મરાઠી અને ગુજરાતી ભગિની ભાષાઓ છે. બેઉ બહેનોની જનની એક જ છે. બેઉ સંસ્કૃતમાંથી ઊભરી આવે છે એટલે ઘણા બધા શબ્દોમાં સામ્ય છે, પણ કેટલાક શબ્દોના અર્થ મરાઠીમાં સાવ જુદા જ થાય.
ગુજરાતીમાં કૌતુક, સમાધાન અને ઘટસ્ફોટનો જે મીનિંગ થાય એના કરતાં મરાઠીમાં સાવ જુદો જ અર્થ થાય. આપણા માટે કૌતુક એટલે વિસ્મય અથવા આશ્ચર્ય. મરાઠીમાં કૌતુક એટલે વખાણ. સમાધાન એટલે ગુજરાતી કોમ્પ્રોમાઈઝ, મરાઠીમાં સંતોષ. કોઈ ખાનગી વાત ખુલ્લી પડે તો ગુજરાતીમાં એનો ઘટસ્ફોટ થયો કહેવાય. મરાઠીમાં પતિ-પત્ની છૂટાં પડે તો એ બંનેએ ડિવોર્સ લીધા એમ ન કહેવાય, એમની વચ્ચે ઘટસ્ફોટ થયો એવું કહેવાય. (આમ તો આપણા ગુજરાતી જેવો જ મીનિંગ થયો. પતિ-પત્ની વચ્ચે બનતું નથી એવી ખાનગી વાત ફેમિલી કોર્ટમાં જઈને જાહેર કરવી પડે તેને ઘટસ્ફોટ કર્યો એવું જ કહેવાયને).
`ઈથે ઓશાળલા મૃત્યુ'. વસંત કાનેટકરના `અશ્રું ચી ઝાલી ફૂલે' પછીના આ નાટકમાં ડૉ. કાશીનાથ ઘાણેકરનો લીડ રોલ હતો. ઓશાળ એટલે ઓશિયાળું, લજવાવું, અંગ્રેજીમાં જેને અબેશ્ડ કહે તે. (અંગ્રેજી અનઅબેશ્ડ - કોઈ સંકોચ વગર, લજ્જા વગર, બેશરમ બનીને શબ્દ તમે ઘણીવાર વાંચ્યો, સાંભળ્યો કે વાપર્યો હશે. એ અબેશ્ડનો વિરોધી શબ્દ છે). સાહિત્યિક ગુજરાતીમાં આ ટાઈટલનું ટ્રાન્સલેશન, લેખિકા ઉષા શેઠના સુંદર પુસ્તકનું યાદગાર શીર્ષક ઊછીનું લઈને કરવું હોય તો કરી શકાય. `મૃત્યુ મરી ગયું રે લોલ'. મરાઠી અને ગુજરાતીના અનેક શબ્દોના અર્થ સરખા હોય છે એવું એક ઉદાહરણ આ શીર્ષક: `ઈથે ઓશાળલા મૃત્યુ' - અહીં મૃત્યુ ઓશિયાળું બની ગયું.
કાશીનાથના મિત્ર-મસીહા પ્રભાકર પણશીકર નિર્મિત-અભિનીત આ નાટકના પણ ધનાધન પ્રયોગો ચાલી રહ્યા હતા. ફિલ્મમાં દર્શાવાયું છે કે `ઈથે ઓશાળલા મૃત્યુ'ના એક શોમાં ચાલુ સીને ડાયલોગ બોલતાં બોલતાં ડૉ. કાશીનાથ ઘાણેકરને હાર્ટએટેક આવે છે. એ સ્ટેજ પર ફસડાઈ પડે છે. કાશીનાથના અવાજમાં વૉઈસ ઓવર: રોજ ત્રણ અલગ અલગ ઠેકાણે ત્રણ શો કરવાના. બહારગામની ટૂર્સ હોય (ગુજરાતી કરતાં મરાઠી રંગભૂમિના કલાકારોએ મુંબઈની બહાર વધારે દોડાદોડ કરવી પડતી હોય છે. ગુજરાત કરતાં મહારાષ્ટ્રનો પ્રદેશ ઘણો વિશાળ અને રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા જેવાં તો મહારાષ્ટ્રમાં બે-ત્રણ ડઝન સેન્ટર્સ, ઉપરાંત `બી' ટાઉન્સમાં પણ નાટ્યશોખીનો માટે શોઝ યોજાય. આને લીધે મરાઠીનું સારું નાટક બહુ ઝડપથી 300-400-500 શો કરી લે. ફિલ્મમાં વસંત કાનેટકર એમ કહે કે: `મારે કંઈ મારા નાટકના માત્ર 100 જ શો નથી કરવા.' (ગુજરાતીમાં સો પ્રયોગ થાય તો એ અચીવમેન્ટ ગણાય). બહારગામની દોડધામ ઉપરાંત ખરાબ આદતો, વ્યસન, તબિયત પ્રત્યેની અને ઓવરઓલ લાઈફ પ્રત્યેની બેદરકારી, એનું પરિણામ આ પ્રથમ હાર્ટએટેક જેણે 40-42ની નાની ઉંમરે કાશીનાથને વૉર્નિંગ આપી દીધી.
આ હાર્ટએટેક પછી `ઈથે ઓશાળલા મૃત્યુ'ના શોઝ છોડીને કાશીનાથ ઘાણેકરે રેસ્ટ લેવો પડ્યો. એમનો રોલ ડૉ. શ્રીરામ લાગુ કરવા લાગ્યા. (ફિલ્મમાં આ વિગત નથી પણ એવું થયું હતું.)
સાજા થયા પછી કાશીનાથે `ગારંબી ચા બાપુ'માં લીડ રોલ કર્યો. શ્રી.ના. પેંડસે (શ્રીપાદ નારાયણ પેંડસે) લિખિત આ નાટકથી ફરી એક વાર કાશીનાથનો સિતારો ચમક્યો, પણ તેજસ્વી માણસો પોતાના સિતારાઓ ચમકતા હોય ત્યારે જ મસમોટી ભૂલ કરી બેસતા હોય છે. ફોર ધૅટ મેટર ભૂલો તેજસ્વી માણસો જ કરતા હોય છે. મીડિયોકર અને બુઝાયેલા માણસો નવું કશું સાહસ કરવાને બદલે પોતાનું સાચવીને બેસી રહેતા હોય છે, એટલે એમને ભૂલો કરવાની તક નથી મળતી હોતી. એટલે તેઓ પોતાને પેલા તેજસ્વી તારલાઓ કરતાં વધુ ઊંચા માનવાની ભ્રમણામાં રહીને જિંદગી પૂરી કરે છે. પછી કાળની ગર્તામાં ખોવાઈ
જાય છે.
કાશીનાથ જેવા કોઈ પણ સફળ માણસના મગજમાં સફળતાની રાઈનો વઘાર થવાનો જ (કેટલાકના મગજમાં તો નિષ્ફળતાની રાઈ ચઢી જતી હોય છે!). આવી તુમાખી ક્રિએટિવ કલાકારને નવી ઊંચાઈઓની બુલંદી દેખાડી શકતી હોય છે અને ક્યારેક આવો ઘમંડ (મને કોણ કંઈ કહેવાનું છે. હું તો એ બધાથી પર છું) એને ફરી એક વાર ભોંય પર પટકતી હોય છે.
કાશીનાથ સાથે એવું જ થયું. `ગારંબી ચા બાપુ'ના છેલ્લા દૃશ્યમાં જે અભિનેત્રીએ કાશીનાથના શરીર પર માથું ઢાળી દેવાનું હોય છે એને કાશીનાથે વારંવાર કહ્યું છે કે તારે મારા ગળા પર નહીં, ખભા પર માથું ઢાળવાનું છે. ક્લાઈમેક્સનો સીન છે. તું ગળા પર આવીને પડે છે તો મારી આખી એનર્જી ડાઉન થઈ જાય છે.
પણ આ શોમાં અભિનેત્રીએ ફરી ભૂલ કરી. કાશીનાથે ચાલુ નાટકમાં એ અભિનેત્રીને કમર પર જોરથી મોટો ચીમટો ભર્યો. નાટક પૂરું થયું. તાળીઓ પડી. પ્રોડ્યૂસરે વિંગમાંથી આ હરકત જોઈ લીધી. અભિનેત્રીએ ભલે ભૂલ કરી, પણ કાશીનાથે જે કર્યું તે અક્ષમ્ય અપરાધ હતો. બદતમીજી હતી. સહકલાકારનું જ નહીં, રંગદેવતાનું અપમાન થાય એવું આ વર્તન હતું. તત્ક્ષણ `ગારંબી ચા બાપુ'માંથી કાશીનાથને કાઢી મૂકવામાં આવે છે. બીજા દિવસે આ ચીમટા પ્રકરણ છાપામાં ગાજે છે. સમગ્ર નાટ્યજગત, કાશીનાથના હજારો ચાહકો હતપ્રભ થઈ જાય છે.
આ જ ગાળામાં એક દિવસ દાદરસ્થિત મુંબઈના વિખ્યાત નાટ્યગૃહ `શિવાજી મંદિર'ની સામે બે મિત્રો મળે છે. (આ નાટ્યગૃહમાં દાયકાઓથી સપ્તાહના સાતેય દિવસ મરાઠી નાટકો/કાર્યક્રમના ત્રણ-ત્રણ શો રોજ થાય છે. આજની
તારીખે પણ.)
શિવાજી મંદિરની ફૂટપાથ પાસે કાશીનાથની કારમાં પણશીકર બેઠા છે અને મિત્ર સલાહ આપી રહ્યા છે: નાટ્યજગત હવે બદલાઈ રહ્યું છે. તું તારી તુમાખી છોડીને અપડેટ થા અને કામમાં ધ્યાન આપ. વિજય તેંડુલકરની લેખિની વંટોળ બનીને મરાઠી રંગભૂમિ પર ફેલાઈ રહી છે.
(તેંડુલકરના `ગિધાડે' નાટકમાં ડૉ. શ્રીરામ લાગુનું કામ ખૂબ વખણાતું થયું હતું અને અફકોર્સ શિરવાડકરના `નટ સમ્રાટ'ને લીધે શ્રીરામ લાગુ અભિનેતા તરીકે ખૂબ ઊંચા પેડેસ્ટલ પર સ્થપાઈ ચૂક્યા હતા). પણશીકર કહે છે: શ્રીરામ લાગુ જે રીતે કામ કરી રહ્યા છે તે જોઈને લાગે છે કે જો તું નહીં સુધરે તો એક દિવસ એ તારી ને મારી, બંનેની દુકાન બંધ કરાવીને રહેશે.
આ કહેવાય છે ત્યારે બેઉ મિત્રો જુએ છે કે સામે `શિવાજી મંદિર'નો શો છૂટ્યો છે અને ડૉ. શ્રીરામ લાગુ પોતાની કારમાં બેસવા જાય તે પહેલાં પ્રશંસકો-પ્રેક્ષકોની પ્રચંડ ગિરદી એમને ઘેરી વળી છે. કાશીનાથ તરત જ કાર રિવર્સમાં લઈને યુટર્ન મારીને `શિવાજી મંદિર'ના એન્ટ્રન્સ નજીક પાર્ક કરીને બહાર નીકળે છે. કાશીનાથને જોતાં જ આખુંય ધાડું હુડુડુડુ કરીને ડૉ. લાગુને પડતાં મૂકીને પોતાના પ્રિય સુપરસ્ટારને ઘેરી વળે છે. એકલા ઊભેલા ડૉ. લાગુ પાસે એક બાલિકા હાથમાં ઑટોગ્રાફ બુક અને પેન લઈને આવે છે. ડૉ. લાગુ એમાં હસ્તાક્ષર કરવા જાય તે પહેલાં જ બાલિકા કાશીનાથને ઘેરી વળેલાં ટોળાં ભણી જઈને કહે છે: `અંકલ, ત્યાં ગિરદી બહુ છે. મને એમનો ઑટોગ્રાફ લાવી આપોને.'
ડૉ. લાગુ ક્ષણભર ખચકાય છે. પછી છોકરીને લઈને પોતાના હાથમાંની ઑટોગ્રાફ બુક તથા પેન સાથે પ્રભાકર પણશીકરને મળે છે. ખબરઅંતર પૂછીને લાગુ ઈશારાથી કહે છે: `પંત, આ દીકરીને કાશીનાથનો ઑટોગ્રાફ જોઈએ છે (મારો નહીં). જરા તું મદદ...' શબ્દો બોલાતા નથી, પણ તૂટક તૂટક જેશ્ચર્સ છે. પણશીકર લાગુને કહે છે: `જોયું, નાની કિશોરીઓ પણ કાશીનાથની ફૅન છે.' ત્યારે લાગુ બોલે છે: `પણ આ પેઢી મોટી થઈને સમજદાર (મેચ્યોર્ડ) થઈ જશે ત્યારે એમના હીરો બદલાઈ ગયેલા હશે.'
ડૉ. શ્રીરામ લાગુના આ શબ્દો પ્રોફેટિક છે. કામચલાઉ ઘેલછા ઊભી કરતા એક્ટરો-કલાકારો-લેખકો ઈત્યાદિની સરખામણીએ નક્કર કાર્ય દ્વારા નક્કર પાયો નાખનારાઓની ઊર્ધ્વ ગતિ ભલે ધીમી હોય, પણ એક વખત મૅચ્યોરિટી આવી ગયા પછી, એમના કામની ગુણવત્તાની ઊંચાઈ વિશે ખાતરી થઈ ગયા પછી, લોકો પેલા ચમકદમકવાળા આંખો આંજી દેનારા ગ્લેમરમાંથી બહાર આવી જતા હોય છે.
ડૉ. લાગુને છોડીને પોતાને ઘેરી વળેલી મેદની જોયા પછી કાશીનાથ પણશીકરને પૂછે છે: બોલ હવે, કોણ કોની દુકાન બંધ કરશે?
પણશીકર ચૂપ થઈ જાય છે. દોસ્તને અમુક હદ સુધી જ સલાહ આપવાની હોય. એથી વધારે સલાહ આપવા જતાં દોસ્તી સામે જોખમ ઊભું થઈ જાય. સહૃદયી મિત્રની સલાહથી જે ન સુધરે, તેણે પછી આકરી કિંમત ચૂકવીને પથ્થર પર ઠોકર ખાઈને સુધરવું પડતું હોય છે.
સાયલન્સ પ્લીઝ
રાતભર ગાઢ ઊંઘ આવવી આસાન નથી. એના માટે દિવસ આખો ઈમાનદારીથી જીવવું પડે છે.
- અજ્ઞાત
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
