જીહા, હું રોડ પરનો બમ્પ છું. હા હા એ જ, જેના પર તમે રોજ ચઢો છો, ઊતરો છો. જેના પરથી પસાર થતાં તમે ઊછળો છો, પડો છો અને તમારાં ડકાં ભાંગે છે.
મારો જન્મ કોઈ હોસ્પિટલમા નહીં, પણ રોડ પર થયો છે. મારી ડિલીવરી સરકારી કર્મચારીઓએ કરાવેલી છે. એમ કહેવાય છે કે હું વાહનોની સ્પીડ ઓછી કરી અને લોકોની સલામતી માટે છું, પરંતુ સાચું કહું તો હું ઓર્થોપેડિક ડોક્ટરોની કમાણી માટે છું. મારી ઉપરથી પસાર થયા પછી ઘણા લોકો `સરરર... સટ' કરીને ઓર્થોપેડિક હોસ્પિટલમાં પહોંચી જાય છે. મને તો લાગે છે કે ભવિષ્યમાં કેટલાક બમ્પો ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા સ્પોન્સર પણ થતા હશે.
નિયમ મુજબ મને રોડ વિભાગના સ્પેસિફિકેશન પ્રમાણે બનાવવો જોઈએ, પણ આજકાલ કોન્ટ્રાક્ટરોની કલ્પનાશક્તિ એટલી તેજ થઈ ગઈ છે કે તેઓ મને કોઈ આર્ટ ગેલેરીના શિલ્પ જેવો બનાવી નાખે છે. કોઈ મને નાનો અમથો બનાવે તો કોઈ મને મોટો ટેકરા જેવો બનાવે. ટૂંકમાં, મારી ગોળાઈ બનાવનારની મનસૂફી પર આધારિત છે.
મારો એક જ જીવનમંત્ર છે - જ્યાં બમ્પ ત્યાં જમ્પ! હું દરેક વાહન પ્રત્યે સમાન ભાવ ધરાવું છું. વાહન કોઈ પણ હોય, મારું ધ્યેય એને ઉછાળવાનું અને એના અસવારોને ગબડાવવાનું છે. ટુ વ્હીલ, થ્રી વ્હીલ, ફોર વ્હીલ, ઢગલો વ્હીલ, રોડ રોલર, જેસીબી કંઈ પણ હોય હું કોઈની સાડાબારી રાખતો નથી.
મારા કેટલાક `કઝિન ભાઈઓ' તો બહુ જ ઉત્સાહી છે. એ એટલા ઊંચા બનેલા હોય છે કે લોકો એને જોઈને કહે છે `આ બમ્પ છે કે મિનિ હિલ સ્ટેશન?' એની એક સાઇડથી ચડો અને બીજી સાઈડથી ઊતરો ત્યારે માઉન્ટેન ટ્રેકિંગ પર નીકળ્યા હોવ એવું લાગે છે.
મારા કેટલાક પિતરાઈ ભાઈઓ એકજૂથ બનાવી એકસાથે બાજુબાજુમાં રહે છે. પાંચ-છ નાના નાના બમ્પ એકબીજાની અડોઅડ ગોઠવાયેલા હોય છે. એ લોકો બિલકુલ લગ્નમાં નાચતા કઝિન્સ જેવા લાગે છે. એક પર ચઢો, પછી બીજા પર, પછી ત્રીજા પર.. એમ `ઢક ઢક ઢક ઢક' કરી કૂદતાં કૂદતાં વાહનો એમના પરથી પસાર થાય છે. કારના સસ્પેન્શનને લાગે કે `આજે તો ગરબા રમવાનો દિવસ છે!' લોકો એમને `સ્પીડ બ્રેકર' કહે છે, પણ સાચું કહું તો મારા એ કાકા બાપાના પોરિયા `બોન બ્રેકર' અને `ટાયર બ્રેકર' તરીકે વધુ લોકપ્રિય છે. ઘણા વાહનચાલકો તો એના ઉપરથી પસાર થયા પછી પોતાના દાંત ગણી લે છે - `બધા છે કે નહીં?'
અમુક વખત હું એટલો શરમાળ બની જાઉં છું કે કોઇને દેખાતો જ નથી. ડ્રાઇવર મજાથી ગાડી દોડાવતો આવે અને પછી અચાનક વાહન કૂદે. ડ્રાઇવર બોલે `અલ્યા આ ક્યાંથી આવ્યો?' હું સામે બોલું `સરપ્રાઇઝ!'
એક દિવસ એક સ્કૂટરવાળો મને જોઈ ન શક્યો, એનું સ્કૂટર ઉછળ્યું અને પછી `ભફાંગ'. ત્યાં સામે ઊભેલા કાકાએ કહેલું, `બેટા, બમ્પને કાયમ નમસ્કાર કરીને જવું જોઈએ!'
એકવાર એક કારવાળો કૉલ પર ઓફિસ મીટિંગની વાતો કરતો આવ્યો. મારા પર ચઢતાં જ એની કાર કૂદી. એણે રાડ પાડી. બૉસે પૂછ્યું, `શું થયું?' તો એણે કહ્યું, `ઓફિસ મિટિંગમાં બમ્પ સાથે મીટિંગ થઈ ગઈ!'
મારા કારણે બનતી દુર્ઘટનાઓના કારણે મને લાગે છે સરકારને હવે `બમ્પ પીડિત સહાય યોજના' શરૂ કરવી જોઈએ. જે લોકો મારા પર ઊછળીને દવાખાને પહોંચે છે એમને થોડી સહાય તો મળવી જોઈએ! સાથે સાથે સૌથી વધારે બમ્પ પાર કરનારા લોકોને મેડલ પણ મળવો જોઈએ, `બમ્પ વિજય ચક્ર'
સાંભળ્યું છે કે ભવિષ્યમાં કદાચ `બમ્પ ટૂરિઝમ' પણ શરૂ થશે. લોકો ખાસ કરીને મને જોવા આવશે. જ્યાં ગાઈડ કહેશે `આવો મિત્રો, જુઓ આ છે દેશનો સૌથી ખતરનાક બમ્પ. આના પરથી અત્યાર સુધીમાં પચાસ હજારથી વધુ લોકો ગબડી ચૂક્યા છે.' લોકો મારા ફોટા પાડશે, સેલ્ફીઓ લેશે અને પછી ધીમે ધીમે મારી ઉપરથી પસાર થશે.
પણ અંતે તો હું ગર્વથી કહું છું કે હું રોડનો સિપાહી છું. હા, ક્યારેક વધારે ઉત્સાહમાં આવી લોકોને ઉછાળી પણ દઉં છું, પણ શું કરું સાહેબ? હું બમ્પ છું એટલે મારી સાથે જમ્પ તો હોવાનો જ!
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો