આગળના ભાગમાં આપણે જાણ્યું કે, કલકત્તા પોલીસને એક ગર્ભવતી મહિલાનો મૃતદેહ મળ્યો છે. મૃતદેહનાં તમામ અંગોને ખૂબ જ ખરાબ રીતે કાપી નાખવામાં આવ્યાં છે. અલગ અલગ જગ્યાએથી અંગો એકઠાં કરીને પોલીસે ભારતમાં પ્રથમ વખત પ્લાસ્ટિક સર્જરી દ્વારા મહિલાની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો. તપાસ અધિકારી સમરેન્દ્ર ઘોષ છે. આ અધિકારી એક દિવસ અચાનક જ એક ફાર્મસી પર ખાંસીની દવા લેવા જાય છે અને ત્યાંથી જાણવા મળે છે કે, ફાર્મસીનો માલિક બિરેન દત્તા ઘણા દિવસથી ગાયબ છે અને પોતાની દુકાન પર પણ નથી આવ્યો. પોલીસ અધિકારી સમરેન્દ્ર ઘોષ ફાર્મસી માલિકનું સરનામું મેળવે છે અને તેના ઘરે પહોંચે છે, પરંતુ ઘર બંધ મળે છે અને એવી માહિતી જાણવા મળે છે કે, બિરેન ઘોષની ગર્ભવતી પત્નીને શિશુ મંગલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હવે આગળ...
ગર્ભવતી બેલાને શિશુ મંગલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ માહિતી સમરેન્દ્ર ઘોષના દિમાગમાં ક્લિક થઈ ગઈ, તેમણે તરત જ પોતાની ટીમને આ હોસ્પિટલમાં તપાસ કરવાનું કહ્યું અને અડધા કલાકની અંદર જ તેમણે માહિતી મળી ગઈ કે, શિશુ મંગલ હોસ્પિટલમાં કોઈ બેલારાણી નામની ગર્ભવતી મહિલાને દાખલ કરવામાં નથી આવી. આ માહિતીથી બિરેન દત્તા વિરુદ્ધ શંકા વધુ મજબૂત બની. પોલીસે ઊંડી તપાસ કરતાં માલૂમ પડ્યું કે આધેડ વયનો બીરેન દત્તા માત્ર ફાર્માસિસ્ટ નહોતો, પરંતુ તે બંગાળી નાટક અને ચલચિત્ર જગતનો એક જાણીતો અભિનેતા પણ હતો. તેણે મહાન અભિનેતા ઉત્તમ કુમાર સાથે `કામના' ફિલ્મમાં પણ કામ કર્યું હતું, ઉપરાંત `નારી', `મહાકાળ', `શુભદા', `નિષ્કૃતિ' અને `પાપેર પથે' જેવી જાણીતી બંગાળી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.
પોલીસે બીરેન દત્તાની ગતિવિધિઓ પર ગુપ્ત નજર રાખવાનું શરૂ કર્યું અને 27 ફેબ્રુઆરી, 1954ના રોજ તેને ઝડપી લઈ લાલબજાર પોલીસ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યો. લાલબજારના તપાસ ખંડમાં સેમરેન્દ્રનાથ ઘોષ અને તેમની ટીમે બીરેન દત્તાની દીર્ઘ મનોવૈજ્ઞાનિક પૂછપરછ હાથ ધરી. શરૂઆતમાં બીરેન પોતાના અભિનય કૌશલ્યનો ઉપયોગ કરીને નિર્દોષ હોવાનું નાટક કરતો રહ્યો અને પોલીસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કર્યા. જ્યારે પોલીસે તેને બેલા વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે, બેલા તેની પત્ની છે અને તે તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે, પરંતુ જેમ જેમ સેમરેન્દ્રનાથ ઘોષે તેની કથનીમાં રહેલા વિરોધાભાસો, અસત્યો અને સમયરેખાની ખામીઓને એક પછી એક તેની સામે મૂકવાનું શરૂ કર્યું, તેમ તેમ બીરેનનો આત્મવિશ્વાસ ડગમગવા લાગ્યો. 27 ફેબ્રુઆરીની મોડી રાત્રે બીરેન દત્તા માનસિક રીતે સંપૂર્ણપણે ભાંગી પડ્યો અને ટેબલ પર માથું ઢાળીને રડતાં રડતાં કબૂલાત કરી: `સાહેબ, મેં જ એક સ્ત્રીની હત્યા કરી છે અને તેના શરીરના ટુકડા કરી નાખ્યા છે. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો'.
પોલીસ કસ્ટડીમાં બીરેન દત્તાએ જે સત્ય પ્રગટ કર્યું, તેણે અધિકારીઓને પણ સ્તબ્ધ કરી દીધા. બીરેન દત્તા અત્યંત ચાલાકીથી બેવડું જીવન જીવી રહ્યો હતો અને કલકત્તામાં બે અલગ અલગ સ્થળોએ બે પરિવારો ચલાવતો હતો. વર્ષો પહેલાં તેણે કમલા નામની એક મહિલા સાથે પ્રેમસંબંધ બાંધીને તેને ઘરમાંથી ભગાડી હતી. તેણે કમલાનું નામ બદલીને બેલારાણી (બેલા) રાખ્યું હતું અને તેને કલકત્તાના 55/4/2 ટર્ફ રોડ ખાતે એક અલગ ઘરમાં રાખતો હતો. જોકે, તેણે બેલા સાથે ક્યારેય કાનૂની રીતે લગ્ન કર્યાં નહોતાં, માત્ર તેના સેંથામાં સિંદૂર પૂરીને પત્નીનો દરજ્જો આપ્યો હતો અને આ દંપતીને 6 વર્ષનો એક પુત્ર હતો જેનું નામ બાથિન્દ્રનાથ (બોટોન) હતું. બીજી તરફ, વર્ષ 1948માં બીરેને બેલારાણીને સંપૂર્ણ અંધારામાં રાખીને સરોજ કાંતિ બસુની પુત્રી મીરાં સાથે કાનૂની રીતે રજિસ્ટર્ડ લગ્ન કરી લીધાં હતાં. તેણે મીરાં માટે કલકત્તાના 102A હરીશ મુખર્જી રોડ ખાતે એક રૂમ ભાડે રાખ્યો હતો અને વર્ષ 1953માં મીરાંથી તેને એક પુત્ર પણ થયો હતો.
ખૂબ જ રસપ્રદ બાબત એ હતી કે ટર્ફ રોડ અને હરીશ મુખર્જી રોડ વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હતું. બીરેન પોતાની દૈનિક દિનચર્યા એવી રીતે ગોઠવતો કે બેમાંથી એક પણ પત્નીને શંકા ન જાય. તે બપોરે ટર્ફ રોડ પર બેલા સાથે જમવા આવતો અને મીરાંને જૂઠું કહેતો કે તે YMCA કેન્ટિનમાં બોસ સાથે જમે છે. રાત્રે તે હરીશ મુખર્જી રોડ પર મીરાંના ઘરે સૂતો અને બેલાને એવું કહેતો કે તેને દવાની દુકાન માટે દવાઓનો જથ્થો ખરીદવા માટે કલકત્તા બહાર જવું પડે છે, પરંતુ બીરેનની રેસકોર્સમાં જુગાર રમવાની અને ઘોડાની સટ્ટાબાજીની લતના કારણે તેની ફાર્મસી ભારે દેવામાં ડૂબી ગઈ. આર્થિક સંકટ ઘેરું બન્યું, એવામાં બેલારાણી બીજી વાર સગર્ભા બની. બીરેનને ડર લાગ્યો કે બીજા બાળકના આગમનથી આર્થિક બોજ અસહ્ય થઈ જશે અને તેનો આ બેવડા જીવનનો પર્દાફાશ થઈ જશે. તેણે બેલા પર વ્યભિચારનો ખોટો આરોપ મૂક્યો અને તેની સાથે ઝઘડો કર્યો અને તેને રસ્તામાંથી કાયમ માટે હટાવવાનું ષડ્યંત્ર રચ્યું. હત્યાના થોડા દિવસ પહેલાં જ તેણે પોતાના પુત્ર બોટોનને મીરાંના ઘરે મોકલી આપ્યો અને મીરાંને એવું જૂઠું કહ્યું કે બોટોન તેના માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા મિત્રનો અનાથ પુત્ર છે.
ગુનાહિત ઘટનાક્રમની વિગતો આપતાં બીરેને જણાવ્યું કે 27 જાન્યુઆરી, 1954ની રાત્રે દુકાનેથી પાછા ફર્યા બાદ ટર્ફ રોડના મકાનમાં બેલારાણી સાથે તીવ્ર બોલાચાલી થઈ હતી.
ક્રોધાવેશમાં આવીને બીરેને રસોડામાંથી શાકભાજી કાપવાનું ધારદાર દેશી શસ્ત્ર `ડા' (Da - ભારે ચોપર) ઊંચકી લીધું અને બેલાની ગરદન પર ભારે પ્રહાર કરી દીધો. બેલારાણી સ્થળ પર જ લોહીના ખાબોચિયામાં ઢળી પડી અને મૃત્યુ પામી. હત્યા કર્યા બાદ બીરેને લોહી સાફ કર્યું અને શવને રાત્રે લાકડાના મોટા કબાટમાં છુપાવી દીધું. બીજા દિવસે 28 જાન્યુઆરીના રોજ તે ઘરમાં પાછો આવ્યો અને એ જ `ડા' વડે બેલારાણીના શવના ટુકડા કર્યા. ઓળખ છુપાવવા માટે તેણે ચહેરાની ત્વચા છોલી નાખી, આંગળીઓ અને કાન કાપી નાખ્યા તથા આંખો ઉઝરડી લીધી. ત્યારબાદ તે ટુકડાઓને ઘરમાં રાખેલા `યુગાંતર' અખબારોમાં બાંધીને નાળિયેરની દોરી વડે 8 અલગ અલગ બંડલ તૈયાર કર્યા. 29 જાન્યુઆરીની સવારે તે આ બંડલોને શાકભાજીની થેલીમાં ભરીને કાલિઘાટ પાર્ક અને કેઓરાતલા સ્મશાનગૃહ પાસે ફેંકી આવ્યો હતો.
માત્ર આરોપીની કબૂલાતના આધારે અદાલતમાં કેસ સાબિત કરવો મુશ્કેલ હોવાથી સેમરેન્દ્રનાથ ઘોષની ટીમે વૈજ્ઞાનિક અને આડકતરા પુરાવાઓનું એક નિર્ભૂલ ચક્ર રચ્યું. ફાર્મસીની તલાશી દરમિયાન પોલીસને જે અખબારની ફાઈલો મળી તેમાંથી 21 નવેમ્બર, 1953 તેમજ 10, 25 અને 26 જાન્યુઆરી 1954ની `યુગાંતર' પત્રિકાનાં પાનાં ગાયબ હતાં, જે શવના ટુકડા વીંટાળવા વપરાયેલાં અખબારોની તારીખો સાથે હૂબહૂ મેળ ખાતાં હતાં. પોલીસે ટર્ફ રોડના ઘરેથી હત્યામાં વપરાયેલું `ડા' જપ્ત કર્યું, જેના પરથી મળી આવેલા માનવ વાળના નમૂના મૃતક બેલારાણીના વાળ સાથે ફોરેન્સિક તપાસ દરમિયાન મેચ થઈ ગયા. આ ઉપરાંત, શિશુ મંગલ હોસ્પિટલને બદલે બિરેન દત્તાના ઘર નજીક જ આવેલી શંભુનાથ પંડિત હોસ્પિટલમાંથી બેલારાણીની ગર્ભાવસ્થાના તબીબી કાગળો અને પ્રિસ્ક્રિપ્શનો મળી આવ્યાં હતાં, જેણે સાબિત કર્યું કે તે બીરેનની પત્ની તરીકે ત્યાં સારવાર લેતી હતી.
શવની કાનૂની ઓળખ નિર્વિવાદ બનાવવા માટે કલકત્તા પોલીસે કલકત્તા યુનિવર્સિટીના માનવશાસ્ત્ર વિભાગના સુપ્રસિદ્ધ પ્રોફેસર ડો. એસ. એસ. સરકારની નિષ્ણાત સલાહ લીધી. ડો. સરકારે અજ્ઞાત શવના અસાધારણ મોટા પંજાના અસ્થિમાપ અને રેખાંકનોની સરખામણી બેલારાણીના પિતા અને કાકાના પગના પંજાની શારીરિક માપણીઓ સાથે કરી હતી. તેમણે વૈજ્ઞાનિક અહેવાલ આપ્યો કે આ પંજાઓની સંરચના એક જ વંશાનુગત પરિવારની છે, જેથી સાબિત થયું કે મૃતક મહિલા કમલા અર્થાત્ બેલારાણી જ હતી. વધુમાં જ્યારે બેલારાણીની માતાને શવની ડાબી સાથળ પરના જૂના કટ-માર્કનો ફોટોગ્રાફ બતાવવામાં આવ્યો ત્યારે તેમણે આંસુ સાથે પુષ્ટિ કરી હતી કે 8 વર્ષની વયે કમલાને વાગવાથી આ કાયમી ઘા પડ્યો હતો. પોલીસ અધિકારીઓએ આ કેસમાં ગુનાહિત માનસિકતાના વિશ્લેષણ માટે પ્રસિદ્ધ ઇટાલિયન અપરાધશાસ્ત્રી ચેસારે લોમ્બ્રોસોના સિદ્ધાંતોનો પણ અભ્યાસ કર્યો હતો.
અલીપોર સેશન્સ કોર્ટમાં ચાલેલા ઐતિહાસિક મુકદમા દરમિયાન બીરેન દત્તા શ્રેષ્ઠ વકીલો રોકીને બચાવવાનો પ્રયાસ કરતો રહ્યો અને દાવો કર્યો કે તે નિર્દોષ છે તથા બેલારાણી અન્ય કોઈ પુરુષ સાથે ભાગી ગઈ છે. જોકે, કલકત્તા પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા ફોરેન્સિક, માનવશાસ્ત્રીય, દસ્તાવેજી અને પરિસ્થિતિજન્ય પુરાવાઓના પર્વત સામે બચાવ પક્ષની તમામ દલીલો ધ્વસ્ત થઈ ગઈ. અદાલતે બીરેન દત્તાને દોષિત ઠેરવીને ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ મૃત્યુદંડની સજા સંભળાવી. આ સજાને કલકત્તા હાઈકોર્ટ અને ત્યારબાદ ભારતની સર્વોચ્ચ અદાલતે પણ સંપૂર્ણપણે યોગ્ય ઠેરવી બહાલ રાખી હતી. આખરે 28 જાન્યુઆરી, 1956ની સવારે અલીપોર સેન્ટ્રલ જેલમાં બીરેન દત્તાને ફાંસીના મંચ પર લટકાવી દેવામાં આવ્યો હતો. 1954નો બેલારાણી દત્તા હત્યાકેસ આજે પણ ભારતીય ગુનાહિત તપાસ વિજ્ઞાન અને ફોરેન્સિક ઇતિહાસમાં કલકત્તા પોલીસની સક્ષમતા, પ્લાસ્ટિક સર્જરીનો પ્રથમ પ્રયોગ અને ન્યાયિક ચોકસાઈના એક સીમાચિહ્્ન રૂપ દસ્તાવેજ તરીકે અમર છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો