ચુપકે ચુપકે, આનંદ, અભિમાન અને નમક હરામ જેવી યાદગાર ફિલ્મો આપનારા ઋષિકેશ મુખર્જીની ચાર દાયકાની કારકિર્દીમાં `બુઢ્ઢા મિલ ગયા' તેમની ઓછી જાણીતી ફિલ્મ છે, પણ ખરેખર બહુ સરસ હતી. જે વર્ષે (1971) જયા ભાદુરીની `ગુડ્ડી' આવી, એ જ વર્ષે `બુઢ્ઢા મિલ ગયા' પણ આવી હતી. ઇન ફેક્ટ, એક્ટર ધર્મેન્દ્ર પાછળ દીવાની સ્કૂલગર્લ ગુડ્ડીને ફિલ્મના એક દૃશ્યમાં ઋષિકેશ મુખર્જીની જ 1966માં આવેલી ફિલ્મ `અનુપમા'ની એક બુકલેટ સાથે બતાવવામાં આવી હતી. એ બુકલેટના પાછળના કવર પર નિર્માતા એન. સી. સિપ્પીની આગામી ફિલ્મ `બુઢ્ઢા મિલ ગયા'ની જાહેરાત હતી (આડ વાત; ઋષિકેશ મુખર્જીના બંગલાનું નામ પણ `અનુપમા' હતું).
મજાની વાત એ છે કે એમાં હીરો તરીકે ધર્મેન્દ્રનું નામ હતું. `ગુડ્ડી'માં ધર્મેન્દ્ર ફિલ્મસ્ટાર તરીકે હતો, એટલા માટે તેનું નામ જાણીને `બુઢ્ઢા મિલ ગયા'ની જાહેરાતમાં મૂકવામાં આવ્યું હતું કે પછી તે સાચે જ `બુઢ્ઢા મિલ ગયા'માં ભૂમિકા કરવાનો હતો, એ તો ખબર નથી, પણ નવીન નિશ્ચલ માટે તો સારું જ થયું કે તેને કારકિર્દીની શરૂઆતમાં જ એક સરસ ફિલ્મ મળી ગઈ.
બેંગ્લોરની મિલિટરી સ્કૂલમાં ભણેલો નવીન નિશ્ચલ પૂણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનો પ્રથમ ગોલ્ડ મેડાલિસ્ટ હતો. એ દેખાવડો અને પ્રતિભાશાળી હતો. હીરો બનવાનું જોશ પણ હતું. તેની શરૂઆત સારી હતી અને બતૌર હીરો ઘણો ડિમાન્ડમાં હતો. તેને `ગરીબ નિર્માતાઓનો રાજેશ ખન્ના' તરીકે ઓળખવામાં આવતો હતો.
તેની એક જ કમજોરી હતી, એ ક્યારેય સ્વાર્થના સંબંધો વિકસાવી શક્યો નહીં. તેને કામ માગતાં આવડતું નહોતું. એ કહેતો કે, `મારી જરૂર લાગશે તો મારી પાસે આવશે.' એ કારણે એ હીરો તરીકે આગળ વધી શક્યો નહીં અને છેલ્લે ચરિત્ર ભૂમિકાઓમાં બંધાઈને રહી ગયો.
ફિલ્મ નિર્દેશક મોહન સહેગલ નવીનના પિતાના કોલેજ સમયના દોસ્ત હતા અને તેમના કહેવાથી જ નવીન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયો હતો. એ ભણીને પાછો આવ્યો એટલે સહેગલે `સાવન ભાદો'માં તેને નવોદિત રેખા સામે હીરો બનાવ્યો હતો (રણજિતની પણ એ ડેબ્યૂ ફિલ્મ હતી). `સાવન ભાદો' રિલીઝ થાય તે પહેલાં તો નવીને હીરો બનવાની ઉતાવળમાં સાધારણ કહી શકાય તેવી છ ફિલ્મો સાઇન કરી લીધી હતી. `સાવન ભાદો' એટલી હિટ ગઈ કે નવીનને છ ફિલ્મો ગળામાં ભરાઈ ગઈ હોય એવું લાગ્યું. એમાં તેની કારકિર્દીને નુકસાન થયું. જોકે, એ ફિલ્મો તેણે નિષ્ઠાથી પૂરી કરી હતી. એમાં એક `બુઢ્ઢા મિલ ગયા' પણ હતી.
હિન્દી સિનેમાના ઇતિહાસમાં કર્ણપ્રિય સંગીત અને સસ્પેન્સથી ભરપૂર સફળ ફિલ્મોનું એક વિશેષ સ્થાન છે. જેમ કે, `મહલ', `કોહરા', `બિસ સાલ બાદ', `જ્વેલ થીફ' અને `તીસરી મંજિલ', જે આજે પણ સીમાચિહ્નરૂપ ફિલ્મો ગણાય છે. `બુઢ્ઢા મિલ ગયા' પણ એવી જ સસ્પેન્સ ફિલ્મ હતી, પણ સાથે ઋષિદાનું ટિપિકલ હાસ્યતત્ત્વ પણ હતું. ફિલ્મના સ્ટાર્સ એકદમ નવા હતા, પરંતુ ઉતાર-ચઢાવવાળી વાર્તા દર્શકોને જકડી રાખવા પૂરતી હતી.
ફિલ્મનું મજબૂત પાસું તેની સ્ક્રિપ્ટ હતી. એક ઓમ પ્રકાશની લાક્ષણિકતાને બાદ કરતાં કોઈ પણ પાત્ર બીજા પર છવાઈ જતું નહોતું. ઋષિદાએ સૌને એકસરખો અવસર પૂરો પાડ્યો હતો. વાર્તા એકદમ `ટાઇટ' હોવા છતાં તેમાં હાસ્યનો ડોઝ નાખી શક્યા, એ ઋષિદાની સફળતા હતી.
અજય (નિશ્ચલ) અને ભોલો (દેવન વર્મા) ઊભરતા પરંતુ બેરોજગાર ફોટોગ્રાફર છે. કામની તલાશમાં આમતેમ ફાંફાં મારતાં બેય જણાને એક દિવસ અખબારમાં `ખોવાયા છે'ની જાહેરાત વાંચવા મળે છે. ખોવાઈ જનાર વ્યક્તિ શહેરના ધનવાન ગિરધરલાલ (ઓમ પ્રકાશ) છે. અજય અને ભોલાને એ `બુઢ્ઢો' મુંબઈના હેંગિંગ ગાર્ડનમાંથી મળી આવે છે. બંને જણા ગિરધારલાલને `કાકા' બનાવીને તેમના ભાડાના ફ્લેટમાં લઈ આવે છે અને જાહેરાત આપનારનો પત્તો લગાડવા મથામણ કરે છે, જેથી પૈસા કઢાવી શકાય. બંને જે ફ્લેટમાં રહે છે તેની માલકણની દીકરી દીપા(અર્ચના)ને અજય પ્રત્યે સ્નેહ છે અને `બુઢ્ઢો' દીપામાં રસ લેવા લાગે છે, એમાં તેને પોતાની દીકરી દેખાય છે.
વાર્તા એટલી સાદી નહોતી. ગિરધારલાલ સાથે તેમના વ્યાવસાયિક પાર્ટનરોએ છેતરપિંડી કરી હતી અને ખોટા કેસમાં ફસાવી દીધા હતા, જેથી તેમની સંપત્તિ પર કબજો જમાવી શકે. એમાંથી બચવા માટે તેઓ ભાગી નીકળ્યા હતા અને તેમની પત્ની તથા દીકરી રઝળતાં થઈ ગયાં હતાં. ગિરધારલાલને તેનો બદલો લેવો હતો. અજય અને ભોલો આખી વાત ઉકેલવા મથામણ કરે છે. એ દરમિયાન એક પછી એક હત્યાઓ થવા લાગે છે અને દર વખતે શંકાની સોય અજય અને ભોલા તરફ તકાય છે. જ્યારે પણ કોઈ હત્યા થાય ત્યારે ગિરધારલાલ ગીતની પંક્તિ બોલે છે; `આયો કહાં સે ઘનશ્યામ.' મન્ના ડેનું આ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે.
નવીન નિશ્ચલ અને અર્ચના પર ફિલ્માવાયેલું બીજું એક ગીત પણ એટલું જ લોકપ્રિય થયું હતું. ઘણા લોકો કહે છે કે કિશોર કુમારે અત્યંત સુંદર રીતે ગાયેલું, આર. ડી. બર્મને મધુર રીતે કમ્પોઝ કરેલું અને મજરુહ સુલતાનપૂરીનું લખેલું ગીત `રાત કલી એક ખ્વાબ મેં આયી, ઔર ગલે કા હાર હુઈ' નવીન અને અર્ચના પર વેડફાઈ ગયું હતું.
સાવ એવું નથી. `સાવન ભાદો'ની સફળતા પછી નવીન ત્યારે `હોટ હીરો' હતો. નવીનના ભાગે અદ્ભુત ગીતો આવ્યાં હતા. જેમ કે, `સાવન ભાદો'નું `કાન મેં ઝૂમખા, ચાલ મેં ઠુમકા', `વોહ મૈં નહીં'નું `ચાહે પુરુષ હો ચાહે નારી', `વિક્ટોરિયા 203'નું 'તુમ ના મિલી તો હમ જોગી બન જાયેંગે' અને `હંસતે જખમ'નું સુપરહિટ `તુમ જો મિલ ગયે હો'. અમિતાભ બચ્ચન જેમાં વિલનની ભૂમિકામાં હતો એવી `પરવાના'માં પણ નવીનના ભાગે કિશોર કુમારનું સુંદર ગીત `સિમટી સી શરમાઈ સી, કિસ દુનિયા સે તુમ આયી હો' આવ્યું હતું. `બુઢ્ઢા મિલ ગયા'માં બીજાં બે ગીતો પણ લોકપ્રિય થયા હતા - કિશોર કુમારના અવાજમાં `ભલી ભલી સી એક સુરત, ભલા સા એક નામ' અને લતાજીનું `જીયા ના લાગે મોરા'.
`રાત કલી એક ખ્વાબ મેં આયી' મુંબઈ જુહૂ ચોપાટી પર ફિલ્માવાયું હતું. ઋષિ'દાનું આ ફેવરિટ લોકેશન હતું. તેમની સુપરહિટ ફિલ્મ `આનંદ'નું `જિંદગી કૈસી હૈ પહેલી' પણ એ જ વર્ષે આ જ બીચ પર ફિલ્માવાયું હતું. 20મી સદીના મહાન ઉર્દૂ શાયરોમાં જેમની ગણના થાય છે તેવા મજરુહ સુલતાનપુરીએ `રાત કલી'માં ગજબની કલ્પનાઓ કરી હતી.
એમાં તેઓ લખે છે; `તુમને કદમ તો રખા જમીં પર, સીને મેં ક્યૂં ઝનકાર હુઈ.'
હા, એ સાચું કે નવીનની હિરોઈન અર્ચના એમાં `મિસફિટ' હતી. નવીન નિશ્ચલની જેમ તે પણ ઇન્સ્ટિટ્યૂટની ગ્રેજ્યુએટ હતી. માત્ર ત્રણ ફિલ્મો `ઉમરાવ' (1970), `બુઢ્ઢા મિલ ગયા' (1971) અને `અનોખા દાન' (1972) કરીને તે ગાયબ થઈ ગઈ. અર્ચના, બિમલ રોય સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા અને 1961માં બલરાજ સાહનીને લઈને `કાબૂલીવાલા' બનાવનાર નિર્દેશક હેમેન ગુપ્તાની દીકરી હતી. તેનું મૂળ નામ જયશ્રી હતું. તે ફિલ્મો માટે ગંભીર નહોતી અને ત્રણ ફિલ્મો કર્યા પછી તેના સેન્ટ ઝેવિયર્સ કોલેજ સમયના મિત્ર યોગેશ મોટવાણી સાથે પરણીને ગૃહસ્થ જીવનમાં ઠરીઠામ થઈ ગઈ હતી.
ઋષિદાની મોટાભાગની ફિલ્મોમાં મૃત્યુનું દૃશ્ય હોય છે. વર્ષો પહેલાં દેવેન વર્માએ એકવાર ઋષિદાનું ધ્યાન દોર્યું હતું કે `બુઢ્ઢા મિલ ગયા' એકમાત્ર એવી ફિલ્મ છે જેમાં મોતની વાત નથી. એ વખતે ઋષિદાએ હસતાં-હસતાં કહ્યું હતું, `તારી વાત ખોટી છે. ફિલ્મ એવી પિટાઈ ગઈ કે એમાં વિતરક બિચારો મરી ગયો.'