જે ભારતીય સંસ્કૃતિમાં શક્ય જ ન હતું તે કપડાં વગરનું સ્વરૂપ, 1970માં એક બ્રિટિશ ટેબ્લોઇડ અખબારનું ડિંડક `પેજ 3' હતું. ટેબ્લોઇડ્સના ત્રીજા પાના પર ટોપલેસ સ્ત્રી ગ્લેમર મોડલ (પેજ 3 ગર્લ તરીકે ઓળખાય છે) ની મોટી છબી છાપવામાં આવતી હતી. આ પહેલી વાર હતું જ્યારે કોઈ મુખ્ય પ્રવાહના રાષ્ટ્રીય અખબારમાં નગ્નતાને દૈનિક મનોરંજન તરીકે દર્શાવવામાં આવી હતી. નવેમ્બર 1969માં ધ સન દ્વારા રજૂ કરાયેલ પેજ 3ને વાચકો અને પેપર બંનેએ અરસપરસ પ્રોત્સાહન આપ્યું. વાચકોને અર્ધનગ્ન મહિલાઓ જોવાની સુવિધા પ્રાપ્ત થઇ અને પેપર પ્રસારમાં વૃદ્ધિ થઇ. 17 નવેમ્બર, 1970ના રોજ સ્ટેફની રાહ્ન સૌ પ્રથમ ટોપલેસ `પેજ 3' મોડલ તરીકે જોવા મળી હતી. અખબારના પુનઃ પ્રારંભની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે તેને `બર્થડે સૂટ ગર્લ' તરીકે ઓળખ આપવામાં આવી હતી. વાઘ માણસનું લોહી ચાખી જાય તેમ અખબારના મેનેજમેન્ટે બ્રિટિશ પુરુષોની નસ પકડીને વિષયલક્ષી બની, પેજ 3 મોડલોને વધુ સ્પષ્ટ રીતે ટોપલેસ પોઝમાં દર્શાવવાનું શરૂ કર્યું. વળી, પોતાના છાપાની છબી `ગંદા' પેપરની ન થઇ જાય તે માટે નવો નુસખો અપનાવવામાં આવ્યો. આમાં આમ તો `સરસ છોકરીઓ' દર્શાવવી જોઈએ તેવું માનીને/મનાવીને મહિલા રિપોર્ટરોને જ આ છબીઓની સમીક્ષા કરવાનું કહ્યું. પોતાના અંગત સગાને ભૂત કે ડાકણ કોણ કહે? નોકરી તો તે મહિલા રિપોર્ટરોને પણ પ્યારી હતી.

અસર એવી કે સ્પર્ધાત્મક ટેબ્લોઇડ્સ, જેમાં ધ ડેઇલી મિરર, ધ સન્ડે પીપલ અને ધ ડેઇલી સ્ટારનો સમાવેશ થાય છે; તેમણે તેમના પોતાના ત્રીજા પાના પર ટોપલેસ મોડલો દર્શાવવાનું શરૂ કરવું પડ્યું. જાણીતી પેજ 3 મોડલોમાં લિન્ડા લુસાર્ડી, સામંથા ફોક્સ, કેટી પ્રાઇસ અને કીલી હેઝલનો સમાવેશ થાય છે. 1990ના દાયકાના મધ્યમાં ધ સને ફોટોગ્રાફ્સ રંગીન છાપવાનું શરૂ કર્યું ત્યાં સુધી કાલી-ધોળી છબી પણ બ્રિટિશરોને ઘાયલ કરતી રહી હતી.   

ફીચર અને પેપરની અન્ય જાતીય સામગ્રીને કારણે કેટલાંક જાહેર પુસ્તકાલયોએ ધ સન પર જ પ્રતિબંધ મૂકી દીધો હતો. યોર્કશાયરના સોવરબી બ્રિજમાં તત્કાલીન કન્ઝર્વેટિવ-નિયંત્રિત કાઉન્સિલે આ પ્રકારનો પહેલો નિર્ણય લીધો હતો, પરંતુ ટૂંક સમયમાં જ 1971માં અખબાર દ્વારા આયોજિત સ્થાનિક સ્ટંટ્સની શ્રેણી અને કાઉન્સિલના રાજકીય અભિગમમાં ફેરફાર પછી તેને ઉલટાવી દીધો હતો. ગુલાટી બધા જ મારતા હોય છે બિચારાં વાંદરાં તો આમ જ બદનામ થાય છે.   

ભલે બદનામ થતું કે થયું હતું, પરંતુ `પેજ 3'એ 1980ના દાયકાની ઘણી જાણીતી બ્રિટિશ ગ્લેમર મોડલ્સની કારકિર્દીની શરૂઆત કરાવી હતી. આમાંની કેટલીક મોડલ્સ ત્યારે માત્ર 16-17 વર્ષની હતી. સામંથા ફોક્સ 1980ના દાયકામાં સૌથી વધુ ફોટોગ્રાફ થયેલી બ્રિટિશ મહિલાઓમાંની એક બની ગઈ હતી; તેનાથી આગળ માત્ર પ્રિન્સેસ ડાયના અને માર્ગારેટ થેચર જ હતાં. `ધ સન'ના પ્રસારમાં વધારો કરવાનું શ્રેય આંશિક રીતે તેના `પેજ 3'ને આપવામાં આવે છે. `પેજ 3' શરૂ કર્યાના એક વર્ષમાં જ તેનું દૈનિક વેચાણ બમણું થઈને 25 લાખ અને 1978 સુધીમાં તે યુકેનું સૌથી વધુ વેચાતું અખબાર બની ગયું હતું. હરીફ ટેબ્લોઇડ અખબારોએ પણ પોતાનું વેચાણ વધારવા માટે ટોપલેસ મોડલ્સના ફોટા પ્રકાશિત કરવાનું શરૂ કર્યું હતું. જોકે, `ધ ડેઈલી મિરર' અને `ધ સન્ડે પીપલે' 1980ના દાયકામાં આ પ્રથા બંધ કરી દીધી હતી, કારણ કે તેઓ આવા ફોટાને મહિલાઓનું અપમાન કરનારા માનતા હતા.   

ખ્યાતિ અને કુખ્યાતિનું પણ વિભાજન શરૂ થઇ ગયું. સાંસ્કૃતિક ચર્ચાઓ માટે યુદ્ધનું મેદાન હતું. નારીવાદીઓએ દલીલ કરી હતી કે તે સ્ત્રીઓને વાંધાજનક બતાવે છે, જ્યારે રૂઢિચુસ્ત જૂથો તેને સોફ્ટકોર પોર્નોગ્રાફી તરીકે જોતા હતા, ત્યારે ભારતને પુરુષપ્રધાન કહીને વગોવતા બ્રિટિશ પુરુષોએ હાનિરહિત, નિરુપદ્રવી બ્રિટિશ સાંસ્કૃતિક પરંપરા તરીકે તેનો બચાવ કર્યો હતો.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો