યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા

(યુએસએ)માં રોજ 9 લોકો પાણીમાં ડૂબી જાય છે. તે પૈકી 6 અશ્વેતો હોય છે. 5થી 14 વર્ષના આફ્રોઅમેરિકી બાળકોનો પાણીમાં ડૂબવાનો દર ગોરા બાળકોની તુલનામાં 2.6 ગણો વધારે હોવાનું અમેરિકી રોગ નિયંત્રણ કેન્દ્ર જણાવે છે. અમેરિકી એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સના અભ્યાસનું તારણ છે કેઅશ્વેત કિશોરોની સરખામણીએ બિનશ્યામ કિશોરોની પાણીમાં ડૂબી જવાની સંભાવના આઠ ગણી વધુ છે. યુનાઈટેડ કિંગ્ડમ(યુકે)ની શાળાઓમાં સ્વિમિંગ પાઠ્યક્રમનો અનિવાર્ય હિસ્સો છે. તેમ છતાં ત્યાં 2022માં 95 ટકા મોટા અને 80 ટકા નાના શ્યામવર્ણના લોકો તરી શકતા નહોતા. અમેરિકાની વિલિયમ્સ કોલેજમાં 2013થી 2019 દરમિયાન લેવામાં આવેલી 50 યાર્ડની સ્વિમિંગ ટેસ્ટમાં 81 ટકા અશ્વેતો નાપાસ થયા હતા. પુખ્ત ઉંમરના ધોળાઓ કરતાં પાંચ ગણા વધુ અશ્વેતો પાણીમાં તરી શકતા નથી.

વંશીય ભેદ અને અસમાનતા કેવાં કેવાં સ્વરૂપમાં હોય છે તે જાણીને નવાઈ લાગે છે. વળી, તે સાચી છે તેની ખાતરી થતાં આઘાત સાથે શરમ અનુભવાય છે. પાણીમાં તરવું તે સામાન્ય બાબત લાગે છે. ભારતના ગ્રામ્ય પ્રદેશમાં જ્યાં દરિયો, નદી-નાળાં, નહેર, તળાવની સગવડ છે ત્યાં બાળવયથી જ ખાસ કશી તાલીમ વિના લોકો નહાય છે અને થોડું તરવાનું કૌશલ્ય હાંસલ થતા એયને ધુબાકા મારે રાખે છે. પાણીના આ જાહેર સ્રોત પર જ્ઞાતિભેદ જરૂર છે અને તે પ્રમાણેના ઓવારા પણ જોવા મળે છે, પરંતુ તરવાનું કૌશલ્ય હાંસલ ન કરી શકે તેવો ભેદ વંશીય અસમાનતાને કારણે અમેરિકા-બ્રિટનની અશ્વેત પ્રજા સાથે આચરાયો છે.

ઈ.સ. 1800થી 1930ના દાયકાઓમાં અમેરિકામાં સ્વિમિંગ પુલ બનાવવાની હોડ મચી હતી. સ્થળાંતરિત ગરીબોની વસ્તીમાં પણ તે બનતા જોવા મળ્યા હતા, પણ બ્લેક વસ્તીમાં તે જોવા મળતા નહોતા. 1930ના દાયકામાં અમેરિકાના સેન્ટ લુઈસ શહેરની વસ્તીમાં બ્લેક વસ્તી 15 ટકા હતી, પરંતુ આટલી મોટી વસ્તીમાં માંડ એક જ સ્વિમિંગ પુલ હતો. તે પણ જર્જર અને અસ્વચ્છ. દક્ષિણ અમેરિકામાં જિમ ક્રો કાનૂનોએ સ્વિમિંગ પુલ અને સમુદ્રતટો પર રંગભેદ અનિવાર્ય કર્યો હતો. ઉત્તર અમેરિકાના પિટ્સબર્ગ જેવાં શહેરોમાં શ્વેત-અશ્વેત વચ્ચે તરવાની જગ્યામાં ભેદ નહોતો, પરંતુ જો કોઈ શ્વેત બાળકો અશ્વેત તરતા હોય તે જગ્યાએ તરવા આવે તો પોલીસ મારીને ભગાડી મૂકતી. વળી, અશ્વેતો તરી ન શકે એટલે તરવાની જગ્યાઓમાં કચરો નાંખતા અને તેથી આગળ વધીને એસિડ પણ ફેંકતા હતા. 1949માં સેન્ટ લુઈસ શહેરમાં અશ્વેતો તરતા હતા ત્યાં ગોરાઓએ હુમલો કર્યો હતો. એટલે અશ્વેતોની વસ્તીમાં સ્વિમિંગ પુલની સગવડો ન આપવી અને જ્યાં સગવડો છે તેવી શ્વેત વસ્તીના સ્વિમિંગ પુલમાં અશ્વેતોને પ્રવેશ ન આપવો તેને કારણે અમેરિકાની આફ્રોઅમેરિકી પ્રજા તરવાના કૌશલ્યથી વંચિત રહી હતી.

અશ્વેત પ્રજા કોઈ જૈવિક અક્ષમતાને કારણે પાણીમાં તરવાથી દૂર રહી હોઈ એવું નહોતું. ઐતિહાસિક અસમાનતા, વંશીય ભેદભાવ, પ્રવેશ પર રોક, અલગાવ (SEGREGATION) અને સંસાધનોની અછત જ કારણ હતું, પરંતુ ધોળિયાઓ અશ્વેતોને તરણથી દૂર રાખીને તેમના દૂર હોવાના કારણ તરીકે તેમની શારીરિક અક્ષમતાને આગળ કરતા હતા. અશ્વેતોનાં હાડકાં લચીલાં નહીં, પણ સપાટ હોવાથી પાણીમાં તરવા જરૂરી ઉછાળ (Bounce)નો અને શરીરમાં ચરબીનો અભાવ હોવાનું કારણ જણાવતા હતા. બ્લેક મહિલાઓ તેમના વાળ અને હેર સ્ટાઈલની બહુ દીવાની હોય છે અને તરવાને કારણે ભારે ખર્ચ અને માવજતથી તૈયાર કરેલા વાળ બગડી જાય છે એટલે તે તરણથી દૂર રહે છે તેવું કારણ પણ આગળ કરાતું હતું. આ રીતે તેઓ અસમાનતા અને વંશીય ભેદનાં કારણોને ઓછલ કરી દેતા હતા.

આજના આફ્રોઅમેરિકીઓના વડવાઓને જ્યાંથી ગુલામો તરીકે લાવવામાં આવ્યા હતા, તે આફ્રિકામાં તરણની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત છે. એટલે તેઓ જાતે કે શરીરની નબળાઈથી તરણથી દૂર રહ્યા હોવાની વાત માની શકાય તેવી નથી. 16૭9માં માર્ટિનિકના કિનારે ગુલામોને લઈ જતું જહાજ દુર્ઘટનાગ્રસ્ત થયું ત્યારે એક અનામ આફ્રિકન ગુલામ 60 કલાક દરિયામાં તરીને કિનારે પહોંચ્યો હતો.

1831માં ટાઈસ ડેવિડ નામનો ગુલામ કેંટકીથી ભાગીને ઓહિયા નદી તરીને ઓહિયા પહોંચ્યો હતો. સાવ નજીના ભૂતકાળમાં ક્લેન જોન્સ અને એન્ટની એરવિન નામક બે બ્લેકે 2012ની ગ્રીષ્મ ઓલિમ્પિકમાં સ્વિમિંગમાં ભાગ લીધો હતો. હવે જોન્સે વંચિત સમુદાયના લોકોને તરવાની તાલીમ આપવાના કાર્યને જીવનકાર્ય બનાવ્યું છે.

છેક 20મી સદી સુધી અમેરિકા-બ્રિટનમાં અશ્વેત પ્રજાને તરવાના આનંદથી દૂર રાખી હતી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે. અમેરિકાના તરણમંડળો અને તરણસ્થળોમાં અશ્વેતોની હાજરી વર્તાવા માંડી છે. બ્લેક પુરુષો જ નહીં, બ્લેક મહિલાઓ પણ છેક ઓલિમ્પિક સુધી સ્વિમિંગમાં ભાગ લે છે અને જીતે છે. ભારતમાં જ્ઞાતિભેદ અને આભડછેટને દૂર કરવામાં સરકાર અને સમાજનું ખાસ યોગદાન જોવા મળતું નથી, પરંતુ યુકે-યુએસએમાં એવું નથી. અમેરિકામાં સ્વિમિંગ ટેસ્ટમાં તેની વંશીય અસમાનતા બહાર આવતાં વોશિંગ્ટન, વિલિયમ્સ, લી અને હિમિલ્ટન યુનિવર્સિટી સહિતની જાણીતી શિક્ષણ સંસ્થાઓએ છેલ્લા કેટલાક વર્ષોથી સ્વિમિંગ ટેસ્ટ લેવાની બંધ કરી દીધી છે.

સ્વિમિંગ કે તરણના જ્ઞાન સુધીની અશ્વેતોની પહોંચ અને અસમાનતા ખાળવા અધિક સમાન સમાજ બનાવવા માટે હજુ ઘણી પેઢીઓની સમાનતાની જરૂર છે. અશ્વેત માતા-પિતા ખાસ કરીને માતાઓમાં તરણ કૌશલ્ય ભેદભાવને કારણે આવ્યું નથી, તેથી તેઓ પોતાનાં સંતાનોને પાણીથી અને એટલે તરવાથી દૂર રાખે છે. તેમનો આ ડર દૂર કરવાના મનોવૈજ્ઞાનિક પ્રયત્નો શરૂ થયા છે. સ્વિમિંગનો આનંદ જે સૌ માટે સમાન ધોરણે ઉપલબ્ધ નહોતો તેને મોટા પાયે ઉપલબ્ધ કરાવવાની આવશ્યકતા છે. અમેરિકા સહિતના પશ્ચિમી દેશોમાં સામાજિક અને ઐતિહાસિક કારણોથી અશ્વેત પ્રજાને તરવાથી દૂર રાખી હતી, હવે તેની આ ક્ષેત્રમાં ભાગીદારી વધે તે માટે બમણા જોરથી લાગી જવાનું છે. સ્વિમિંગને પાઠ્યક્રમમાંથી દૂર કરવાનું કે સ્વિમિંગની ટેસ્ટ પડતી મૂકવાનું હાલના સમય સંજોગોમાં કદાચ વાજબી હોઈ શકે, પણ શ્વેત-અશ્વેતના ભેદ સિવાય સૌ સમાન ધોરણે તરવાનો અને જીવવાનો આનંદ મેળવતા થાય તેવો સમાજ આપણે ઘડવાનો છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો