WHO દ્વારા વર્ષ 2022માં અંદાજિત 23 લાખ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની ઓળખ થઇ હતી. તેમાંથી અંદાજિત 6, 70,000 મહિલાઓનું મોત નિપજ્યું હતું. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે જો બ્રેસ્ટ કેન્સરની સમયસર જાણ થાય અને સાચો ઇલાજ મળે તો બ્રેસ્ટ કેન્સર પીડિત મહિલાઓને ઠીક કરી શકાય છે. બ્રેસ્ટ કેન્સર સામેની લડતમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેન્સર રિસર્ચ (ICR), લંડન દ્વારા કરાયેલી સ્ટડી વૈજ્ઞાનિક જગતમાં મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થઈ છે. આ અભ્યાસમાં કેન્સરના કોષો કેવી રીતે દવાઓ સામે પ્રતિરોધક બની જાય છે, તેનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સંશોધકોએ શોધ્યું કે ટ્યુમરના જીન્સમાં થતા નાના ફેરફારો કેન્સરને વધુ ખતરનાક બનાવી શકે છે. આ સ્ટડીના આધારે `પ્રિસિઝન મેડિસિન' તરફ વધુ મજબૂત પગલું ભરાયું છે, જેમાં દરેક દર્દીની કેન્સર પ્રકૃતિ પ્રમાણે સારવાર શક્ય બનશે. પરિણામે બિનજરૂરી કીમોથેરાપી ઘટશે અને દવાઓની અસરકારકતા વધશે. ખાસ કરીને હોર્મોન-પોઝિટિવ અને એડવાન્સ સ્ટેજ બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ માટે આ સંશોધન આશાનું નવી કિરણ બની શકે છે. અલબત્ત, ICRનો આ સ્ટડી દર્શાવે છે કે કેન્સર કોઈ એકસરખો રોગ નથી, પરંતુ બદલાતી પ્રકૃતિ ધરાવતી બીમારી છે.

કૂતરાંઓ પણ વીડિયો ગેમ રમી જાણે છે!

ગેમિંગ વર્લ્ડની દુનિયામાં અમેરિકાનો `પીનટ બટર' નામનો શિબા ઇનુ નસલનો કૂતરો ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તે લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન સફળતાપૂર્વક વીડિયો ગેમ રમનાર વિશ્વનો પ્રથમ કૂતરો સાબિત થયો છે. પીનટ બટરના માલિક અને વીડિયો ગેમ સ્પિડરનર `જૈમિસે' તેને વર્ષોની સખત મહેનત અને અપાર ધીરજથી આ અનોખી રીતે ટ્રેનિંગ આપી છે. જેના પરિણામે તે વર્ષ 1985ની પ્રખ્યાત નિન્ટેન્ડો ગેમ `ગાયરોમાઇટ' રમવામાં અત્યંત નિપુણ બન્યો છે. આ અનોખા ગેમર માટે જૈમિસે ખાસ પ્રકારના કસ્ટમાઈઝ્ડ કંટ્રોલર તૈયાર કર્યા છે. જ્યારે જૈમિસ તેને આદેશ આપે છે, ત્યારે પીનટ બટર પોતાના પંજા વડે ચોક્કસ બટનો દબાવીને ગેમના પાત્રને અવરોધો પાર કરવામાં મદદ કરે છે. થોડા સમય પહેલાં યોજાયેલી `ગેમ્સ ડન ક્વિક' (Games Done Quick) નામની પ્રસિદ્ધ ઇવેન્ટમાં આ કૂતરાએ ગાયરોમાઇટ ગેમ અંદાજિત 24થી 25 મિનિટમાં પૂરી કરીને આખી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી હતી. પીનટ બટરની એકાગ્રતા અને તેના માલિક સાથેનું ટ્યુનિંગ ખરેખર અદ્ભુત છે. આજે તે માત્ર એક પાલતુ પ્રાણી મટીને ગેમિંગ જગતનો એક મોટો સેલિબ્રિટી બની ગયો છે અને પ્રાણીઓની બુદ્ધિશક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાની અમેઝિંગ મિનિયન લેડી

ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં રહેતાં લિઝલ બેનેકે `મિનિયન લેડી' તરીકે વિશ્વભરમાં જાણીતાં બન્યાં છે. તેમનો આ અનોખો શોખ વર્ષ 2010માં `ડેસ્પિકેબલ મી' ફિલ્મ જોયા બાદ શરૂ થયો હતો. આ ફિલ્મે વિશ્વભરના દર્શકોને આકર્ષ્યા હતા. ફિલ્મે બોક્સઓફિસ પણ બ્રેક કરી હતી. આ ફિલ્મનાં કાર્ટૂન પાત્રો પ્રત્યેના તેમના અદ્ભુત લગાવને કારણે તેમણે ગત વર્ષે જ એક મોટો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.લિઝલ બેનેકે પાસે મિનિયન મેમોરેબિલિયાનો વિશ્વનો સૌથી મોટો સંગ્રહ છે. તેમના સંગ્રહમાં કુલ 1000થી પણ વધુ અનોખી વસ્તુઓ સામેલ છે. આ સંગ્રહમાં કોઈ પણ વસ્તુ બીજી વાર એટલે કે રિપીટ નથી. આ સિવાય પણ તેમના ઘરમાં દરેક રૂમ, દીવાલ અને ગાડીની પાછળની સીટ પણ મિનિયન રમકડાં અને વસ્તુઓથી ભરેલી હોય છે. તેમનો પ્રેમ માત્ર વસ્તુઓ સુધી સીમિત નથી, તેમણે પોતાના હાથ પર મિનિયનનું ટેટૂ પણ ચીતરાવ્યું છે. લિઝલનું મનપસંદ પાત્ર `સ્ટુઅર્ટ' છે, જેનું ટેટૂ તેમના હાથ પર સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ ટેટૂ તેમના પાર્ટનર દ્વારા જ બનાવવામાં આવ્યું છે. લિઝલ માને છે કે આ પીળા રંગનાં પાત્રો તેમના જીવનમાં ખુશીઓ લાવે છે અને તેમને હંમેશાં હસતા રહેવાની પ્રેરણા આપે છે.