મોટાભાગના ભારતીયો સરદાર વલ્લભભાઈ પટેલ વિશે બહુ ઓછું જાણે છે, જે ખૂબ જ શરમજનક છે. જેટલી મહત્ત્વતા અને મહત્તા જવાહરલાલ નહેરુ કે મહાત્મા ગાંધીજી વિશે ગાઈ વગાડીને જતાવવામાં આવી છે, તેટલી આ મહાન રાષ્ટ્રપુરુષ વિશે બતાવવામાં આવી નથી.

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના સન્માનમાં ભારતમાં 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઊજવવામાં આવે છે, જે ભારત સરકાર દ્વારા ઠેઠ 2014માં રજૂ કરવામાં આવ્યો હતો. તેઓ ભારતીય પ્રજાસત્તાકના સ્થાપકોમાંના એક હતા જ. સિવિલ સર્વિસીસની સ્થાપના, આધુનિક અખિલ ભારતીય સેવા પ્રણાલીની સ્થાપના કરી, જેના કારણે તેમને `ભારતના સિવિલ સેવકોના આશ્રયદાતા સંત' કહેવાય છે. વૈશ્વિક સ્તર પર તેમને `ભારતના બિસ્માર્ક'નું બિરુદ મળ્યું હતું. આ બિસ્માર્ક કોણ હતા અને શા માટે વલ્લભભાઈને ભારતના બિસ્માર્કનું બિરુદ આપવામાં આવ્યું?

ઓટ્ટો એડ્યુઅર્ડ લિયોપોલ્ડ, બિસ્માર્કના રાજકુમાર, બિસ્માર્ક-શોનહૌસેનના કાઉન્ટ, લૌનનબર્ગના ડ્યુક (1 એપ્રિલ 1815 - 30 જુલાઈ 1898) એક જર્મન રાજકારણી અને રાજદ્વારી હતા, જેમણે જર્મનીનું એકીકરણ કર્યું, 1871થી 1890 સુધી જર્મનીના પ્રથમ ચાન્સેલર તરીકે સેવા આપી. બિસ્માર્કની રાજનીતિ અને મક્કમ શાસનને કારણે તેઓ લોખંડી (Iron) ચાન્સેલર તરીકે જાણીતા થયા. જ્યારે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ (31 ઓક્ટોબર, 1875 - 15 ડિસેમ્બર, 1950), જેમને સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે ઓળખવામાં આવે છે, તે ભારતીય સ્વતંત્રતા કાર્યકર અને રાજકારણી હતા. તેમણે 1947થી 1950 સુધી ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન તરીકે સેવા આપી હતી.

જોગાનુજોગ વલ્લભભાઈને `ભારતના બિસ્માર્ક' સાથે `ભારતના લોખંડી પુરુષ' (Iron Man of India) તરીકે પણ સન્માનવામાં આવે છે. બંનેએ પોતપોતાના દેશના એકીકરણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને બંનેને મજબૂત, નિર્ણાયક નેતાઓ માનવામાં આવે છે, પરંતુ તેમની પદ્ધતિઓ અને તેમના કાર્યના સંદર્ભો નોંધપાત્ર રીતે અલગ હતા. બિસ્માર્ક અને પટેલ વચ્ચે જર્મની અને ભારત જેટલો જ તફાવત હતો.

મુખ્ય તફાવત છે એકીકરણની પદ્ધતિ:- બિસ્માર્કે જર્મનીને એક કરવા માટે લશ્કરી બળ અને `લોખંડ અને લોહી'(બ્લડ એન્ડ આયર્ન પોલિસી)નો ઉપયોગ કર્યો હતો, જેમાં યુદ્ધોનો સમાવેશ થતો હતો. બિસ્માર્ક માનતા હતા કે ફક્ત લોહી વહેવડાવવાથી જ આ રાજ્યોને એક કરી શકાય છે, શાંતિપૂર્ણ માધ્યમો વિશે વધુ વિચારતા નહોતા. જ્યારે પટેલે શાંતિપૂર્ણ રાજદ્વારી સમજાવટ, વાટાઘાટો અને છેલ્લા ઉપાય તરીકે બળનો ઉપયોગ કરવાની ઇચ્છા દ્વારા ભારતનાં રજવાડાંઓને એક કર્યાં હતાં. હૈદરાબાદ જેવા કિસ્સાઓમાં જ બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બિસ્માર્કે એક રાષ્ટ્ર બનાવવા માટે 36 રાજ્યોને એકીકૃત કર્યાં હતાં. નેતૃત્વ શૈલી સરમુખત્યાર અને વાસ્તવિક રાજકારણના માસ્ટર, પોતાનાં લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે શક્તિ અને વ્યવહારુ રાજકારણનો ઉપયોગ કર્યો હતો. તેમણે નાના ટુકડા થયેલાં જર્મન રાજ્યોને એક કરીને એક મજબૂત અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવ્યું. જ્યારે પટેલે 560થી વધુ રાજા-રજવાડાંઓને એકીકૃત કર્યાં, જે વધુ વૈવિધ્યસભર અને ખૂબ મોટો વિસ્તાર છે.

નિર્ણાયક અને દૃઢ નિશ્ચયી, રાષ્ટ્રીય એકતા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા માટે જાણીતા છે. સરદાર વલ્લભભાઈ પટેલ બિસ્માર્કથી અલગ હતા, કારણ કે બિસ્માર્કનાં 36 રાજ્યોની સરખામણીમાં સરદારે જર્મની કરતાં ઓછામાં ઓછા દસ ગણા મોટા વિસ્તારમાં ફેલાયેલાં વિવિધ રજવાડાંઓને એકીકૃત કર્યાં હતાં. આધુનિક ભારતના ભૌગોલિક અસ્તિત્વ અને ઓળખ, જેના પર આજે આપણે ગર્વ અનુભવીએ છીએ તે તેમના કારણે જ શક્ય બન્યાં છે. સરદાર પટેલ અને બિસ્માર્ક મહાન વ્યક્તિત્વ હોવા છતાં, પટેલનું યોગદાન બિસ્માર્ક કરતાં વધુ મહત્ત્વપૂર્ણ હતું, કારણ કે ભારત તેના ધર્મ, ભાષા, સંસ્કૃતિ વગેરેની દૃષ્ટિએ ખૂબ જ વૈવિધ્યસભર દેશ હતો અને હજુ પણ છે. વલ્લભભાઈ કહેતા `ઇતિહાસ લખવા કરતાં ઇતિહાસ રચવો વધુ સારો છે', જે તેમણે રચી બતાવ્યો છે.