હિન્દી ફિલ્મો તેની શરૂઆતથી સમગ્ર ભારતના, વિશેષ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતના દર્શકોનું મનોરંજન કરે છે અને એટલે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મુંબઈમાં હોવા છતાં, તેનાં કથાનકોમાં વિવિધ પ્રાંતોની ઝલક હોય છે.

એનું કારણ એ પણ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકાર-કસબીઓ આખા દેશમાંથી મુંબઈ આવે છે અને તેમની સાથે તેમના પ્રદેશની સંવેદના-અનુભવો લાવે છે, જે અંતત: ફિલ્મોના વિષયની પસંદગીમાં દેખાય છે.

એમાંથી ઘણા લોકો ખુદ મુંબઈથી જ એટલા પ્રભાવિત થઇ જાય છે કે હિન્દી ફિલ્મોમાં `બમ્બૈયા ફિલ્મ'નો એક આગવો પ્રકાર ઊભો થયો છે. મુંબઈ પોતે પણ ભારતનું પહેલું મેટ્રોપોલિટન શહેર છે. તે વાણિજ્યની રાજધાની છે, ફિલ્મ ચાહકો માટે સ્વપ્નનગરી છે અને અપરાધીઓ માટે અન્ડરવર્લ્ડ છે. મુંબઈ સ્વયં એક અગલ જ દુનિયા છે અને ઘણા ફિલ્મસર્જકોએ આ શહેરને તેમની વાર્તાઓનું કેન્દ્ર બનાવ્યું છે.

જેમ કે, અમુકના તો નામમાં જ મુંબઈ છે; બોમ્બે, સલામ બોમ્બે, મુંબઈ મેરી જાન, વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ, બોમ્બે બોયઝ, બોમ્બે ટોકી, બોમ્બે ટુ ગોવા વગરે અને એવી તો અગણિત ફિલ્મો છે જેની કહાની મુંબઈની ઇર્દગિર્દ ફરતી હોય.

તેની શરૂઆત દેવ આનંદ અને ગુરુ દત્તના સમયથી થઇ હતી. બંને એકસાથે સિનેમામાં આવ્યા હતા અને જેને અપરાધ, સસ્પેન્સ, ડાન્સ અને સંગીતવાળી `બોમ્બે નોઈર' કહે છે તેવી ફિલ્મો બનાવી હતી. જેમ કે, તેમની જાલ (1952), આરપાર (1953), ટેક્સી ડ્રાઈવર (1956) અને બાઝી (1957)માં મુંબઈ શહેર હીરોની કર્મભૂમિ હતું.

કદાચ એ ફિલ્મોની સફળતા જોઇને જ લેખક, પત્રકાર, નિર્દેશક ખ્વાજા અહેમદ અબ્બાસે 1967માં આ શહેરને કેન્દ્રમાં રાખીને એક ફિલ્મ બનાવી હતી, જેના ટાઈટલમાં પહેલી વાર મુંબઈ હતું; બમ્બઈ રાત કી બાંહોં મેં. બહુ સેક્સી નામ હતું. તેમાં પહેલીવાર મુંબઈની ચકાચૌંધ નીચે છુપાયેલી અપરાધની ગંદકીને બતાવવાનો પ્રયાસ થયો હતો.

તે વખતે માત્ર મુંબઈ જ એકમાત્ર શહેર હતું જે રાત્રે પણ જાગતું હતું અને તેની નિયોન લાઈટોમાં જિસ્મના સોદાથી લઈને ખૂનના સોદા થતા હતા. તે પહેલાં 1960માં દેવ આનંદે `બમ્બઈ કા બાબૂ' ફિલ્મ બનાવી હતી, પણ તેમાં અલગ અલગ શહેરોની વાત પણ હતી. 1996માં સુધીર મિશ્રાએ મુંબઈના અંધારામાં થતા અપરાધ પર `ઇસ રાત કી સુબહા નહીં' ફિલ્મ બનાવી હતી.

અબ્બાસ સાહેબ પાણીપતમાં જન્મ્યા હતા. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા પછી તેઓ દિલ્હીના `નેશનલ કોલ' નામના સમાચારપત્રમાં પત્રકાર તરીકે જોડાયા હતા. 1935માં તેઓ મુંબઈ આવ્યા અને `ધ બોમ્બે ક્રોનિકલ' પત્રમાં પત્રકાર અને પછીથી ફિલ્મ વિવેચક બન્યા હતા.

તેમણે પાછળથી કહ્યું હતું, `જ્યારે મેં ફિલ્મ સમીક્ષાઓ લખવાનું શરૂ કર્યું, ત્યારે મને સમજાયું કે આપણી ભારતીય ફિલ્મોમાં સૌથી મોટી નબળાઈ વાર્તાઓ છે, વાર્તાઓનો પાયો સારો નથી અને વાર્તાઓની રજૂઆત સારી રીતે કરવામાં આવતી નથી.' પછીથી તેમણે ફિલ્મ લેખન અને નિર્માણ ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. તેમણે જ `સાત હિન્દુસ્તાની' ફિલ્મમાં અમિતાભ બચ્ચનને પહેલીવાર કામ આપ્યું હતું.

પત્રકાર હોવાના નાતે અબ્બાસ સાહેબને દિવસના મુંબઈની જેટલી ખબર હતી, તેટલી જ ખબર રાતના મુંબઈની હતી. ઇનફેક્ટ, તેમણે 1965માં `બમ્બઈ રાત કી બાંહોં મેં' નામની નવલકથા લખી હતી, જેને દિલ્હીના રાધાકૃષ્ણ પ્રકાશને પ્રગટ કરી હતી. બે વર્ષ પછી વિમલ આહુજા અને સુરેખા નામના બે નવોદિત કલાકારોને લઈને તેમણે ફિલ્મ બનાવી હતી.

ફિલ્મમાં અમરકુમાર (વિમલ આહુજા) નામનો એક પત્રકાર મુંબઈ આવતા વિમાનમાં ખૂન અને લૂંટમાં શકમંદ બની જાય છે. એક તરફ તેના પર જાનનું જોખમ છે અને બીજી તરફ પોલીસના હાથે પકડાઈ જવાનું.

અબ્બાસ સાહેબે બહુ ચુસ્ત પટકથા લખી હતી. તેની વાર્તા સાંભળ્યા પછી જાણીતા પટકથા અને સંવાદ લેખક ઇન્દર રાજ આનંદે એવી ટિપ્પણી કરી હતી કે, `મને આ વાર્તા લખવાનું મન થયું હતું.' તે વખતે ક્રાઈમ-ફિલ્મો બનાવનારા નિર્દેશક શક્તિ સામંતાએ કહ્યું હતું, `અબ્બાસ સાહેબે ડાયરેક્ટ ન કરી હોત તો, એક સુપરશોટ ફિલ્મ બને તેવી સ્ક્રિપ્ટ હતી.'

તમને `દીવાર' ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો પેલો મશહૂર સંવાદ યાદ હશે, જેમાં તે તેના પોલીસ ઓફિસર ભાઈને ગેંગસ્ટરો સાથે દુશ્મની ના વહોરવાની સલાહ આપે છે અને ભાઈ તેની સામે તેના આદર્શોની દુહાઈ આપે છે. તે વખતે અમિતાભ કહે છે, `ઉફ્ફ તુમ્હારે યે ઉસૂલ, યે આદર્શ, કિસકે હૈ યે, ઇનકો ગુંદકર દો વક્ત કી રોટી નહીં બનાઈ જા સકતી.'

અબ્બાસ સાહેબે `બમ્બઈ રાત કી બાંહોં મેં'માં પહેલીવાર આવો જ સંવાદ લખ્યો હતો; સૂખી રોટી ઔર આદર્શ સે કામ નહીં ચલતા. એક અન્ય ઠેકાણે તેમનું પાત્ર કહે છે, `રુપયા સબકો પાગલ કર દેતા હૈ.' યોગાનુયોગ `દીવાર' પણ મુંબઈની અપરાધી આલમમાં આકાર લેતી ફિલ્મ હતી.

પાછળથી કોમેડિયન બનેલા જલાલ આગા અને અાંતરરાષ્ટ્રીય મોડલ પર્સિસ ખંભાતાની આ ડેબ્યૂ ફિલ્મ હતી. તેમના જમાનાના જાણીતા કોમેડિયન આગાના દીકરા જલાલે નાની ઉંમરે `મુઘલ-એ-આઝમ'માં પ્રિન્સ સલીમ (દિલીપ કુમાર)ના બાળપણની ભૂમિકા કરી હતી. દિલીપ કુમારે જ તેની પસંદગી કરી હતી.

આગા નહોતા ઈચ્છતા કે તેમનો દીકરો એક્ટિંગ કરે. તેમણે ના પાડી એટલે દિલીપ કુમારે રમત કરી. તેમણે આગાને કહ્યું કે તેઓ અમુક બાળકોને ત્રણ દિવસના પ્રવાસ પર લઇ જાય છે અને ઈચ્છે છે કે જલાલ પણ આવે. આગાને એમાં વાંધો નહોતો અને એ રીતે ચોરી છૂપીથી ત્રણ દિવસમાં જલાલના સીન શૂટ કરી દેવામાં આવ્યા હતા. પાછળથી તે દૃશ્યો જોઇને આગા ખુશ થઇ ગયા હતા અને જલાલને પૂણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા મોકલ્યો હતો.

વયસ્ક તરીકે આબ્બાસની `બમ્બઈ રાત કી બાંહોં મેં' તેની પહેલી ફિલ્મ, જેમાં તેણે જોહ્ની નામના બૂટલેગર અને ચોરની ભૂમિકા કરી હતી. અબ્બાસ સાહેબ સામ્યવાદી હતા અને રશિયામાં આ ફિલ્મનો પ્રચાર કરવા ગયા ત્યારે જલાલ ત્યાં રશિયન ભાષામાં પોતાને ફિલ્મના હીરો તરીકે ઓળખાણ આપતો હતો.

મુંબઈની મિસ ઇન્ડિયા પર્સિસ ખંભાતા પહેલી એક્ટ્રેસ હતી, જે હોલિવૂડમાં ગઈ હતી. જ્યાં તે જેમ્સ બોન્ડની ફિલ્મ `યુ લિવ ઓન્લી ટ્વાઇસ'થી જાણીતી બની હતી. 1965માં તે મિસ યુનિવર્સ બની હતી. મુંબઈમાં મોડલ બન્યા પછી તે લંડન ગઈ, તે પહેલાં `બમ્બઈ રાત કી બાંહોં મેં'માં તે ચમકી હતી. ફિલ્મમાં તે લિલી નામની કેબ્રે ડાન્સર બને છે. તેના પર જ ફિલ્મનું ટાઈટલ ગીત (આશા ભોંસલેના અવાજમાં) ફિલ્માવાયું હતું.