અમુક પ્રકારની માખીઓનું આયખું પૂરા એક દિવસનું પણ નથી હોતું. બીજી તરફ દેવદાર જાતિના અમુક વૃક્ષો ચારથી પાંચ હજાર વર્ષ સુધી શાંતિથી જીવ્યા કરે. ત્રીજી તરફ, આ દેવદારનું પણ માથું ભાંગે કેટલાક બેક્ટેરિયા, જે ખડકોની તિરાડોમાં લાખો વર્ષ સુધી જીવી શકે છે. અલબત્ત, એ સુષુપ્તાવસ્થામાં હોય, પણ જીવિત હોય, યુગો યુગો સુધી.  

આ તો વિવિધ પ્રકારના જીવોમાં આયુષ્યનું વૈવિધ્ય કેટલું છે એની વાત થઈ.  

હવે આપણે ફક્ત એક જ પ્રકારના જીવ એટલે કે મનુષ્ય વિશે વાત કરીએ. આપણા શરીરની અંદર જોવા મળતા અનેક પ્રકારના કોષોના આયુષ્યમાં પણ ઘણો તફાવત જોવા મળે છે.   

જેમ કે, કોઈ ચેપનો મુકાબલો કરવા માટે જન્મેલા વ્હાઈટ બ્લડ સેલ્સ એટલે કે શ્વેતકણો માંડ બે-ચાર દિવસ જીવે છે. બીજી તરફ જઠરની અંદરની સપાટીના કોષો (જે શબ્દશઃ `તેજાબી પરિસ્થિતિમાં' અનેક પ્રકારના તેજાબ-એસિડ્સના સંપર્કમાં રહીને કામ કરે છે તે) બેથી નવ દિવસનું આયુષ્ય ધરાવતા હોય છે. લીવર-યકૃતના કોષો 150થી 500 દિવસ જીવે. હાડકાના કોષો 25થી 30 વર્ષ સુધી અડીખમ ટકે. મગજમાંના ન્યૂરોન્સ 80થી વધુ વર્ષ સુધી, કહો કે માણસ જીવે ત્યાં સુધી સાથ આપે.   

કોષોના આયુષ્ય પછી એમની સંખ્યા વિશે થોડી વાત કરીએ.  

આજની તારીખે પૃથ્વી પરના માણસોની કુલ વસ્તી કેટલી છે? જવાબ છે 8.3 અબજ. હવે એ કહો કે આપણા શરીરની અંદરના કોષોની સંખ્યા કેટલી હશે? શું એ પૃથ્વીની માનવવસ્તીથી વધારે હશે, ઓછી હશે કે લગભગ એટલી જ હશે?   

જવાબ છેઃ પૃથ્વીના માનવીઓની સંખ્યા કરતાં માનવીની અંદરના કોષોની સંખ્યા ઘણી ઘણી ઘણી વધારે છે. માનવવસ્તી 8.3 અબજની છે, જ્યારે શરીરમાં કોષોની વસ્તી 30 ટ્રિલિયન એટલે કે 30 લાખ કરોડની છે. 8.3 અબજ કરતાં 30 લાખ કરોડ કેટલા ગણા વધારે થાય? જાતે ગણી લો.  

આ 30 લાખ કરોડ તો આપણા પોતાના કોષ થયા. આ ઉપરાંત શરીરની અંદર `મહેમાન' તરીકે જીવતા પારકા કોષો, ખાસ તો બેક્ટેરિયા પાછા અલગ. હવે એ અંદાજ લગાવો કે આપણા શરીરના પોતાના કોષો કરતાં શરીરમાં વસતા બેક્ટેરિયાની સંખ્યા વધારે હશે, ઓછી હશે કે લગભગ સરખી હશે?  

જવાબઃ ઝાઝો ફરક નથી. શરીરના પોતાના કોષોની સંખ્યા 30 લાખ કરોડ કોષ અને શરીરમાંના બેક્ટેરિયા સંખ્યા હોય છે અંદાજે 38 લાખ કરોડ. કરો વાત. આપણા પોતાના કોષો ઓછા અને મહેમાન કોષોની સંખ્યા વધારે. અલબત્ત, એ એકકોષી મહેમાનો કદમાં અત્યંત નાના હોવાથી ઝાઝી જગ્યા નથી રોકતા. મોટાભાગના બેક્ટેરિયા આપણા પાચનતંત્રની અંદર જીવતા હોય છે. એમની વસ્તીનો 38 લાખ કરોડનો આંકડો સરેરાશ સૂચવે છે. બાકી આપણે જ્યારે કોઈ રોગના જીવાણુને મારવા માટે ભારે એન્ટિબાયોટિકનો ડોઝ લઈએ ત્યારે શરીરમાંના બેક્ટેરિયાની કુલ સંખ્યામાં મોટા પાયે ઘટાડો થઈ શકે, એની સંખ્યા દસમા ભાગ જેટલી પણ થઈ શકે. જોકે, દવા બંધ કર્યાનાં બે-ચાર અઠવાડિયાંમાં એ સંખ્યા પાછી વધવા લાગે. એક-બે મહિનામાં સ્કૉર નોર્મલ થઈ જાય. હા, કેટલીક અતિ સંવેદનશીલ અને ઉપયોગી પણ ખરી એવી-બેક્ટેરિયલ પ્રજાતિ એન્ટિબાયોટિક્સને લીધે કાયમને માટે શરીરમાંથી વિદાય લઈ લે એવું પણ બની શકે. એનો અર્થ એવો નથી કે એ બેક્ટેરિયાને બચાવવા માટે એન્ટિબાયોટિક ન લેવી. ના, ગંભીર-જીવલેણ ચેપ વખતે એન્ટિબાયોટિક ન લઈએ તો પેલા બેક્ટેરિયા ભલે વિદાય ન લે, પરંતુ આપણે પોતે આખેઆખા ધરતી પરથી વિદાય લેવી પડે એવી નોબત આવી શકે (અને પછી ચિતા પર આપણા દેહ સાથે પેલા બેક્ટેરિયા - જેને જિવાડવા આપણે મર્યા તે પણ બળી મરે). ટૂંકમાં, જીવતા રહેવા માટે એન્ટિબાયોટિક લેવી પડે તો લેવી જ પડે. એમાં `જીવદયા'ના અખતરા ન કરાય.  

બેક્ટેરિયાને બાજુ પર રાખીને હવે માત્ર આપણા શરીરના જ કોષોની વાત કરીએ.  

શરીરના વિવિધ કોષોના આયુષ્ય ઉપરાંત તેનાં કદ, આકાર અને વજનમાં પણ ઘણો ફરક હોય છે. આપણા શરીરમાંના તમામ પ્રકારના કોષોમાં સૌથી વધુ વસ્તી રક્તકણો એટલે કે રક્તકોષો-રેડ સેલ્સની છે. કુલ કોષોમાં એકલા રક્તકોષોનું પ્રમાણ 84% ટકા જેટલું હોય છે. જોકે, એ કદમાં બહુ નાના હોય અને વજનમાં એકદમ હલકા હોય. વજનની રીતે સ્નાયુ અને ચરબીના કોષો સૌથી ભારેખમ. શરીરના કુલ વજનનો આશરે 75 ટકા હિસ્સો સ્નાયુના અને ચરબીના કોષોનો હોય છે.  

બધા જ પ્રકારના કોષોનું આગવું `વ્યક્તિત્વ' હોય છે. શરીરના કોઈ એક કોષ પર આંગળી મૂકીને એમ ન કહી શકાય કે આ છે લાક્ષણિક-ટિપિકલ માનવીય કોષ.  

પ્રત્યેક કોષ એક તરફ પોતાની રીતે આગવો અને સ્વતંત્ર પણ હોય છે અને બીજી તરફ એ સમગ્ર શરીર સાથે તાલમેલ સાધીને રહેતો સમૂહનો એક એકમ પણ હોય છે. સમજવા ખાતર એવું કહી શકાય કે શરીર જાણે એક મોટું નગર છે અને પ્રત્યેક કોષ એ નગરનો `જવાબદાર નાગરિક' છે. હા, જેવો તેવો નહીં, જવાબદાર નાગરિક, જે પોતાની ભૂમિકા બરાબર સમજે પણ છે અને નગરના નિયમોનું બરાબર પાલન પણ કરે છે. જો એ ગાંડો થાય, જેમ કે પોતાની સંખ્યામાં - કોષવિભાજનની પ્રક્રિયા દ્વારા બેફામ વધારો કરવા લાગે તો ડૉક્ટરો તપાસ બાદ ચુકાદો આપે કેન્સર થયું છે.  

આ અપવાદ થયો. બાકી મોટાભાગના કોષો મોટાભાગે ડાહ્યાડમરા બની રહીને પોતાના `ધર્મ'નું પાલન કરતા હોય છે. અહીં ધર્મ શબ્દ સમજી-વિચારીને વાપર્યો છે. ધર્મ એટલે સ્વભાવ અને કર્તવ્યનો સરવાળો. આ અર્થમાં વિજ્ઞાન પોતે ધર્મ શબ્દ સ્વીકારે છે. એટલે શરીરમાંની ક્રિયાઓને દેહ`ધાર્મિક' ક્રિયાઓ કહેવામાં આવે છે અને આ ક્રિયાઓના અભ્યાસના શાસ્ત્રને દેહ`ધર્મ' વિજ્ઞાન (ફિઝિયોલોજી) કહેવામાં આવે છે.   

દેહના, અંગોના, કોષોના ધર્મની દુનિયામાં આપણે ધીમે ધીમે પ્રવેશી રહ્યા છીએ. આગલું ડગલું આવતા અંકે.   

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો