એવું કહેવાય છે કે, તમારી જીભ જ નહીં, પરંતુ તમારી ત્વચા પણ અનેક પ્રકારની બોલીઓ બોલે છે. તમારા ડરી જવાથી કે ભયભીત થઇ જવાથી તમારી ત્વચા સફેદ થઇ જાય છે અને શરમથી એ ઘણી વાર લાલ થઇ જાય છે. ગુસ્સાથી તમે ઘણાના ચહેરાની ત્વચા લાલ થતી જોઈ હશે એટલે કે આપણી ત્વચા પર આપણા મનની સ્થિતિની સીધી અસર થતી હોય છે.

મહર્ષિ ચરકે ત્વચાના રોગો અને ઉપદ્રવોને લાંબા સમય સુધી હેરાન કરનારા રોગોમાં આગળ પડતું સ્થાન આપ્યું છે. એટલે કે ચામડીના રોગોના ઉપચારમાં ખૂબ ધીરજ રાખવી પડે છે. ચામડીના રોગો શારીરિક તેમજ માનસિક દોષો-કારણોથી ઉત્પન્ન થાય છે એટલે આવા રોગોના ઉપચાર પહેલાં સૌ પ્રથમ શરીરની અને મનની શુદ્ધિ થવી ખૂબ જરૂરી છે. ત્યાર પછી રોગનો, તેનાં કારણોનો, દૈહિક પ્રકૃતિનો, રોગની અવસ્થા વગેરેનો વિચાર કરીને ઔષધોપચાર કરવો જોઈએ.

ત્વચાના રોગોમાં કુષ્ઠ, સફેદ ડાઘ- કોઢ, સોરાયસિસ, ખરજવું, દાદર, ખીલ, ખસ, શીળસ, વાઢિયા, કરોળિયા, ચામડીના મસા, સડો-કોહવાટ, ખોડો, ઊંદરી વગેરેમાં રોગીની આંતરિક શુદ્ધિ કર્યા પછીનો ઉપચાર રોગને જલદી મટાડે છે.

શુદ્ધિ

કબજિયાતથી મોટા આંતરડામાં સડો ઉત્પન્ન થઈ મળમાં અને વાછૂટમાં તીવ્ર દુર્ગંધ આવે છે. તે સડાથી આંતરડાંમાં બિનજરૂરી કીટાણુઓ, ફૂગ વગેરે ઉત્પન્ન થઈને રોગોત્પત્તિ થાય છે. કબજિયાતને લીધે જ ખીલ, આંખ નીચે કાળાશ-કૂંડાળાં, કૃશતા-પાતળાપણું, ખોડો, વાળ ખરવા, લોહીની ઊણપ, ગેસ, મસા, મળમાર્ગના ચીરા-ફિશર, મોઢામાં ચાંદાં, અરુચિ, અપચો, પેટ ગેસથી ભારે લાગવું, એસિડિટી, ખાટા ઓડકાર, ઊબકા, ઊલટી, શીરઃશૂળ, ઉદરશૂળ, કટીશૂળ, ઊંઘ ન આવવી, ભૂખ ઓછી થઇ જવી વગેરે વિકૃતિઓ ઉત્પન્ન થાય છે. માનસિક શુદ્ધિની સાથે કબજિયાતને દૂર કરી આંતરિક શુદ્ધિ કરવામાં આવે તો પણ કેટલાક ત્વચા રોગો શાંત થઇ જાય છે. શરીરિક અને માનસિક શુદ્ધિ માટે આપ નીચે પ્રમાણે ઉપચાર કરી શકો.

રોજ સવારે ઉકાળીને ઠંડું કરેલું બે ગ્લાસ પાણી પીવું. દિવસે વધારે પાણી પીવું.

સવાર-સાંજ 20 મિનિટ ચાલવાથી પાચનતંત્ર સક્રિય રહે છે અને કબજિયાત થતી નથી.

અનિયમિત ખાવાની ટેવથી કબજિયાત થાય છે એટલે રોજ નિયમિત આહાર લેવાની ટેવ પાડો.

ભૂખ ન લાગે તો જમવું જ નહીં.

બે ભોજનની વચ્ચે નાસ્તાની ટેવ ન પાડો. વચ્ચેના ગાળામાં ભૂખ લાગે તો સીઝન પ્રમાણેનાં ફાળો કે ફણગાવેલા કઠોળ લો.  

મેંદાની અને તળેલી ચીજો બંધ કરવી. ગ્રીન સલાડ અને શાકભાજીનો ઉપયોગ વધારો.

રાત્રે સૂતી વખતે એક ગ્લાસ ગરમ કરેલું દૂધ પીવું.

વધારે કબજિયાત હોય તો રોજ રાત્રે હરડે, ત્રિફળા અથવા સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ હૂંફાળા ગરમ દૂધ અથવા પાણી સાથે પોતાની શારીરિક પ્રકૃતિ પ્રમાણે લેવું.

મનની શાંતિ-શુદ્ધિ માટે પ્રાર્થના, પ્રાણાયામ, ધ્યાન-મેડિટેશન વગેરે કરવું. ક્રોધ, ઈર્ષ્યા, લોભ, મોહ, ચિંતા, શોક વગેરે માનસિક ઉદ્વેગોથી દૂર રહેવું. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો