરંજન ભગતે કહ્યું.
ઉમાશંકર બોલ્યા : `અરે! હમણાં જ તો મારા ઘરમાંથી તે વિદાય થઈ. એનું નામ બુદ્ધિદેવી હતું!'
સાઠે બુદ્ધિ નાઠી કહીને પોતાની જાત પર હસવા જેટલી સરળતા ઉમાશંકરમાં હતી, દરેક સાહિત્યકારમાં નથી હોતી. ઘણા આત્મપ્રશંસાવાદી કવિઓ-સાહિત્યકારો બીજાની ફીરકી ઉતારવામાં ઉસ્તાદ હોય છે, પણ પોતાની જાત પર હસવાની વાત તો જવા દો, બીજાઓ એમની નિર્દોષ મજાક પણ કરે તોય તેઓ સાંખી શકતા નથી.
ગાંધીજી કહેતા : `મારામાં વિનોદ કરવા અને સમજવા જેટલી બુદ્ધિ છે, તેને લીધે હું આવી (ન ગમતી) વસ્તુ પર ચિડાતો અટકું છું. એ જો મારામાં ન હોત તો તો હું ક્યારનો ગાંડો થઈ ગયો હોત.'
ગાંધીજીના વિનોદી સ્વભાવ વિશે જિતેન્દ્ર દેસાઈએ જે નોંધ કરી છે એના ત્રણેય ફકરા સાદ્યંત ટાંકવા જેવા છે. જિતેન્દ્ર દેસાઈ ગાંધીજીની પ્રકાશન સંસ્થા `નવજીવન'ના કર્તાહર્તા હતા. પ્રિન્ટિંગ ટેક્નોલોજીનું ભણવા બ્રિટન ગયા હતા.
જિતેન્દ્ર દેસાઈએ આ વાતો નોંધી છે :
સત્ય અને અહિંસા જેવા ગહન વિષય પર ગાંધીજીનાં લખાણો વાંચીને દૂરનો વાચક ગાંધીજીના મોહક અને વિનોદી વ્યક્તિત્વને અન્યાય કરી બેસે એવો સંભવ છે. એવો જ અન્યાય દૂરથી એમનાં દર્શન કરનાર પણ કરી બેસે તો આશ્ચર્ય નહીં. ઈશ્વર અને ધર્મની વારંવાર વાતો કરનાર ગાંધીજી કોઈ પાદરી જેવા ગંભીર પ્રકૃતિના હશે એમ પણ લાગે, પણ ગાંધીજીના સાંનિધ્યમાં થોડી મિનિટો ગાળનારના આવા ભ્રામક ખ્યાલો તરત જ દૂર થઈ જતા.
જીવનનાં અનેકવિધ પાસાંઓમાં ગાંધીજીના જીવનનું એક પાસું વિનોદથી ભરેલું હતું. જે અસંખ્ય સ્ત્રી-પુરુષો એમના સંપર્કમાં આવ્યાં તે સૌના પર આ વિનોદી અને લોહચુંબક જેવા આકર્ષક વ્યક્તિત્વની અસર પડી છે અને તેથી જ અનેક વિરોધીઓને ગાંધીજીએ પોતાના કરી લીધા છે. એમના વિનોદમાં કટુતા, ડંખ કે તિરસ્કાર ક્યાંયે દેખાતાં નથી. આવો વિનોદી સ્વભાવ ગાંધીજીનો ન હોત તો રાષ્ટ્રના મહાન સવાલોના બોજા નીચે તેઓ કચડાઈ ગયા હોત.
ગાંધીજીને હસતા જોઈને કેટલાક કુતૂહલથી પૂછતા કે આટલી ભારે અને ગંભીર જવાબદારીઓ અદા કરવાની હોય છે ત્યારે ગાંધીજી કેવી રીતે હસી શકે છે અને બીજાને હસાવી શકે છે? ગમે તેવા કપરા અને દુ:ખદ પ્રસંગોમાં પણ પોતે હસી શકે છે માટે જ આવો મહાન બોજો પોતે વહી શકે છે એમ ગાંધીજી કહેતા. તેમનું શિશુસરલ હાસ્ય તેમના વ્યક્તિત્વને અનેરો ઓપ આપતું, તેથી જ મહાત્માજીનું હાસ્ય જોવાનું સૌભાગ્ય જેને નથી મળ્યું તે મહાત્માજીને ઓળખતો નથી.
એક મિત્રને કહેલાં વચનોમાં ગાંધીજીની વિનોદવૃત્તિનું રહસ્ય આપણને સ્પષ્ટ સમજાય છે. તેમણે કહેલું કે, `જો મારામાં વિનોદવૃત્તિ ન હોત તો મારા પર અનેક દિશાઓમાંથી જે રોજ રોજ હુમલાઓ થાય છે તેણે મને ક્યારનો મારી નાખ્યો હોત, પણ મને ઈશ્વરમાં જીવંત શ્રદ્ધા છે. જ્યાં સુધી તે મને દોરવી રહ્યો છે ત્યાં સુધી બીજાઓ મારા વિશે શું કહે તેની પરવા નથી. તેમની ટીકાઓને હું રમૂજમાં લઉં છું અને જેઓ મને હસી રહ્યા છે તેમના પ્રત્યે પણ હું હસી શકું છું.' લલ્લુભાઈ મકનજીએ ગાંધીજીના વિનોદના અનેક પ્રસંગો નોંધ્યા છે. ગાંધીજીએ 1942માં ઈચ્છા વ્યક્ત કરી હતી કે મારે સવાસો વર્ષ જીવવું છે. એ જ વર્ષે પૂણેના આગાખાન મહેલ(યરવડા જેલ)માં તેઓ કેદ હતા ત્યારે એમણે 21 દિવસના ઉપવાસ કર્યા. માંદગીને કારણે સરકારે એમને જેલમુક્ત કર્યા ત્યારે વયોવૃદ્ધ નેતા પંડિત મદનમોહન માલવિયાજીએ એમને તાર કરીને શુભેચ્છા આપી : `માનવજાત અને ભારતમાતાની સેવા કરવા પ્રભુ આપને સો શરદનું આયુષ્ય આપે.'
ગાંધીજીએ જવાબ મોકલ્યો : `આપનો તાર મળ્યો, પણ કલમના એક જ ઝાટકે આપે મારાં પચીસ વર્ષ કાપી નાખ્યાં. ભલે, તો હવે આપના આયુષ્યમાં ઉમેરી દેજો!'
સાયલન્સ પ્લીઝ!
હસતાં અને હસી નાખતાં આવડી જાય તો જિંદગી ઘણી સરળ બની જાય.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો










